રાજકોટ સિવિલના ઈમરજન્સી વિભાગમાં નાયબ મ્યુનિસિપલ કમિશનરની સારવાર કરતા પહેલા કેસ કઢાવવા તેમજ ફોર્મ ભરવાનું કહેનાર ડો. હેમલતાની સવારે જ ભુજના આરોગ્ય કેન્દ્રમાં ડેપ્યુટેશનના ઓર્ડર થયા છે.
રાજકોટ મનપાના નાયબ મ્યુનિસિપલ કમિશનર એ.આર. સિંઘ ગુરૂવાર રાત્રીના સમયે બેડમિન્ટન રમતી વખતે પડી જતાં હાથમાં ફ્રેક્ચર થયું હતું. તેમની સાથે રમી રહેલા જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ, ઈન્કમટેક્સના અધિકારી રોહિતકુમાર સહિતના અધિકારીઓએ તાબડતોબ તેમને સિવિલમાં ઈમરજન્સી વિભાગમાં પહોંચાડ્યા હતા. ત્યાં પહોંચીને સારવાર કરવાનું કહેતા ફરજ પર હાજર મહિલા તબીબે સૌથી પહેલા કેસ કઢાવવા તેમજ ફોર્મ ભરવા જેવી વાત કરી બેસી જવા કહ્યું હતું.
જિલ્લા કલેક્ટરે પોતાની ઓળખ આપતા મહિલા તબીબ ડો. હેમલતાને પરસેવો વળી ગયો હતો અને સારવાર ચાલુ કરાવી હતી. જો કે, ત્યારે એ બેદરકારી સામે આવી હતી કે, એક્સ-રે માટે કોઈ ટેક્નિશિયન કે કર્મચારી હાજર જ ન હતા. આવી બેદરકારી અને અંધેર વહિવટ જોઈને જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ચોંકી ગયા હતા કે સામાન્ય લોકોને તો સિવિલમાં કેટલું સહન કરવું પડશે.
અધિકારીઓએ તુરંત જ અધિક્ષકને જાણ કરી હતી જેથી તુરંત જ આરોગ્ય વિભાગને જાણ કરી ડો. હેમલતાને છેક ભુજ જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મુકી દેવાયા હતા. સિવિલ હોસ્પિટલમાં દરેક જગ્યાએ સ્ટાફ તેમજ તબીબોનું વર્તન આ રીતે ઉધ્ધતાઈભર્યું જ હોય છે પણ જ્યારે અધિકારીઓને તેનો અનુભવ થયો ત્યારે લોકોની પીડા સમજાઈ હતી.
હવે પહેલા સારવાર પછી ફોર્મ ભરાશે : અધિક્ષક
સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. આર. એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે ફરજ પરના તબીબ અધિકારીઓને ઓળખી શક્યા ન હતા જો કે તેમનું વર્તન યોગ્ય તો હતું જ નહીં. કોઇ દર્દી આવે ત્યારે સારવારને બદલે કેસ કઢાવવા કે પછી બેસાડી ન રાખવાના હોય તેમજ વર્તન પણ સારું રાખવું જોઈએ. જ્યારે અધિક્ષકને પ્રશ્ન કરાયો કે માત્ર અધિકારીઓ સાથે ગેરવર્તન થાય ત્યારે જ બદલી કરાશે તો લોકો રોજ હાલાકી ભોગવે છે તેનું શું? તેના ઉત્તરમાં અધિક્ષકે કહ્યુ હતુ કે તબીબોનું વર્તન સુધારવા કહેવાશે. આ માટે તાલીમ પણ અપાશે. એ નક્કી છે કે ઈમરજન્સી વિભાગમાં પહેલા સારવાર થશે પછી જ કેસ કઢાવવા કે ફોર્મ ભરવાનુ કહેવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.