ભાસ્કર એક્સક્લુઝિવ:રાજકોટ વિધાનસભાની 3 બેઠક પર ભાજપ ઉમેદવાર રિપીટ ન કરે તેવી સંભાવના

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • રાજકોટમાં આઇબીનો રિપોર્ટ અને ભાજપનો આંતરિક સરવે પૂરો
  • દિલ્હીમાં મોવડીમંડળને રિપોર્ટ-સરવે રજૂ થયા બાદ નામ પર વિચારણા થશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હજુ જાહેર થઇ નથી પરંતુ રાજ્યમાં ચૂંટણીનો માહોલ ગરમાઇ ગયો છે. ભાજપે તમામ બેઠકો પર ખાનગી એજન્સી મારફત સરવે કરાવ્યો છે તેમજ આઇબીને પણ કામે લગાવ્યું છે. રાજકોટમાં આઇબીએ ચારેય બેઠકનો રિપોર્ટ તૈયાર કરી નાખ્યો છે તેમજ ખાનગી એજન્સીએ પણ સરવે પૂર્ણ કર્યો છે. રાજકોટની ચાર બેઠકમાંથી ત્રણ બેઠક પર નવા ચહેરા જોવા મળશે તેવી સંભાવના વર્તાઇ રહી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરના રાજકીય પક્ષોની નજર રહેશે, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તમામ બેઠકો પર જીત મેળવવાના ટાર્ગેટ સાથે કાર્યકરોને સજ્જ કર્યા છે, આ વખતની ચૂંટણી માત્ર ભાજપ કોંગ્રેસ વચ્ચે નહીં પરંતુ ત્રિપાંખિયો જંગ થવાની છે ત્યારે ભાજપે ચૂંટણી જાહેર થઇ નથી છતાં તમામ બેઠકો પર કોને લડાવવા તેના લેખાંજોખાં શરૂ કરી દીધા છે.

ભાજપે ગત ચૂંટણીમાં મેળવેલી બેઠકો, તેમજ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યોએ તેમના પાંચવર્ષના કાર્યકાળ દરમિયાન કેવી કામગીરી કરી? તેમના મતક્ષેત્રના લોકોમાં તેમની કેવી છબી બની છે? અગાઉ કેટલી લીડ મળી હતી, પાતળી સરસાઇ હતી તો તે લીડ વધી શકે તેમ છે કે નવા ચહેરાની જરૂર છે તે સહિતના 10 મુદ્દા પર ખાનગી એજન્સી પાસે સરવે કરાવ્યો છે તેમજ ઇન્ટેલિજન્સ બ્યૂરોને પણ બેઠક દીઠ રિપોર્ટ આપવા સૂચના આપવામાં આવી હતી.

રાજકોટની ચારેય બેઠક અંગે આઇબીએ રિપોર્ટ તૈયાર કરી દીધો છે તેમજ ખાનગી એજન્સીએ પણ સરવે પૂર્ણ કર્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટની ચારમાંથી ત્રણ બેઠક પર ભાજપ નવા ઉમેદવારો સાથે ચૂંટણી જંગમાં ઉતરે તેવી સંભાવના વર્તાઇ રહી છે. મુખ્યમંત્રી પદ પરથી સેવામુક્ત થયેલા વિધાનસભા 69ના ધારાસભ્ય વિજયભાઇની જગ્યાએ તેમની પસંદગીના ઉમેદવાર કે પાટીલ જૂથના વ્યક્તિની પસંદગી થાય છે તેના પર સૌની નજર રહેશે.

વિધાનસભા 70માં ગોવિંદભાઇને ઉંમરનું કારણ નડે તો તેમની જગ્યાએ નવો ચહેરો આવશે, વિધાનસભા 68માં મંત્રી રૈયાણીને રિપીટ કરવામાં નહીં આવે તો પાટીદાર સમાજના જ યુવા નેતા અથવા ઓબીસી આગેવાનની પસંદગીની સંભાવના વર્તાઇ રહી છે, અને વિધાનસભા 71માં આપ વશરામ સાગઠિયાને ઉમેદવાર બનાવે તો ત્યાં કાંટાની ટક્કર થવાના નિર્દેશો મળી રહ્યા છે, રાજકોટની ચાર બેઠકમાંથી ત્રણ પર નવા ચહેરા ચૂંટણી લડશે તેવું ભાજપના વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...