તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં આ વર્ષે મેયરપદ માટે ઓબીસી અનામતની જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે ભાજપ અને કોંગ્રેસમાંથી 7-7 ઓબીસી અનામત બેઠક પર તેમજ 33 સામાન્ય બેઠક પર ચૂંટણી લડતા ઓબીસીના મળી કુલ 47 ઉમેદવારો મેયરપદની રેસમાં સામેલ થયા છે.
રાજકોટમાં 1995થી અનામત રોસ્ટરની શરૂઆત થઇ હતી અને 1997માં ઓબીસી સમાજમાંથી પ્રથમ વખત ભાજપના ઉદય કાનગડ મેયર બન્યા ત્યારે ભાજપને 60માંથી 59 બેઠક મળી હતી અને એક બેઠક પર કોંગ્રેસના લાધાભાઇ વિજેતા થયા હતા. ઓબીસી સમાજમાંથી આવતા હોય અને મનપાની ચૂંટણીમાં સામાન્ય કેટેગરીમાં ઉમેદવારી કરી હોય તો પણ તે ઉમેદવાર મેયર બની શકે છે. જેના પગલે રાજકોટમાં ભાજપમાંથી ઓબીસીના 24 અને કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા 23 ઉમેદવાર જો વિજેતા થાય અને પોતાનો પક્ષ બહુમતી મેળવે તો મેયરપદના દાવેદાર થશે. આ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસે સામાન્ય બેઠક પર ઓબીસી અને એસસીના 37 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જેમાં ભાજપે સામાન્ય બેઠક પર 17 ઓબીસી અને અેક એસસી તેમજ કોંગ્રેસે 16 ઓબીસી અને ત્રણ એસસી વર્ગના ઉમેદવારોને ટિકિટ આપી છે. આમ બન્ને પક્ષે સામાન્ય બેઠક પર ઓબીસી અને એસસી વર્ગના ઉમેદવાર પર દારોમદાર રાખ્યો છે.
મેયરની દાવેદારી માટે દાવ રમાશે, લોબિંગ પણ થશે
રાજકોટમાં ભાજપ કે કોંગ્રેસ જે પણ પક્ષની બહુમતી આવે મેયરપદ ઓબીસી સમાજ માટે અનામત હોવાથી વિજેતા થયેલા ઓબીસી સમાજના ઉમેદવારો મેયર બનવા જુદા જુદા દાવ રમશે. જેમાં પોતાની જ્ઞાતિના આગેવાનોની મદદથી મોવડી મંડળ સુધી રજૂઆત કરવા, એક જ જ્ઞાતિમાં એકથી વધુ દાવેદાર હોય તો તેમાં સર્વસહમતી કરી એક માટે જ લોબિંગ કરવા સહિતના દાવો રમાશે.
આ ઉમેદવારોએ ઓબીસીમાંથી ફોર્મ ભર્યા
ભાજપ: વોર્ડ નં.3. બાબુ ઉધરેજા, વોર્ડ નં.4 કંકુબેન ઉધરેજા, વોર્ડ નં.9માં જીતુ કોટડિયા, વોર્ડ નં.10માં રાજેશ્વરીબેન ડોડિયા, વોર્ડ નં.12માં મિતલબેન લાઠિયા, વોર્ડ નં.13માં જયાબેન ડાંગર, વોર્ડ નં.17માં રવજીભાઇ મકવાણા
કોંગ્રેસ: વોર્ડ નં.3માં દાના હુંબલ, વોર્ડ નં.4માં શીતલબેન પરમાર, વોર્ડ નં.9માં અર્જુન ગુજરિયા, વોર્ડ નં.10માં જયશ્રીબેન મહેતા, વોર્ડ નં.12માં મીતાબેન ડોડિયા, વોર્ડ નં.13માં જાગૃતિબેન ડાંગર, વોર્ડ નં.17માં અશોક ડાંગર
આ ઉમેદવારો ઓબીસી, પણ સામાન્ય બેઠક પર ફોર્મ ભર્યા
ભાજપ: હરિ ખીમાણિયા, ડો.અલ્પેશ મોરઝરિયા, કાળુ કુંગશિયા, વજીબેન ગોલતર, દેવુબેન જાદવ, મંજુબેન કુંગશિયા, ભાવેશ દેથરિયા, લીલુબેન જાદવ, પ્રદીપ ડવ, સોનલબેન સેલારા, નિલેશ જલુ, વિનુ કુમારખાણિયા, વરજાંગ હુંબલ, કંચનબેન સિદ્ધપુરા, નરેન્દ્ર ડવ, અનિતાબેન ગોસ્વામી, દક્ષાબેન વાઘેલા
કોંગ્રેસ: યુનુસ જુણેજા, નારણ સવસેટા, સીમીબેન જાદવ, લાભુ ઠુંગા, ભરત મકવાણા, કિરણબેન સોનારા, રતનબેન મોરવાડિયા, રણજિત મુંઘવા, કેતન ઝરિયા, પારૂલબેન ડેર, વસંતબેન માલી, વિજય વાંક, ભાનુબેન સોરાણી,ઇશાક ઠેબા, ગરૈયા રસીલાબેન, નીતાબેન સોલંકી.
