માર્ચ માસમાં જ 42 ડિગ્રી સાથે આકરા તાપની શરૂઆત થઇ છે. મે માસમાં પણ તાપમાન 42થી 43 ડિગ્રીની વચ્ચે યથાવત્ રહ્યું છે. જેની અસર શાકભાજીની આવક તેના સ્વાદ પર પડી રહી છે. આકરા તાપને કારણે હાલ સ્થાનિક અને અન્ય રાજ્યોમાંથી આવતા શાકભાજીનું પ્રમાણ ઘટ્યું છે.
તાપમાન યથાવત્ રહેવાને કારણે જો યાર્ડમાં કે બજારમાં એક દિવસ શાકભાજી વેચાયા વગરનું પડી રહે તો તેમાં પણ તેની અસર થાય છે. શાકભાજી વિભાગના ઈન્સ્પેક્ટર કાનાભાઇ ચાવડાના જણાવ્યાનુસાર એક જ દિવસમાં ભીંડો રતાશ કલર પકડી લે છે તો કોથમીર અને પાલક પીળા પડી જાય છે. જ્યારે મરચાંની લીલાશ ગાયબ જોવા મળે છે. સામાન્ય દિવસોમાં રાજકોટના જૂના યાર્ડમાં 35થી વધુ શાકભાજી આવે છે, પરંતુ અત્યારે 26 જ શાકભાજી આવી રહ્યા છે.
આ અંગે વેપારીઓના જણાવ્યાનુસાર સામાન્ય રીતે આ સમયમાં કેરીની આવક થતી હોવાને કારણે શાકભાજીનો વપરાશ ઓછો થઇ જાય છે. મોટાભાગના વેપારીઓ પણ શાકભાજીનો વ્યવસાય બંધ કરીને કેરીના વેપારમાં વળે છે, પરંતુ આ વખતે તેના કરતા ઊલટું ચિત્ર જોવા મળી રહ્યું છે. કેરીની સિઝન શરૂ થઈ ગઇ છે. પરંતુ તેના ભાવ વધારે હોવાને કારણે હજુ જોઇ એટલી ખરીદી છે નહિ. જેને કારણે શાકભાજીની ડિમાન્ડ યથાવત્ રહી છે. સામે આવક ઓછી છે અને શાકભાજીમાં વેપાર કરનારની સંખ્યા પણ યથાવત્ રહી છે.
યાર્ડમાં હાલમાં સૌથી વધુ આવક બટેટા અને ડુંગળીની થઈ રહી છે. બટેટા 2550 ક્વિન્ટલ અને ડુંગળી 2300 ક્વિન્ટલની આવક નોંધાઈ રહી છે. જેનો પ્રતિ મણ ભાવ અનુક્રમે રૂ.400 અને 160 સુધી જોવા મળે છે. જ્યારે કોથમીરની આવક 82 ક્વિન્ટલ, કોબીજ 347 ક્વિન્ટલ, ફ્લાવર 97 ક્વિન્ટલ, ભીંડો 115 ક્વિન્ટલ અને લીંબુ 295 તેમજ ટમેટાં 508 ક્વિન્ટલ આવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.