અકસ્માત:કુવાડવા GIDC પાસે ખાનગી બસની ઠોકરે બાઇકચાલકનું મોત

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મિત્રના કારખાને બેસવા જતો હતો ત્યારે રસ્તામાં કાળ આંબી ગયો
  • અકસ્માત સર્જી બસ મૂકીને નાસી છૂટેલા ચાલકની શોધખોળ

રાજકોટ અમદાવાદ હાઇવે પર કુવાડવા જીઆઇડીસી નજીક ખાનગી બસની ઠોકરે બાઇકચાલક કુવાડવાના યુવકનું મોત નીપજ્યું હતું. જીવલેણ અકસ્માત સર્જી બસ મૂકીને નાસી છૂટેલા બસચાલકની પોલીસે શોધખોળ શરૂ કરી હતી. કુવાડવા ગામમાં રહેતો મુકેશ ગગજીભાઇ અઘોલા (ઉ.વ.38) ગુરુવારે રાત્રે કુવાડવાથી કુવાડવા જીઆઇડીસીમાં આવેલા તેના મિત્ર જેસીંગભાઇના કારખાને બેસવા જવા બાઇક લઇને નીકળ્યો હતો અને કુવાડવા જીઆઇડીસી વિસ્તારમાં વિરલ કાંટા પાસે પહોંચ્યો હતો ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલી ખાનગી ટ્રાવેલ્સની બસે બાઇકને ઠોકરે ચડાવ્યું હતું. બસની ઠોકરથી બાઇક પરથી પટકાયેલા મુકેશને ગંભીર ઇજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં કુવાડવા પોલીસ સ્ટેશનના પીએસઆઇ પાંડાવદરા સહિતની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મુકેશ બે ભાઇ અને ત્રણ બહેનમાં મોટો હતો અને તેને સંતનામાં બે પુત્ર અને એક પુત્રી છે. મુકેશ ભૂંગળાનો ગૃહઉદ્યોગ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

દિવાળીના તહેવાર પર જ યુવાન પુત્રનાં મોતથી અઘોલા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે મૃતકના નાનાભાઇ કાનજી અઘોલાની ફરિયાદ પરથી ગુનો નોંધી નાસી છૂટેલા બસચાલકની શોધખોળ શરૂ કરી હતી. દીપોત્સવી પર્વના તહેવાર પૂર્વે જ બસ અડફેટે આશાસ્પદ યુવાનના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

ખોરાણામાં પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
રાજકોટ તાલુકાના ખોરાણાની પરિણીતાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ખોરાણામાં રહેતા ભાવનાબેન કરણભાઇ સોલંકી (ઉ.વ.29)એ પોતાના ઘરે ફિનાઇલ પી લેતા તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાવનાબેનના લગ્ન નવ વર્ષ પૂર્વે થયા છે અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. અન્ય એક બનાવમાં મોરબીના શકત સનાળામાં રહેતા રાજેશ સનાડા (ઉ.વ.40)એ કોઇ અગમ્ય કારણોસર એસિડ ગટગટાવી લેતા તેને રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. યુવકના આપઘાતના પ્રયાસનું કારણ જાણવા પોલીસે વિશેષ તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...