સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ત્રણ વર્ષ પહેલા ગોંડલ ભાજપના યુવા નેતા અલ્પેશ ઢોલરીયાએ પરીક્ષામાં તેમના બદલે અન્ય એક વિદ્યાર્થીને ડમી બેસાડતા ઝડપાઈ ગયા બાદ તેને 1+8 એટલે કે 4 વર્ષ પરીક્ષામાંથી બાકાત કરાયો હતો પરંતુ ગઇકાલે ઈ.ડી.એ.સી. ની બેઠકમાં એક સામાન્ય વિદ્યાર્થીને યુનિવર્સિટીએ ડમી કેસમાં આજીવન પરીક્ષા નહિ આપી શકે તે પ્રકારની કડક સજા કરી છે. જેથી તે હવે કોઈ પણ જગ્યા એ ભણી જ શકે નહિ. ત્યારે યુનિવર્સીટીના આ નિર્ણયથી વિદ્યર્થીઓમાં એવો ગણગણાટ સર્જાયો છે કે યુનિવર્સીટીમાં રાજકીય વગ હોય તો ઠીક અન્યથા અન્યાય સહન કરતું રહેવું પડશે.
આજીવન પરીક્ષામાંથી બાકાત કરવાનો નિર્ણય
ગોંડલની એમ.બી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એપ્રિલ 2019 માં બી.એ. સેમેસ્ટર-1 ની પરીક્ષા આપતા તત્કાલીન માજી પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ ડમી વિદ્યાર્થીને બેસાડ્યો હોવાનું સામે આવ્યું હતું. જે મામલામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઈ.ડી.એ.સી.એ તેને 1+8 એટલે કે 4 વર્ષ પરીક્ષામાંથી બાકાત રાખ્યો હતો. જોકે ગઇકાલે યુનિવર્સિટીમાં મળેલી ઈ.ડી.એ.સી. (એક્ઝામિનેશન ડીસીપ્લીનરી એક્શન કમિટી)ની બેઠકમાં પરીક્ષામાં ડમી બેસાડતા વિદ્યાર્થીઓ સામે લાલ આંખ કરી હોય તેમ લીંબડીમાં બી.એ. સેમ.5 ની પરીક્ષામાં મનોજ ઇવોરીયાએ ડમી વિદ્યાર્થી તરીકે અન્યને બેસાડ્યો હતો. જે મામલામાં તેને આજીવન પરીક્ષામાંથી બાકાત કરવાનો નિર્ણય લેવાયો છે.
1+1ની સજા ફટાકરવામાં આવી
આ ઉપરાંત ઘરેથી ઉતરવહી પરીક્ષા કેન્દ્રમાં લઇ જતી બી.કોમ. સેમ.1 ની વિદ્યાર્થિની વિદ્યુતી વાણીયાને 1+6 એટલે કે ત્રણ વર્ષ સુધી પરીક્ષામાંથી બાકાત કરી છે. આ સિવાય એક વિદ્યાર્થીને શંકાનો લાભ અપાયાનું જાણવા મળે છે. પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયેલ વિદ્યર્થિઓને સજા માટે મળેલી આ બેઠકમાં 53 માંથી 21 વિદ્યાર્થીઓ રૂબરૂ હાજર રહ્યા હતા. કુલ 50 વિદ્યાર્થીઓને 1+1ની સજા ફટાકરવામાં આવી હતી.
પકડાઈ જવાના ડરથી ચિઠ્ઠી ચાવી ગયો
યુનિવર્સિટીમાં નવેમ્બર-ડીસેમ્બર 2022 અને જાન્યુઆરી 2023 માં લેવાયેલી પરીક્ષાઓમાં ગેરરીતી આચરતા 53 વિદ્યાર્થીઓને સજા માટે ઈ.ડી.એ.સી.ની બેઠક મળી હતી. જેમાં કાપલી, હાથ-પગમાં લખાણ ઉપરાંત સ્માર્ટ વોચમાંથી ચોરી કરતા ઝડપાયેલા વિદ્યાર્થીઓનું હિયરીંગ હતું. જેમાં એક વિદ્યાર્થી તો ચોરી કરતા પકડાઈ જવાના ડરથી ચિઠ્ઠી ચાવી ગયો હોવાનું સામે આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.