તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપવીતી:મોટા ઉદ્યોગ-ધંધા ચાલુ છે, અમારા જેવા મજૂર પાસે કામ નથી, લાગે છે બેકારી અમારો જીવ લેશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મનોવિજ્ઞાનની હેલ્પલાઈનમાં લોકોએ ફોન કરી સમસ્યા-મુશ્કેલી વર્ણવી

મનોવિજ્ઞાન ભવન રાજકોટ શહેર ઉપરાંત પણ જિલ્લામાં પણ જુદા જુદા સ્થળોએ કેન્દ્રો શરૂ કરી કોરોનાકાળમાં લોકોને માનસિક સધિયારો આપી રહ્યું છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો આ હેલ્પલાઈનમાં ફોન કરીને મદદ માગી રહ્યા છે તો કોઈ પોતાની કે પરિવારની માનસિક સ્થિતિ કે સમસ્યા વર્ણવી રહ્યા છે. આવી તમામ સમસ્યાઓને સાઇકોલોજીના નિષ્ણાતો નિવારી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ એક શ્રમિકે આ હેલ્પલાઈનમાં ફોન કરી કહ્યું કે, હું અને મારો પરિવાર મજૂરી કરીએ છીએ.

કડિયાકામ કરવા જઈએ છીએ. મોટા મોટા કોન્ટ્રાક્ટના કામો ચાલુ છે અમારા જેવા નાના માણસોના કામ બંધ. કેમ કે અમારે 5 કિલો સિમેન્ટ અને 5 તગારા રેતી દુકાનેથી લઈને કોઈનું કામ કરવાનું હોય. અત્યારે આ બધી જ દુકાન બંધ છે અમે ઘરે ભૂખે મરીએ છીએ. ગયા વખતે તો ઘણા મદદ કરતા આ વખતે તો એય નથી. નક્કી આ ભૂખ અને બેકારી અમારો જીવ લેશે.

ઈમિટેશનની ભઠ્ઠી પ્રદૂષણ ફેલાવે છે, જેનાથી ઉધરસ-છીંક આવે તો પણ લોકો કોરોનાની શંકા કરી દૂર ભાગે છે

કિસ્સો-1 : હું અને મારી આજુબાજુના 15 પરિવાર હેરાન પરેશાન છીએ. રણછોડનગર, પટેલ વાડીની પાછળ રહું છું, અમારા રહેઠાણ વિસ્તારમાં મકાનમાં જ ઇમિટેશનની ભઠ્ઠીથી બેફામ પ્રદૂષણ થાય છે, ધુમાડા ઘરમાં ફેલાય છે, આ કોરોનાકાળમાં ઉધરસ અને છીંક આવે તો બીજા લોકોને અમારા પર શંકા જાય છે કે કોરોના છે, કરિયાણું લેવા જઈએ તો એ લોકો પણ દૂર ઊભા રાખે છે. આ કારખાનું રહેણાક વિસ્તારથી દૂર જાય એવી વ્યવસ્થા કરી આપો. અમે શારીરિક અને માનસિક ખૂબ જ હેરાન છીએ.

કિસ્સો-2 : દસમાં ધોરણમાં મારે મારી સ્કૂલ ફર્સ્ટ આવવું હતું ત્યાં માસ પ્રમોશનનો નિર્ણય થયો. મારી ઈચ્છા પૂરી ન થઇ એટલે હવે નકારાત્મક વિચારો આવે છે.

કિસ્સો-3 : હજામતનું કામ કરું છું, દુકાનો બંધ છે ઘણા સમયથી કોઈના ઉછીના લઈને ગુજરાન ચલાવીએ છીએ. જો આવું જ ચાલ્યું તો મારા જેવા ભૂખ્યે મરશે.

કિસ્સો-4 : ચાની રેંકડી અમે ચલાવતા હતા પણ ઘણા સમયથી ધંધો બંધ છે અમારો ધંધો ખોલે એવું સરકારને ક્યો ને. અમે હેરાન પરેશાન છીએ.

કિસ્સો-5 : અમારા ધંધા પડી ભાંગતા અમે ચૂર ચૂર થઇ ગયા છીએ. કોઈને કયોને અમને અમારી લારી-ગલ્લાં અને ફૂટપાથ પર બેસીને ધંધો કરવા દે. અમે શું ખાઈશું? પ્રથમ લોકડાઉનમાં પણ અમારા જેવા અનેક લારી-ગલ્લાઓમાંથી રોજીરોટી મેળવતા નાના ધંધાર્થીઓનો વેપાર બંધ કરાવ્યો હતો ત્યારે ફરી એક વખત આંશિક લોકડાઉનના નામે આ જ પ્રકારે નાના ધંધાર્થીઓને નિશાન બનાવ્યા છે. કોરોનાના કારણે મોત થશે કે નહીં તે ખબર નથી પરંતુ અમારી હાલત અત્યારે કફોડી છે.

અન્ય સમાચારો પણ છે...