જૂના જોગીઓને ‘સમજાવી’ દેવાયા:ભાજપે ચારેય MLAની બાદબાકી કરી, સામાકાંઠે OBCને ટિકિટ આપી, બે મહિલાને મેદાને ઉતાર્યા

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂના જોગીઓને ‘સમજાવી’ દેવાયા | જ્ઞાતિવાદના ગણિતને નજર સમક્ષ રાખીને જ ચાર બેઠક પર ટિકિટની ફાળવણી કરાઈ
  • વિધાનસભા 68માં ઉદય કાનગડ, 69માં દર્શિતાબેન શાહ, 70માં રમેશ ટીલાળા અને 71માં ભાનુબેન બાબરિયા આજે ફોર્મ ભરશે
  • રાજકોટના​​​​​​​ રાજકીય ​​​​​​​ઇતિહાસમાં પ્રથમ વખત આવું બન્યું

વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં ભાજપ કોને ઉતારશે, કોણ કપાશે, પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની બેઠક પર કોની પસંદગી થશે, તેવી અનેક અટકળો વચ્ચે ગુરુવારે ભાજપે યાદી જાહેર કરતાં જ રાજકોટના રાજકારણમાં અપસેટ સર્જાયો હતો, રાજકોટના ઇતિહાસમાં ભાજપે પ્રથમ વખત ચારેય બેઠક પર ગત ચૂંટણીના સંદર્ભમાં ચારેય નવા ચહેરાની પસંદગી કરી હતી. વિધાનસભા 68માં ઉદય કાનગડ, 69માં દર્શિતાબેન શાહ, 70માં રમેશ ટીલાળા અને 71માં ભાનુબેન બાબરિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી, આ ચારેય ઉમેદવાર શુક્રવારે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે.

ભાજપે ઉમેદવાર પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી ત્યારે ચારેય બેઠક માટે 50થી વધુ લોકોએ દાવેદારી કરી હતી, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીધી રીતે દાવેદારી કરી નહોતી પરંતુ તેમના નિકટના ટેકેદારોએ રૂપાણીને ટિકિટ મળે તેવી આગ્રહપૂર્વકની રજૂઆત કરી હતી, રૂપાણી નહીં તો નીતિન ભારદ્વાજ માટે પણ ભારે લોબિંગ થયું હતું, વિધાનસભા 70માં સિનિયર ધારાસભ્ય ગોવિંદ પટેલને નિવૃત્ત કરવામાં આવશે અને તેમની બેઠક પર પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ભરત બોઘરા અને ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાના નામ મોખરે ચાલતા હતા, વિધાનસભા 68ના ધારાસભ્ય અને મંત્રી અરવિંદ રૈયાણી સામે તેમના વિસ્તારમાંથી ભારે વિરોધ ઉઠ્યો હતો, જોકે રૈયાણી મંત્રી અને પાટીદાર હોય તેમનું પત્તું કપાશે કે કેમ તેના પર અનેક ચર્ચાઓ ચાલતી હતી, રાજકોટ ગ્રામ્ય વિધાનસભા 71માં પણ ધારાસભ્ય લાખા સાગઠિયા પર જોખમની તલવાર ઝળુંબતી હતી અને તેમાં ભાનુબેન બાબરિયા સહિતના નામ ચાલતા હતા.

બુધવારે રાત્રે નાટ્યાત્મક રીતે વિજય રૂપાણીએ પોતે ચૂંટણી લડવા ઇચ્છતા નથી તેવી જાહેરાત સામે ચાલીને કરી હતી, બુધવારે ભાજપે યાદી જાહેર કરતાં જ ભાજપના કાર્યકરો ચોંકી ઉઠ્યા હતા. રાજકોટના ઇતિહાસમાં અત્યાર સુધી ભાજપે 1975થી 2012 સુધી રાજકોટની બે બેઠક હતી ત્યારે એક બેઠક પર નવું નામ જાહેર કર્યું હોય પરંતુ બીજી બેઠક પર અગાઉનું નામ રિપીટ કર્યું હોય તેવું બનતું હતું. 2012 પછી રાજકોટ શહેર ગ્રામ્યની મળી ચાર બેઠક મળી તો પણ રાજકોટ પશ્ચિમમાં વજુભાઇ વાળા અડીખમ ઉમેદવાર સાબિત થયા હતા, પરંતુ 2022માં ચારેય બેઠક પર નવા ઉમેદવાર ઉતાર્યા છે.

અન્ય સમાચારો પણ છે...