ચૂંટણીની તૈયારી:રાજકોટમાં ભાજપ-આપના નેતા ઉતરી પડ્યા

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારે કેજરીવાલ-પીયૂષ ગોયલ આવ્યા, આજે મનસુખ માંડવિયા, તેજસ્વી સૂર્યા આવશે

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ તો કેન્દ્રિય મિનિસ્ટર પીયુષ ગોયલ આવ્યા હતા અને શનિવારે કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા તથા યુવા ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ તેજસ્વી સૂર્યા આવી રહ્યાછે.

ગત વિધાનસભાની ચુંટણીમાં સત્તાધારી ભાજપને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો, કોંગ્રેસને ધારણા કરતા સૌરાષ્ટ્રમાં વધુ સફળતા મળી હતી, ભાજપ આ વખતે રાજ્યની તમામ બેઠકો જીતવાના દાવા કરી રહી છે, તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બદલાવના દાવા કરી રહી છે, આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલવાનો છે અને તેમાં સૌરાષ્ટ્ર મહત્વનું પરિબળ બની રહશે આ સ્થિતિને ધ્યાને લઇ તમામ રાજકીય પક્ષો સૌરાષ્ટ્ર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને રાષ્ટ્રિય નેતાઓનો સૌરાષ્ટ્ર પ્રવાસ સતત થઇ રહ્યા છે.

આપના અરવિંદ કેજરીવાલ સતત રાજકોટ આવી રહ્યા છે, શુક્રવારે દ્વારકાનો કાર્યક્રમ પૂરો કરી સાંજે રાજકોટ આવી પહોંચ્યા હતા અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા તો કેન્દ્રના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના મંત્રી પીયૂષ ગોયલ બે દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે છે, શુક્રવારે સવારે રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા સહિતના આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું, ગોયલ એરપોર્ટથી સોમનાથ જવા રવાના થઇ ગયા હતા, શનિવારે જૂનાગઢ ખાતે તેમનો કાર્યક્રમ છે.

આગામી ચૂંટણીને ધ્યાને લઇને પ્રથમ વખત પ્રદેશ યુવા ભાજપની કારોબારી શનિવારે રાજકોટમાં મળશે, જેમાં યુવા ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ તેજસ્વી સૂર્યા હાજર રહેશે, એરપોર્ટ પર તેજસ્વી સૂર્યાના સ્વાગત બાદ સ્કૂટર રેલી નીકળશે અને અટલ બિહારી વાજપેયી હોલ ખાતે કારોબારી મળશે. આ ઉપરાંત બપોરે કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ રાજકોટ આવી પહોંચશે અને શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની વાર્ષિક સાધારણસભામાં ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...