મુખ્યમંત્રી પૂર્વ CMના ગામમાં:ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં, અતિવૃષ્ટિને લઇ સમીક્ષા બેઠક કરી, કહ્યું- વહેલી તકે સર્વે કરીને સહાય ચૂકાવાશે, ટીમ વર્કથી કામ કરતા મોટી દુર્ઘટના ટળી

રાજકોટએક મહિનો પહેલા
કલેક્ટર કચેરીમાં પરિસ્થિતિની સમીક્ષા બેઠક કરી પ્રેસ કોન્ફરન્સ સંબોધી.
  • બેઠકમાં રાજકોટના કલેક્ટર અરૂણ મહેશ બાબુ અને સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર

ભારે વરસાદને કારણે રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે ખાના ખરાબી થઇ છે. આથી ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટ આવી પહોંચ્યા છે. ખરાબ હવામાનના કારણે જામનગરથી રાજકોટ બાય રોડ કારમાં પહોંચ્યા છે. વાગુદડ ગામે ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્તોની મુલાકાત કરી હતી. બાદમાં કલેક્ટર કચેરીમાં જ કલેક્ટર અરૂણ મહેશ બાબુ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ભૂપેન્દ્ર પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, શહેરના તમામ અધિકારીઓએ ટીમ વર્કથી કામ કર્યુ હતું. જેના કારણે મોટી દુર્ઘટના ટળી છે. સર્વે માટે ટીમ તૈયાર કરવામાં આવી છે. વહેલી તકે સર્વે કરીને સહાય ચૂકાવવામાં આવશે.

કલેક્ટર કચેરીમાં સમીક્ષા બેઠક કરી.
કલેક્ટર કચેરીમાં સમીક્ષા બેઠક કરી.

અસરગ્રસ્તો સાથે વાત કરી
ભુપેન્દ્ર પટેલે વાગુદડ ગામમાં ભારે વરસાદથી અસર પામેલા લોકો સાથે વાતચીત કરી હતી. તેમજ નુકસાની થઇ તે સ્થળની મુલાકાત પણ કરી હતી. સાથે રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, રાજકોટના સાસંદ મોહન કુંડારીયા પણ જોડાયા હતા.

વાગુદડમાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી.
વાગુદડમાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી.

કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રીની બેઠક
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કલેક્ટર કચેરી ખાતે વરસાદ બાદની પરિસ્થિતિની સમીક્ષા કરશે. કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક કરવામાં આવશે, આ બેઠકમાં રાજકોટના કલેક્ટર અરૂણ મહેશ બાબુ અને સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

તંત્રને સ્ટેન્ડ ટુ મોડમાં રહેવા સૂચના
મુખ્યમંત્રીએ ઉપસ્થિત અધિકારીઓ પાસેથી જિલ્લામાં થયેલા નુકસાનની વિગતો મેળવી અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનના સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તથા હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે જાહેર કરવામાં આવેલ ‘રેડ’ અને ‘યલો’ એલર્ટના પગલે વહીવટી તંત્રને ‘સ્ટેન્ડ ટુ મોડ’માં રહી પરિસ્થિતિ ઉપર નજર રાખવા સૂચના આપી છે.

કલેક્ટર સાથે વાતચીત કરતા મુખ્યમંત્રી.
કલેક્ટર સાથે વાતચીત કરતા મુખ્યમંત્રી.

અધિકારીઓનું કાર્ય સરાહનીય છેઃ CM
વધુમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, કુદરતી આપત્તિના આ સમયમાં અધિકારી-પદાધિકારીઓએ પરસ્પરના સંકલન સાથે કરેલું કાર્ય સરાહનીય છે. આ કપરા સમયમાં જિલ્લાના ગ્રામિણ વિસ્તારોના 3306 લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું, જે પૈકી 2733 જેટલા લોકો પોતાના ઘરે પરત ગયા છે. આ ઉપરાંત 517 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

ભારતીય કિસાન સંઘના પ્રમુખની અટકાયત
રાજકોટ જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનની મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવા માટે ભારતીય કિસાન સંઘના પ્રમુખની પોલીસે અટકાયત કરી લીધી હતી. કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા સહિત બે આગેવાન કલેક્ટર કચેરીએ રજુઆત કરવા પહોંચે તે પહેલા જ પોલીસે રસ્તામાંથી અટકાયત કરી લીધી હતી. બંનેને પોલીસ સ્ટેશન લઇ જવાયા છે.

અસરગ્રસ્તો સાથે વાતચીત કરતા મુખ્યમંત્રી.
અસરગ્રસ્તો સાથે વાતચીત કરતા મુખ્યમંત્રી.

આવતીકાલ સુધીમાં જનજીવન પૂર્વરત થવાની શક્યતા
મુખ્યમંત્રીએ રાજકોટ જિલ્લામાં થઈ રહેલી કામગીરીની વિગતો આપતા કહ્યું કે, વરસાદના પાણી ભરાઇ ગયા હતા તે હવે ઓસરી ગયા છે. જિલ્લામાં 82 જેટલા ગામોમાં વીજ પુરવઠાને અસર થઈ હતી, તેમાંથી હવે માત્ર 3 ગામો જ પૂર્વવત થવાના બાકી છે. રાજકોટમાં આવતીકાલ સુધીમાં જનજીવન પૂર્વવત થઈ જશે તે રીતે કાર્યવાહી થઈ રહી છે. મુખ્યમંત્રી સાથે ઉપસ્થિત રાજકોટ જિલ્લાના સાંસદ તેમજ ધારાસભ્યઓએ રાજકોટ તેમજ પોરબંદર વિસ્તારમાં પ્રશાસન દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવી હતી અને વરસાદ બાદ રોડ-રસ્તા, ખેતર, ઘર અને જાનમાલના નુકસાનનો વહેલી તકે સર્વે પૂર્ણ કરી અસરગ્રસ્ત લોકોને જરૂરી સુવિધા પૂરી પાડવા સૂચન કર્યું હતું.

રાજકોટમાં નુકસાનનો પ્રાથમિક અંદાજ
1. નાળા, કલવર્ટ તથા બિર્જ-6
2.વૃક્ષો- 11
3. મકાનો, કમ્પાઉન્ડ વોલ- 5 સ્થળે
4.રસ્તાઓ- 12,500 ચો.મી.
5. ભૂગર્ભ ગટર/સ્ટોર્મ વોટર ડ્રેઇન-- 42 સ્થળે
6. પાણીની લાઇનો/પમ્પિંગ મશીનરી- 2 સ્થળે
7. સ્ટ્રીટ લાઇટો- 3 સ્થળે
8. બગીચા- 6 સ્થળે