બિહાર સરકારમાં નીતીશ કુમારના માનીતા નેતા અને શિક્ષણમંત્રી ડો.ચંદ્રશેખરે મનુસ્મૃતિ અને રામચરિતમાનસને સમાજમાં નફરત ફેલાવનારા પુસ્તકો ગણાવ્યા છે. તેમણે કહ્યું હતું કે,'રામચરિત માનસ દલિતો-પછાત અને મહિલાઓને સમાજમાં અભ્યાસ કરતા અટકાવે છે. તેમને તેમના હક મેળવવાથી અટકાવે છે.' આ મામલે રાજકોટમાં પૂર્વ CM વિજય રૂપાણીએ નીતીશ કુમાર પર સૂચક પ્રહાર કરતા જણાવ્યું હતું કે,'બિહારના શિક્ષણમંત્રીએ રામના નામે નફરત ફેલાવે છે, તેના CMને વિનંતી આવા નેતાને પદભ્રષ્ટ કરો.'
શું છે સમગ્ર મામલો?
રાજધાની પટનામાં નાલંદા ઓપન યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે રામચરિત માનસ ને નફરતનું પુસ્તક ગણાવ્યું છે. રામચરિત માનસ ને સમાજમાં ભાગલા પાડનાર પુસ્તક ગણાવ્યું હતું. આ મામલે રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી.
રામચરિત માનસએ સામાજિક સમરસતાનો ગ્રંથ
વિજય રૂપાણીએ કહ્યું કે, ભગવાન રામનું નામ આ સમગ્ર દેશ ખૂબ જ આદરપૂર્વક લેશે અને ગાંધીજીથી માંડીને દેશના દરેક મહાનુભાવો અને મોટા ગજાના નેતાઓએ રામરાજ્યને સ્વીકાર્યું છે ગાંધીજી હર હંમેશા હિમાયત કરતા હતા રામચરિત માનસએ સામાજિક સમરસતાનો મોટો ગ્રંથ છે.
જાહેરમાં માફી માંગે
વધુમાં પૂર્વ CMએ જણાવ્યું હતું કે, રામચરિત માનસમાંથી જ રામરાજ્યની કલ્પના થઈ છે જેને સર્વે સમાજે સ્વીકૃતિ આપી છે ત્યારે બિહારના શિક્ષણ મંત્રી આ પ્રકારના નિવેદન આપીને નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છે હું બિહારના મુખ્યમંત્રીને વિનંતી કરીશ કે આવા નેતાને પદભ્રષ્ટ કરો અને આ નિવેદન બદલ તેણે જાહેરમાં માફી માંગવી જોઈએ.
ગુજરાતમાં સૌપ્રથમ સુપર 40
નોંધનીય છે કે સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે ગુજરાતમાં સૌપ્રથમ સુપર 40 સેન્ટર ઓફ એક્સેલન્સનું આયોજન કરાયું છે. રાજકોટમાં પૂર્વ CM વિજય રૂપાણી સંચાલિત પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ અને ગુજરાત સ્કૂલ ઓફ એક્સેલન્સના સયુંકત ઉપક્રમે સુપર 40ના આયોજન હેઠળ સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ JEE પરીક્ષા પાસ કરી IIT અને દેશની ટોપ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
નિ:શુલ્ક બેચ શરૂ કરાશે
જેમાં આર્થિક રીતે પછાત પરંતુ ભણવામાં હોશિયાર હોય તેવા વિદ્યાર્થીઓ માટે અમૂલ્ય તક ઊભી કરાઈ છે. આ માટે ગુજરાતી માધ્યમમાં 40 વિદ્યાર્થીઓની નિ:શુલ્ક બેચ શરૂ કરાશે. નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા આ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવશે. જોકે આ માટે પહેલાં પ્રવેશ પ્રક્રિયા લેવામાં આવશે અને તેમાં 40 વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવામાં આવશે.
JEE અને NEET માટે પ્રવેશ પરીક્ષા લેવાશે
સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ JEE પરીક્ષા પાસ કરીને IIT દેશની ટોચની યુનિવર્સિટીઓમાં એન્જિનિયરિંગ માટે પ્રવેશ મેળવે અને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ NEETની પરીક્ષા પાસ કરી દેશની ટોચની યુનિવર્સિટીઓમાં મેડિકલ ફેકલ્ટી અંતર્ગત પ્રવેશ મેળવે તે માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે.આ પ્રોજેક્ટ અંતર્ગત પહેલાં પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે જેના માટે ફોર્મ ભરવાની તારીખ 13 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. ફોર્મ ઓનલાઈન www.super40rajkot.com પર તેમજ રૂબરૂ પણ ફોર્મ ભરી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.