ભાસ્કર એક્સપોઝ:ભાસ્કરની ટીમે કહ્યું, કૂતરું કરડ્યું છે, પાંચમાંથી ચાર આરોગ્ય કેન્દ્રમાંથી જવાબ મળ્યો સિરિન્જ બહારથી ખરીદીને આવો

રાજકોટએક મહિનો પહેલાલેખક: ઈમરાન હોથી
  • કૉપી લિંક
મવડી આરોગ્ય કેન્દ્રના મહિલા કર્મચારી - Divya Bhaskar
મવડી આરોગ્ય કેન્દ્રના મહિલા કર્મચારી
  • ભાસ્કરની ટીમે કહ્યું, કૂતરું કરડ્યું છે, પાંચમાંથી ચાર આરોગ્ય કેન્દ્રમાંથી જવાબ મળ્યો સિરિન્જ બહારથી ખરીદીને આવો
  • આરોગ્ય કેન્દ્રમાં સિરિન્જ હોવા છતાં દર્દીને બહારથી લઇ આવવા મજબૂર કરવાનો હેતુ શું? સરકારી સિરિન્જનો જથ્થો બારોબાર પગ કરી જતો હોવાની શંકા!

રાજકોટમાં ડોગબાઇટના કિસ્સા ચિંતાજનક રીતે વઘી રહ્યા છે, છેલ્લા એક મહિનામાં શહેરમાં 1443 લોકોને શ્વાન કરડ્યાનું મહાનગરપાલિકાના દફતરે નોંધાયું છે, લોકોને રંઝાડતા શ્વાનને પકડવામાં તો મહાનગરપાલિકા તંત્ર નિષ્ફળ ગયું જ છે, સાથોસાથ કૂતરું કરડ્યા બાદ ઇન્જેક્શન માટે દર્દી મનપાના આરોગ્ય કેન્દ્રમાં પહોંચે છે ત્યારે તેમને યોગ્ય સારવાર અપાતી નથી અને ઇન્જેક્શન માટે સિરિન્જ બહારથી લઇ આવવાનું કહેવામાં આવે છે આવી ફરિયાદો ‘દિવ્ય ભાસ્કર’ને મળતા બુધવારે સવારે દિવ્ય ભાસ્કરની ટીમે શહેરના પાંચ આરોગ્ય કેન્દ્ર પર રૂબરૂ જઇને તપાસ કરતા લોકોની ફરિયાદ સાચી ઠરી હતી અને આરોગ્ય કેન્દ્રમાં ચાલતી લાલિયાવાડીનો પર્દાફાશ થયો હતો.

મહાનગરપાલિકા દ્વારા તમામ આરોગ્ય કેન્દ્રમાં જરૂરિયાત મુજબ સિરિન્જનો જથ્થો પૂરો પાડવામાં આવે જ છે અને જથ્થો પૂરો થાય તે પહેલા તેની વ્યવસ્થા કરી લેવાની જવાબદારી જેતે અધિકારીની છે પરંતુ ઉપરોક્ત આરોગ્ય કેન્દ્રમાં લાંબા સમયથી દર્દીને બહારથી સિરિન્જ લઇ આવવાનું કહેવામાં આવે છે, તો મનપા દ્વારા અપાતી સિરિન્જનો જથ્થો બારોબાર ક્યાં સગેવગે થઇ જાય છે તે તપાસનો વિષય છે.

શ્યામનગર : બાળકને લઇ આવો, તપાસ્યા બાદ ઇન્જેક્શન આપીશું, અને પછી તમારે સિરિન્જ લઇ આવવાની રહેશે
શ્યામનગર આરોગ્ય કેન્દ્રમાં તો દર્દીઓને કેવા ટલ્લે ચડાવવામાં આવે છે તેનો કડવો અનુભવ થયો હતો, ભાસ્કર ટીમે કહ્યું કે, બાળકને કૂતરું કરડ્યું છે તો ફરજ પરના ડોક્ટરે કહ્યું કે પહેલા બાળકને લઇ આવો અમે તેને તપાસીશું, ટીમે પૂછ્યું બાળકને લઇ આવીએ છીએ ઇન્જેક્શન તો અહીં આપશોને? તો ડોક્ટરે કહ્યું, બાળકને તપાસી લીધા પછી અમે કહીએ ત્યારે બહારથી સિરિન્જ લઇ આવવાની રહેશે અને બાદમાં ઇન્જેક્શન આપીશું, ડોક્ટરને દર્દીની વેદનાની કશી પડી નહોતી.

