તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદની જમાવટ:રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ, ઉપલેટામાં મકાનની છાજલી પડતા એક વ્યક્તિને ઇજા

રાજકોટ18 દિવસ પહેલા
રાજકોટમાં ધોધમાર વરસાદ.
  • ઉપલેટામાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યાં

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. આજે અષાઢી બીજનો પાવન પર્વ છે રાજકોટ જિલ્લામાં મેઘરાજાએ પણ પધરામણી કરતા મુહૂર્ત સાચવી લીધું છે. ઉપલેટા અને વિરપુરમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. જ્યારે સાંજે 7 વાગ્યા બાદ રાજકોટમાં જંક્શન, 150 રિંગ રોડ, યાજ્ઞીક રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

ઉપલેટામાં સતત ત્રીજા દિવસે મેઘમહેર
ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર યથાવત રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળઈ રહી છે. ધોધમાર વરસાદથી ઉપલેટા શહેરના રસ્તાઓ પાણી પાણી થયા છે. વાવણી બાદ મેઘરાજા રિસાય જતા ખેડૂતો ચિંતામાં મૂકાય ગયા હતા. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી મેઘમહેર થતા કાચુ સોનુ વરસી રહ્યું હોય ખેડૂતો ફરી ઉત્સાહમાં આવી ગયા છે. ગઇકાલે જ ઉપલેટાના લાઠ ગામે બે ઇંચ વરસાદ નોંધાયો હતો.

ઉપલેટામાં મકાનની છાજલી પડતા એક વ્યક્તિને ઇજા.
ઉપલેટામાં મકાનની છાજલી પડતા એક વ્યક્તિને ઇજા.

મકાનની છાજલી પડતા એક વ્યક્તિ ઘાયલ
ઉપલેટામાં સોની બજારમાં આવેલી જૂનવાણી મકાનની છાજલી ધરાશાયી થતા એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી છે. સોની બજારમાં આવેલા હનુમાન મંદિર સામે આવેલી સાયકલની દુકાનની બાજુમાં છતની છાજલી પડી હતી. ઉપલેટા નગરપાલિકાએ ઘટનાસ્થળે પહોંચી વધુ કોઈ દુર્ઘટના ન બને તે માટે આગળની કાર્યવાહી હાધ ધરી છે.

ઉપલેટામાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી.
ઉપલેટામાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી.

વિરપુરમાં ધોધમાર વરસાદી ઝાપટુ વરસ્યું
ઉપલેટાની સાથોસાથ યાત્રાધામ વિરપુરમાં પણ અષાઢી બીજનું મેઘરાજાએ મુહૂર્ત સાચવી લીધું છે. સવારથી જ અસહ્ય ગરમી અને બફારાને કારણે લોકો અકળાયા હતા. જોકે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ધોધમાર વરસાદી ઝાપટુ વરસી જતા ઠંડક પ્રસરી ગઈ છે. તેમજ મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકોને નવું જીવનદાન મળ્યું છે.

વિરપુરમાં રસ્તા પર પાણી ભરાયા.
વિરપુરમાં રસ્તા પર પાણી ભરાયા.

(દિપક મોરબીયા, વિરપુર)