રાજકોટ જિલ્લાના પડધરીના મોવિયા ગામે PGVCLના ડેપ્યુટી એન્જિનિયર પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. હાલ એન્જિનિયરને રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે જૂનાગઢ IC સ્ક્વોડના ડેપ્યુટી એન્જિનિયર એચ.એમ. પરમારે મીડિયાને જણાવ્યું હતું કે ભાજપના આગેવાન ધીરુભાઈ તળપદાએ વીજ ચેકિંગ કરતા PGVCLના ડેપ્યુટી ઇજનેર પર 40 લોકો સાથે હુમલો કર્યો છે અને ઈજનેરને તમાચાઓ મારતાં તેમને બહેરાશ આવી ગઈ છે.
GEBના અધિકારીઓ દ્વારા મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી છે: ભાજપના આગેવાન
જયારે બીજી તરફ આ મુદ્દે ખુલાસો કરતા ભાજપના આગેવાન ધીરુભાઈ તળપદાએ જણાવ્યું હતું કે મારા પર લાગેલા આક્ષેપો તદ્દન ખોટા છે. હું મારા ઘરે સૂતો હતો. એ વખતે મારાં ધર્મપત્નીએ જણાવ્યું કે ચોકમાં કંઈક બબાલ થઈ રહી છે. એ બબાલને હું રોકવા માટે ગયો હતો અને મેં ટોળાંએ હટાવવા માટે પ્રયત્નો કર્યા હતા. એ સમયે કોઇને પણ ઇજા પહોંચી નથી. ઇજનેરને માર્યા હોય અને તેઓ દાખલ થયા છે આ આખી વાત ઊપજાવી કાઢેલી છે. GEBના અધિકારીઓ દ્વારા મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી. એને કારણે જો મહિલાઓએ બબાલ કરી હતી.
ગેરકાયદે વીજચોરી પકડાઇ હતી: પ્યુટી એન્જિનિયર એચ.એમ.પરમાર
ડેપ્યુટી એન્જિનિયર એચ.એમ. પરમારે જણાવ્યું હતું કે PGVCL દ્વારા હાલ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે આજે સવારે 08:00 વાગ્યાના સુમારે રાજકોટ જિલ્લાના પડધરીના મોવિયા ગામમાં અમારા ડેપ્યુટી એન્જિનિયર પુરોહિત સાહેબ ટીમ સાથે વીજ ચેકિંગમાં હતા. જ્યાં ભાજપના આગેવાન ધીરુભાઈ તળપદાના ઘર અને પેવર પ્લાન્ટમાં ગેરકાયદે વીજચોરી પકડાઇ હતી, એ સમયે ભાજપના આગેવાન ધીરુભાઈ ત્યાં આવી ગયા હતા.
40-50 માણસોનું ટોળું એકઠું થઈ ગયું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમણે અમારી ટીમને ચેકિંગ કરતા અટકાવ્યા હતા. પ્રથમ તો એન્જિનિયર પુરોહિત સાહેબને ધીરુભાઈએ તમાચા માર્યા હતા અને તેમણે 40-50 માણસનું ટોળું એકઠું કરી લીધું હતું, જેમાં 8-10 લોકોએ પણ તમાચા માર્યા હતા અને લાકડીથી PGVCLની ટીમ અને ઇજનેર પર હુમલો કર્યો હતો, પણ એ સમયે પુરોહિત સાહેબએ લાકડી પકડી લીધી હતી અને ટીમ સાથે જીવ બચાવીને ત્યાંથી નાસી ગયા હતા.
ડાબા કાનમાં બહેરાશ આવી ગઈ છે
તેમણે જણાવ્યું હતું કે ઈજાગ્રસ્ત પુરોહિત સાહેબને સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા હતા પરંતુ ત્યાંથી ડોક્ટરે તેમને વધુ સારવાર માટે વોકહાર્ટ હોસ્પિટલમાં રિફર કર્યા છે. તેમની આંખોમાં લોહીના ગઠ્ઠા જામી ગયા છે. ડાબા કાનમાં બહેરાશ આવી ગઈ છે. કપાળના ભાગે લિસોટા પડી ગયા છે. તેમને એટલી હદે મુંઢમાર મારવામાં આવ્યો છે કે હાલ તેઓ વાત કરી શકે એવી પરિસ્થિતિમાં પણ નથી.
વીડિયો પણ બળજબરીપૂર્વક ડિલિટ કરાવ્યો
તેમણે આગળ કહ્યું હતું કે આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ અમારા એક જુનિયર એન્જિનિયર દ્વારા શૂટ કરવામાં આવ્યો હતો, પરંતુ એ સમયે બેકાબૂ બનેલા ટોળાએ આ વીડિયો પણ બળજબરીપૂર્વક ડિલિટ કરાવ્યો છે, પણ અમારા MD સાહેબએ આ મુદ્દે જણાવ્યું છે કે વીડિયો રિકવર કરવા પણ અમે પ્રયત્ન કરીશું. હાલ અમારી ટીમ દ્વારા ફરિયાદ નોંધવા તજવીજ કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.