અનોખો સંયોગ:રાજકોટમાં ભાજપના મહિલા ઉમેદવાર અગિયારસે જ માત્ર 11 મતે જીત્યા, ઘરનો નંબર અને EVM ક્રમાંક પણ એક સરખો ‘11’, ભાજપ માટે લક્કી સાબિત થયા

રાજકોટ8 મહિનો પહેલા
રાજકોટમાં વોર્ડ નં.16માં ભાજપના ઉમેદવાર રુચિતા જોશી 11 મતથી જીત્યા.
  • રૂચિતાબેન જોશીના કારણે કોંગ્રેસનો વિરોધ પક્ષ રચાય ન શક્યો
  • 11નો અંક લક્કી છે એ હું માનવા લાગી છું- વિજેતા મહિલા ઉમેદવાર

યોગ-સંયોગથી વ્યક્તિના જીવનમાં અનેક બદલાવ આવે છે, આવો જ એક બદલાવ રાજકોટ ભાજપના વોર્ડનં.16ના ભાજપના મહિલા ઉમેદવાર સાથે ગઇકાલે ગજબનો સંયોગ સર્જાયો હતો. ભાજપના ઉમેદવાર રૂચિતા જોશી વોર્ડ નં.16માં ચૂંટણી લડ્યા હતા. તેઓ ચૂંટણીમાં માત્ર 11 મતે જીત્યા છે. તેઓના મકાનનો નંબર પણ 111 છે. ગઇકાલે અગિયાસર પણ હતી અને EVMમાં ક્રમાંક નંબર 11 હતો. આથી ગઇકાલે અનોખો સંયોગ જોવા મળ્યો હતો. તેઓ ભાજપ માટે લક્કી સાબિત થયા છે.

11ના આંકડાનો ગજબ સંયોગ
વૈષ્ણવ ધર્મ પાળતા રૂચિતાબેન જોશીને ગઇકાલનો દિવસ જિંદગીભર યાદ રહેશે. કારણ કે આજે અગિયારસના દિવસે મહાપાલિકાની ચૂંટણીની મતગણતરીમાં કોંગ્રેસના ઉમેદવાર રસીલાબેન ગરયાને 7989 મત અને રૂચિતાબેનને 8600 મત મળતા ભારે રસાકસી થઈ હતી અને જીતને લઈ ટેકેદારોના જીવ તાળવે ચોટી ગયા હતા અંતે રૂચિતાબેન માત્ર 11 મતે વિજેતા જાહેર થયા હતા. ખૂબીની વાત એ છે કે રૂચિતાબેનના ઈવીએમમાં ક્રમાંક નં. 11 હતો, 11 મતે તેઓ જીત્યા હતા અને મકાનનો નંબર પણ 111 છે. જોગાનુજોગ ગઇકાલે અગિયારસ પણ હતી. આમ 11ના આંકડાનો ગજબ સંયોગ રચાયો હતો.

વોર્ડ નં.16માં ભાજપને આખેઆખી પેનલ વિજેતા બની છે.
વોર્ડ નં.16માં ભાજપને આખેઆખી પેનલ વિજેતા બની છે.

11 નંબર મને ફળ્યો છે-રુચિતા જોશી
આ અંગે રુચિતા જોશીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ તો બધું જોગાનુજોગ થયું છે, પણ 11નો અંક લક્કી છે એ હું માનવા લાગી છું. આમ પણ એક 11 નબંર શુકનવંતો કહેવાય જે મને ખૂબ જ ફળ્યો છે. મારા મકાનનો નંબર પણ 11 છે. આ સિવાય ગઇકાલે અગિયારસ હતી જે મને ફળી છે. આથી હું આંકમાં પણ માનવા લાગી છું.

કોંગ્રેસ પ્રમુખ સહિતના મોટાં માથાઓ હાર્યા
ભાજપ માટે બહુમતી મેળવવી મુશ્કેલ નહોતી, પરંતુ કોંગ્રેસને ક્લિનસ્વીપ કરવા માટે કેટલાક મોટા માથાને હરાવવા પડકાર હતો. વોર્ડ નં.3, 4, 10, 11, 12, 13, 15, 16 અને 17માં કોંગ્રેસના કોર્પોરેટર્સને પછડાટ આપવા માટે ભાજપે ખાસ પ્લાન કર્યો હતો, અને તેમાં સફળતા પણ મળી હતી. વોર્ડ નં.3માં ગાયત્રીબા વાઘેલા અને દિલીપ આસવાણીને પછાડવામાં નવો જ ચહેરો નરેન્દ્રસિંહ જાડેજા ઉતારવામાં આવ્યો હતો અને તેમાં સફળતા મળી હતી. 4માં ગત ચૂંટણીમાં પણ એક જ બેઠક મળી હતી પરંતુ પરેશ પીપળિયા અને તેની ટીમે પૂરી પેનલ જીતાડી આપી હતી.

ઘરનો નંબર પણ 111 છે.
ઘરનો નંબર પણ 111 છે.

108 તરીકે જાણિતા કોંગ્રેસના જૂના જોગી અતુલ રાજાણી પણ હાર્યા
વોર્ડ નં.10માં મનસુખ કાલરિયા કોંગ્રેસના મજબૂત ઉમેદવાર હતા. પરંતુ ચેતન સુરેજા અને નરેન્દ્રસિંહ વાઘેલાએ કાલરિયાને ઘર ભેગા કરી દીધા હતા. વોર્ડ નં.12માં કોંગ્રેસના મજબૂત ઉમેદવાર વિજય વાંકને હરાવવામાં ભાજપના પ્રદીપ ડવ ડાર્કહોર્સ સાબિત થયા હતા. વોર્ડ નં.3માંથી વોર્ડ નં.2માં દાવેદારી કરનાર અતુલ રાજાણીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...