તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મબલક ઉત્પાદન:ગોંડલ માર્કેટ યાર્ડ ધાણાથી ઉભરાયું, 2 લાખ ગુણીની આવક, યાર્ડની બંને તરફ 5 કિમી લાંબી વાહનની લાઇન લાગી

ગોંડલ6 મહિનો પહેલા
ગોંડલ યાર્ડ બહાર બંને બાજુ ધાણા ભરેલા વાહનની 5 કિમી લાંબી લાઇન લાગી.
  • ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં, જીરું, ચણા અને સફેદ ડુંગળીની આવક થઇ રહી છે

ગોંડલ માર્કેટિંગ યાર્ડની બહાર હાઇવે ઉપર બન્ને બાજુ ધાણા ભરેલા વાહનોની 5 કિમી લાંબી લાઇન લાગી છે. રાજકોટ તરફ સુરેશ્વર ચોકડી અને જેતપુર તરફ ચોરડી ગામ સુધી લાંબી લાઈન શનિવારથી જ લાગી ગઈ છે. યાર્ડમાં આવક શરૂ કરતા 2 લાખ ગુણીથી પણ વધારે ધાણાની આવક નોંધાઈ છે. યાર્ડના કર્મચારીઓ ધાણાની આવકને લઇને ખડેપગે છે. ધાણાથી ગોંડલ યાર્ડ ઉભરાયું છે.

20 કિલો જીરુંનો ભાવ 2100થી 2800 રૂપિયા
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં, જીરું, ચણા અને સફેદ ડુંગળીની આવક થઇ રહી છે. ગઈકાલે મોડી રાત્રે આવક શરૂ કરવામાં આવી હતી. આવક શરૂ કરતાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ વિવિધ પાકોથી ઉભરાયું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 80 હજાર કટ્ટાની આવક થઇ છે. સફેદ ડુંગળીના હરાજીમાં ભાવ 20 કિલોના 100થી 191 સુધીના બોલાયા હતા. ઘઉંની 90 હજાર મણ આવક થઇ છે. ઘઉંની હરાજીમાં ભાવ 20 કિલોના 335થી 496 સુધીના ભાવ બોલાયા હતા. જીરુંની 48 હજાર મણ આવક થઇ છે. જીરુંની હરાજીમાં ભાવ 20 કિલોના ભાવ 2100થી 2800 સુધીના બોલાયા હતા.

આવક વધતા યાર્ડની જગ્યા ટૂંકી પડી.
આવક વધતા યાર્ડની જગ્યા ટૂંકી પડી.

20 કિલો ચણાનો ભાવ 750થી 986 રૂપિયા
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 70 હજાર મણ ચણાની આવક થઇ છે. ચણાના હરાજીમાં 20 કિલોના 750થી 986 સુધીનો ભાવ બોલાયો છે. વધુમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શીંગાળાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડ પર જે વિશ્વાસ છે તે વિશ્વાસને કાયમી જાળવી રાખવા યાર્ડના સત્તાધીશો તેમજ કર્મચારીઓ દિવસ-રાત એક કરી મહેનત કરી રહ્યા છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં માલ ઊતરવાની જગ્યા ટૂંકી પડતી હોવા છતાં ખેડૂતોનો માલ વ્યવસ્થિત ઉતરી જાય તેમજ ભવિષ્યમાં નવી જમીન ભાડે રાખી બધા માલનો સમાવેશ થઈ જાય તેવું આયોજન કરી રહ્યાં છીએ.

ધાણાની ગુણીના થપ્પા લાગી ગયા.
ધાણાની ગુણીના થપ્પા લાગી ગયા.

(હિમાંશુ પુરોહિત, ગોંડલ)