અકસ્માત:રાજકોટની બેડી ચોકડી પાસે ડમ્પરે એક્ટિવાને ઠોકર મારતા સાળાનું ઘટનાસ્થળે મોત, બનેવીને ઈજા

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં ડમ્પરે એક્ટિવાને ઠોકર મારતા યુવાનનું મોત (મૃતકની ફાઈલ તસવીર) - Divya Bhaskar
રાજકોટમાં ડમ્પરે એક્ટિવાને ઠોકર મારતા યુવાનનું મોત (મૃતકની ફાઈલ તસવીર)
  • રેલનગરમાં કાકા સાથે રહેતા સાળાને બનેવી એક્ટિવા પર મૂકવા જતા હતા

મોરબી રોડ પર બેડી ચોકડી નજીક ડમ્પરની ઠોકરે એક્ટિવા ચડી જતાં તેના પર સવાર સાળો-બનેવી ફંગોળાય ગયા હતાં. જેમાં સાળા કલ્પેશભાઈનું ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બનેવી યોગેશભાઈનો ઈજા સાથે બચાવ થયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને 108ને જાણ કરી હતી. બાદમાં પોલીસ પણ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

બનેવી સાળાને તેના કાકાના ઘરે મૂકવા જતા હતા
મળતી માહિતી મુજબ મોરબી રોડ પર રહેતાં યોગેશભાઇ પ્રવિણભાઇ મકવાણા તેના સાળા કલ્પેશભાઇ પ્રકાશભાઇ ચુડાસમા સાથે એક્ટિવા પર બેસી બંને રેલનગરમાં કલ્પેશભાઈને તેના કાકાના ઘરે મુકવા જઇ રહ્યા હતાં. ત્યારે બેડી ચોકડી પાસે ડમ્પરે ઠોકરે લેતાં બંને ફંગોળાય ગયા હતાં. જેમાં સાળા કલ્પશેભાઇનું ઘટનાસ્થળે જ ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું હતું.

મૃતક મૂળ મોટી પરબડીનો વતની હતો
બનાવની જાણ થતાં બી-ડિવીઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક કલ્પેશભાઇ મૂળ મોટી પરબડીનો વતની હતો અને એક ભાઈ તથા એક બહેનમાં મોટો હતો. તે કેટરર્સનું કામ કરવા બે દિવસ પહેલા મોરબી ગયો હતો. ગઈકાલે ભારત બંધમાં બસ બંધ હોય તે પરત પોતાના ગામે જવાને બદલે બનેવીના ઘરે રોકાય ગયો હતો. આજે રેલનગરમાં કાકાને ઘેર આટો મારવા જવું હોય તેના બનેવી સાથે સોહમનગરમાંથી રેલનગરમાં જતો હતો. ત્યારે રસ્તામાં અકસ્માત નડ્યો હતો.