વિજય રૂપાણીની સરકારમાં પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી રહેલા જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા વિરુદ્ધ ખુદ જિલ્લા ભાજપના જ આગેવાનો મેદાને આવ્યા છે. સહકારી ક્ષેત્રના 4 અસંતુષ્ટ સિનિયર આગેવાને રાજ્ય સરકારમાં જયેશ રાદડિયા વિરુદ્ધ આજે ગાંધીનગરમાં રજૂઆત કરશે. ચારેય આગેવાનોનો આક્ષેપ છે કે રાજકોટ જિલ્લા બેંકની ભરતીમાં જયેશ રાદડિયાએ ભ્રષ્ટાચાર કર્યો છે. બીજી તરફ રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદર સામે ભાજપના જ સભ્યોએ નારાજગી વ્યક્ત કરી છે, આથી રાજકોટ શહેર બાદ હવે જિલ્લામાં ભાજપનો આંતરિક જૂથવાદ ભભૂક્યો છે.
રાદડિયા વિરુદ્ધ જિલ્લા બેંકના વહીવટની રજૂઆત કરશે
આજે સહકારી ક્ષેત્રના ભાજપના આગેવાનો હરદેવસિંહ જાડેજા, પુરુષોત્તમ સાવલિયા અને વિજય સખિયા ગાંધીનગરમાં સહકાર વિભાગના સચિવ સહિતને જયેશ રાદડિયાના નિયંત્રણ હેઠળની જિલ્લા બેંકના વહીવટની રજૂઆત કરશે. આ આગેવાનોની ફરિયાદ છે કે જિલ્લા બેંકમાં 1100 કર્મચારીની ભરતીમાંથી 900ની ભરતીમાં જયેશ રાદડિયાએ ગેરરીતિ આચરી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ માર્કેટ યાર્ડ અને લોધિકા સંઘની ચૂંટણી પછી ભાજપનું એક જૂથ જયેશ રાદડિયાથી નારાજ છે.
જિલ્લા પંચાયતમાં પણ ભાજપમાં આંતરિક ઘૂઘવાટ
જયેશ રાદડિયાની સામે ભાજપનું એક જૂથ સામે પડ્યું છે તેમ રાજકોટ જિલ્લા પંચાયતમાં પણ પ્રમુખ ભૂપત બોદર સામે ભાજપના એક જૂથે બાંયો ચડાવી છે. જિલ્લા પંચાયતમાં પણ ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જેમાં ભૂપત બોદર સામે ભાજપના જ સભ્યોએ નારાજગી વ્યક્ત કરી છે અને તેની વિરૂદ્ધ પક્ષમાં રજુઆત કરવામાં આવી છે. જેમાં ભૂપત બોદરની ગેરહાજરી અને સભ્યોની અવગણનાનો મુદ્દો ઉછાળવામાં આવ્યો છે. ભાજપના નારાજ સભ્યો રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયાને મળી રજુઆત કરી છે. જેમાં ટી.એ. અને ડી.એ.ના પ્રશ્નોની પણ રજુઆત કરવામાં આવી છે.
ભાજપમાં કોઈ જ જૂથવાદ નથીઃ ભૂપત બોદર જોકે આ અંગે ભૂપત બોદરે જણાવ્યું હતું કે, જિલ્લા ભાજપના પ્રમુખની મારી પાસે અસંતોષની રજુઆત આવી નથી. અમે સતત પ્રજા વચ્ચે દોડતા રહીએ છીએ, ટી.એ./ડી.એ.ની એક પણ ફાઇલ મારી પાસે પેન્ડિંગ નથી. હું ચૂંટાયો ત્યારથી આજ સુધી ટી.એ./ડી.એ. નથી લીધું, મારી પાસે કોઈ ફરિયાદ આવી નથી. તમે સારા કામ માટે નીકળતા હોય તો હિત શત્રુઓ હોય છે. જયેશભાઇ રાદડિયા પ્રત્યે મને ખૂબ જ લાગણીઓ છે. તેમના પિતા મારા ખૂબ સારા મિત્ર હતા. વિજયભાઇ હતા ત્યારે માન મળતું તેવું જ આજે માન મળે છે. ભાજપમાં કોઈ જ જૂથવાદ નથી.