ઇ-મેમો ઊંધું વાળી દેશે તેવો ભાજપના ઉમેદવારોને ભય
પોલીસે માસ્ક અને ટ્રાફિક નિયમભંગના નામે દરરોજના 3500 ઇ-મેમો જનરેટ કરી શહેરીજનો પાસેથી રૂ.15 કરોડ જેવી રકમ દંડ સ્વરૂપે વસૂલી લીધી છે, પોલીસ દ્વારા બેફામ રીતે ફટકારાયેલા દંડથી શહેરીજનો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે, કોંગ્રેસ અને આપ પક્ષે આને ચૂંટણીનો પણ મુદ્દો બનાવ્યો છે ત્યારે શહેરીજનો પર લગાવવામાં આવેલો આર્થિકભાર મતદાન પર અસર કરશે તો મુશ્કેલી થશે તેવી ચિંતા ભાજપના ઉમેદવારોમાં પ્રવર્તી રહી છે.
સાથીદાર જ દગો કરશે?, ક્રોસ વોટિંગ ચિંતાનો વિષય
રાજકીય પક્ષોએ જ્ઞાતિ સમીકરણને ધ્યાને લઇને ટિકિટની ફાળવી, એક જ્ઞાતિ સમાજના આગેવાનો સામસામે લડી રહ્યા છે, જ્ઞાતિના મતો અંકે કરવા માટે ઉમેદવારો જ્ઞાતિ કાર્ડ ખેલી રહ્યા છે, કેટલાક ઉમેદવારો પોતાના સમાજના આગેવાનો પાસે જઇને સમાજનો એક મત પોતાને મળે તેવી વાત કરી રહ્યા છે, અને જો આવા ઉમેદવારોની આ કૂટનીતિ સફળ થાય તો પેનલમાં સાથે રહેલા ઉમેદવારોની સ્થિતિ કથળે, અને જો આવું થશે તો આખી પેનલ જીતે તેવું મુશ્કેલ બનશે.
પછાત વિસ્તારોમાં ભાજપ કલાકારોને પ્રચારમાં ઉતારશે
શહેર ભાજપ એક એવી યાદી તૈયાર કરી રહ્યું છે જેમાં કેટલા વોર્ડમાં કેટલા માર્જિનથી જીત્યા હતા તેમજ કેટલા વોર્ડમાં કેટલા માર્જિનથી હાર્યા હતા, તેના આધારે કોને ક્યાં પ્રચારમાં ઉતારવા તે નક્કી કરવામાં આવશે. ખાસ કરીને પછાત વિસ્તારોમાં જ્યાં ઓછા માર્જિનથી જીત કે હાર થઇ હોય ત્યાં ગુજરાતી ફિલ્મના કલાકારોને પ્રચારમાં ઉતારવાનો તખ્તો ગોઠવવામાં આવી રહ્યો છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવારો એવું ઇચ્છી રહ્યા છે કે પ્રદેશના કોઇ નેતા આવીને મોટી સભા કરે તો પડ જાગતું થાય.
તાવા પાર્ટી ભલે 100 થાય પણ હિસાબ પાંચનો જ લખજો
ભાજપ-કોંગ્રેસના કાર્યાલયમાં હિસાબ સંભાળતા કાર્યકરને ઉમેદવારો એવું કહેતા સંભળાયા હતા કે, તાવા પાર્ટી ભલે 100 કે વધુ થાય, પરંતુ હિસાબ તો માત્ર 5 કે 6 તાવા પાર્ટી થઈ હોય તેનો જ દેખાડવાનો છે. આ ઉપરાંત મુખ્ય કાર્યાલય પર દરરોજ સવારે અને સાંજે ગરમા-ગરમ બનતા ગાંઠિયા અને ભજીયા કુલ કેટલા કિલો બનાવ્યા તેનો હિસાબ પણ ચોપડા પર ન લેવા કાર્યકરોને કાનમાં કહી દેવાયું છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.