વિધાનસભાની ચૂંટણીનાં ઉમેદવારીપત્રો ભરાઈ ગયાં છે. ત્યારે હવે ઉમેદવારો પોતપોતાના મતક્ષેત્રમાં પ્રચાર-પ્રસારમાં લાગી ગયા છે. ત્યારે રાજકોટમાં આજે રાજકોટ પૂર્વના ભાજપના ઉમેદવાર ઉદય કાનગડના સમર્થનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ સભા સંબોધી હતી. જ્યાં તેમણે એલાન કર્યું હતું કે ભાજપ દરેક સીટ પર બહુમત હાંસલ કરશે.3 રાજ્યમાં ભૂંડી હાર પામી, હિમાચલ-ગુજરાતમાં AAP પાર્ટીની ડિપોઝીટ ડૂલ થશે.
35 બેઠકો પરથી ડિપોઝિટ જપ્ત થઇ હતી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,ગુજરાતમાં AAP નવી પાર્ટી આવી જે ઉત્તર પ્રદેશમાં 350 બેઠકો પરથી ચૂંટણી લડયા જેમાંથી 349 પર ડિપોઝિટ જપ્ત થઇ. ઉત્તારખંડમાં પણ ચૂંટણી લડ્યા અને તેનો મુખ્યમંત્રીનો ઉમેદવાર આજે ભાજપનો પ્રચાર કરી રહ્યા છે. 69 બેઠકો પરથી ચૂંટણી લડયા તેમાંથી 65 બેઠકો પર આપ પાર્ટીની ડિપોઝીટ જપ્ત થઇ હતી. ગોવામાં 39 બેઠકો પર ચૂંટણી લડયા અને 35 બેઠકો પરથી ડિપોઝિટ જપ્ત થઇ હતી.
AAP પાસે દારૂ કાંડનો જવાબ નથી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, AAP જ્યાં જાય છે ત્યાં એવો માહોલ બનાવે છે કે તેઓ જ એક પાર્ટી છે. જેને પ્રજા બહુમત આપશે પણ પરિણામ ઉલટું આવ્યું. ઉત્તર પ્રદેશમાં ગયા ડિપોઝીટ ગઇ,ઉતરાખંડ ગયા ડિપોઝીટ ગઇ અને હવે તો હિમાચલમાં તમામ સીટ પર ડિપોઝીટ જપ્ત થઇ જશે. હવે ગુજરાતે પણ ડિપોઝીટ જપ્ત કરવાનો AAPનો રેકોર્ડ ચાલુ રાખવાનો છે.AAP પાસે દારૂ કાંડનો જવાબ નથી. દિલ્લી બસ સર્વિસ સુધારવા માટેનું કહેતા હતા બસની સંખ્યા ઘટી છે.
સત્તા હોવા છતાં પૂર્વ PM મનમોહનસિંહ કંઈ કરતા ન હતા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જ્યારે નર્મદા મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે,નર્મદા ડેમ મંજુર કરવાની સત્તા હોવા છતાં પૂર્વ PM મનમોહનસિંહ કંઈ કરતા ન હતા, બોલતા ન હતા. આ તો PM મોદીએ માં નર્મદાનું જળ વહેતુ કર્યું.કોંગ્રેસ ભારતને તોડવા નિકળ્યુ છે જોડવા નહી. બીજી પાર્ટીઓના નેતાઓ અને કાર્યકરો પણ ઘણા મારા મિત્રો છે. તેથી ત્યાં શું સ્થિતિ છે તે અંગે હું સારી રીતે જાણુ છું. કોંગ્રેસ તો હવે ભાઇ બહેનની પાર્ટી જ બની ચુકી છે. અગાઉ રાજકીય પક્ષો સત્તાનો ઉપયોગ કરીને પોતાનો જ વિકાસ કરતા પરંતું હવે સત્તાનો ઉપયોગ દરેક ક્ષેત્રમાં અને દેશના વિકાસ માટે થઇ રહ્યો છે.
ગુજરાત મોડલ યાદ આવે છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે વિકાસના મોડલની વાત થાય એટલે બીજુ નામ ગુજરાત મોડલ યાદ આવે છે. ગુજરાત મોડલ એટલે વિકાસ અને ફકત વિકાસ. દેશમાં ભારતીય જનતા પાર્ટી જ એક એવી પાર્ટ છે જે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસ સાથે કામ કર્યુ છે.
કમળનું ફૂલ બતાવી સ્વાગત કર્યું
વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય નેતાઓ અને સ્ટાર પ્રચારકોનો ઝંઝાવતી પ્રચાર અને સભા સરઘસમાં વધારો થઇ રહ્યો છે. આજે રાજકોટમાં એક સાથે બે બેઠક પર ભાજપના સ્ટાર પ્રચારકો સભા સંબોધન કરી હતી જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પૂર્વ બેઠક પર જયારે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ દક્ષિણ બેઠક પરના ઉમેદવાર માટે સભા સંબોધન કરી હતી. કાર્યકર્તાઓએ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાનું કમળનું ફૂલ બતાવી સ્વાગત કર્યું હતું.
ભાજપના સ્ટાર પ્રચારક આવી પહોંચ્યા
રાજકોટ મહાનગરમાં કુલ ચાર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે જેમાં આજે બે બેઠક પર ભાજપના સ્ટાર પ્રચારક આવી પહોંચ્યા હતા. રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક સામાં કાંઠે પાણીના ઘોડા ખાતે ઉમેદવાર ઉદય કાનગડ માટે ચૂંટણી પ્રચાર કરી ભાજપને મત આપવા અપીલ કરી હતી આ સમયે સભા સ્થળ પર ઉપસ્થિત દરેક લોકોએ કમળનું ફૂલ બતાવી રાષ્ટ્રીય અધ્યક્ષનું સ્વાગત કર્યું હતું જયારે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ સ્વામિનારાયણ ચોક ખાતે દક્ષિણ વિધાનસભા બેઠક પર ઉમેદવાર રમેશ ટીલાળા માટે પ્રચાર કર્યો હતો.
નડ્ડાએ કમલમ ખાતે બેઠક કરી
નોંધનીય છે આજે રાજકોટના કમલમ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ શહેર અને જિલ્લા ભાજપના અપેક્ષિત કાર્યકરો, કોર્પોરેટરો, હોદેદારો, ઉપરાંત અલગ અલગ મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ અને સી.આર.પાટીલ સાથે બેઠક કરી હતી.. જેમાં પૂર્વ CM વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.