સહકારી ક્ષેત્રે જોડાયેલા 4 આગેવાનની રાદડિયા વિરૂદ્ધ રાવ
રાજકોટ યાર્ડના ડિરેક્ટરો પરસોતમ સાવલિયા, વિજય સખિયા, હરદેવસિંહ જાડેજા, નીતિન ઢાંકેચા જયેશ રાદડિયા સામે પડ્યા છે. જયેશ રાદડિયાના નિયંત્રણ હેઠળની જિલ્લા બેંકમાં પ્યૂનની ભરતીમાં લાખો રૂપિયાનો વહીવટ થયો છે, પ્યૂનની ભરતી કરીને પછી પ્રમોશન આપી ક્લાર્ક બનાવી દેવામાં આવે છે તેવો આરોપ પણ આ ચારેય આગેવાનોએ લગાવ્યો છે. જોકે રૂપાણીને ભલે ટાર્ગેટ કર્યા હોય પણ રાદડિયા સામે મોરચો ખોલવો ભાજપના જ નેતાઓને ભારે પડી શકે છે. મંત્રી ન હોવાછતાં જયેશ રાદડિયાનું ખેડૂતોમાં વર્ચસ્વ છે. માત્ર એટલું જ નહીં, જેતપુર-જામકંડોરણાથી લઈ રાજકોટના આસપાસના વિધાનસભા વિસ્તારોમાં રાદડિયાનો પ્રભાવ છે.
આક્ષેપ કરનારા દૂધે ધોયેલા નથીઃ જયેશ રાદડિયા
આ અંગે જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે જે કોઇ આક્ષેપ કરે છે તે કોઇ દૂધે ધોયેલા નથી. સૌ પહેલા અરીસામાં તમામ મોઢું જુએ અને પછી આક્ષેપો કરે. જિલ્લા સહકારી બેંકે વર્ષોથી ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે અને કામગીરી કરી છે. જ્યારે કોઇ ખેડૂતોને 0 ટકાએ ધિરાણ આપતું નહોતું ત્યારે ખેડૂતોને ધિરાણ આપવાની શરૂઆત કરી. સહકારી ક્ષેત્રનું સંચાલન સારી રીતે થઇ રહ્યું છે. મને પાર્ટીએ બેસાડ્યો છે. ચાર-પાંચ લોકોના આક્ષેપથી કાંઈ ફેર ન પડે. બેંકનું સંચાલન વર્ષોથી કરું છું. ભૂતકાળમાં પણ આક્ષેપો થયા છે. જિલ્લા બેંકની મુલાકાત માટે ભારત દેશમાંથી લોકો આવે છે.
યાર્ડમાં ચેરમેન બનવા લઇને જૂથવાદ વકર્યો
ઉલ્લેખનીય છે કે રાજકોટ યાર્ડમાં ચેરમેન લઇને પ્રશ્ન ઊઠ્યો હતો, જેમાં ચેરમેન તરીકે પરસોતમ સાવલિયાનું નામ છેલ્લે સુધી નક્કી હતું અને યાર્ડનો મામલો રૂપાણીના કાળમાં રાદડિયા જ સંભાળતા હતા. બાદમાં સત્તા પરિવર્તન થયું, પણ સાવલિયાને ચેરમેનપદ મળ્યું નહીં. તાજેતરમાં જસદણના ભાજપ મહિલા મોરચાના પ્રમુખે ભાજપના મહામંત્રીથી ત્રાસી રાજીનામું આપ્યું હતું અને કુંવરજી બાવળિયાએ આ મહિલા નેતાને ટેકો આપ્યો હતો. આમ, જિલ્લામાં આંતરિક જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો છે. હવે સત્તાનાં સમીકરણો સમૂળગાં બદલાતાં અત્યારસુધી મૌન રહીને સહી લેનારા નેતાઓ હવે મેદાને આવ્યા છે, આથી આ સહકારી આગેવાનોએ જિલ્લા બેંકમાં ભરતીમાં લાખોનો વહીવટ થયાનો આક્ષેપ કરતો પત્ર મુખ્યમંત્રીને પણ લખ્યો હતો.
અસંતુષ્ટ જૂથોએ 22 મુદ્દે પોતાની નારાજગી વ્યક્ત કરી
હાલ સહકારી જગતમાં જિલ્લા બેંકનું ભરતીકૌભાંડ ચર્ચાનો વિષય બન્યો છે. અસંતુષ્ટ જૂથોએ 22 મુદ્દે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આ માટે પ્રદેશ પ્રમુખને મળ્યા છે તો સહકારી સચિવ અને વિજિલન્સ કમિશનરને પણ પત્ર લખ્યો છે. હાલમાં તેઓ નિર્ણયની રાહ જોઇ રહ્યા છે. ગાંધીનગર સુધી લખેલા પત્રમાં આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી છે કે જિલ્લા બેંકમાં પટાવાળાની ભરતીમાં કૌભાંડ થઈ રહ્યું છે તેમજ સહકારી જગતમાં સંચાલન થઇ રહ્યા છે એમાં કોઇને વિશ્વાસમાં લેવામાં આવતા નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.