નંદનવન : ડોક્ટરે દવા લખી આપી પરંતુ સિરિન્જનું નર્સ પાસે લખાવ્યું, કઈ સિરિન્જ લાવવી તે દવા બારીએ પુછવાનું
નંદનવન આરોગ્ય કેન્દ્રમાં ભાસ્કર ટીમે કહ્યું હતું કે, સાત વર્ષના બાળકને કૂતરું કરડ્યું છે અને તેને ઇન્જેક્શન માટે લઇ આવીએ? ત્યારે સૌ પ્રથમ બાળકના નામનો કેસ કઢાવ્યો હતો, કેસ કઢાવ્યા બાદ ફરજ પરના ડોક્ટર પાસે મોકલાયા હતા, ડોક્ટરે માહિતી મેળવ્યા બાદ કેસ પેપરમાં સારવાર લખી હતી પરંતુ સિરિન્જ બહારથી લાવવાની રહેશે તે નર્સ પાસે લખાવડાવ્યું હતું, એટલું જ નહીં ક્યા પ્રકારની સિરિન્જ લાવવી તે લખાવવા માટે દર્દીને દવાબારીએ કતારમાં ઊભા રહેવાનું હતું.

મવડી : સવારે ઇન્જેક્શન આપતા નથી બપોરના 3 વાગ્યા પછી જ આપીશું
મવડી આરોગ્ય કેન્દ્રમાં ભાસ્કર ટીમે કહ્યું હતું કે, બાળકને કૂતરું કરડ્યું છે અને બાળકને ખૂબજ પીડા થાય છે, તો મહિલા કર્મચારીએ કહ્યું કે, સવારે ઇન્જેકશન આપતા નથી, બપોરના 3 વાગ્યા પછી જ ડોગબાઇટના ઇન્જેક્શન અપાશે. જોકે સિરિન્જ બહારથી લઇ આવવાની જરૂરિયાત નથી તેવું તેમણે કહ્યું હતું, બપોર સુધી બાળકને પીડા સહન કરવી પડશે? તાકીદે ઇન્જેક્શન નહીં અપાય તો આડઅસર નહીં થાયને? તેવા સવાલો કર્યા તો મહિલાએ અમારી વાત સાંભળી ન હોય તેવો દેખાવ કર્યો હતો.

નાનામવા : બપોરે 3 વાગ્યે જ્યારે 10 દર્દી એકઠા થાય ત્યારે તમે સિરિન્જ લઈને આવજો ઈન્જેકશન આપી દઈશ
​​​​​​​નાનામવા સર્કલ આરોગ્ય કેન્દ્રમાં તો કેસ કાઢવાની કામગીરી કરતા મહિલા કર્મચારીએ કહ્યું હતું કે, ડોગબાઇટમાં સવારે ઇન્જેક્શન આપતા નથી, સવારે જેટલા પણ આવા કિસ્સા આવે તે તમામને બપોરે 3 વાગ્યે બોલાવવામાં આવે છે, કૂતરું કરડ્યાના 10 કેસ એકઠા થાય પછી દશેયને ક્રમાનુસાર ઇન્જેક્શન અપાશે, અને બપોરે આવો ત્યારે સિરિન્જ બહારથી લાવવાની રહેશે.

મહિલા કર્મચારીએ તો એવો પણ રૂઆબ કર્યો હતો કે, રૂ.400નું ઇન્જેક્શન આવે છે અને એકવખત ખોલ્યા પછી તેનો ઉપયોગ થઇ શકે નહીં એટલે બધાને બપોરે 3 વાગ્યે જ ઇન્જેક્શન આપીશું, ઉતાવળ હોય તો સિવિલ હોસ્પિટલમાં જતા રહો.

ગોકુલધામ : ક્યાં છે બાળક, બહારથી કંઇ લાવવાનું નથી, ચાલો તેમને ઇન્જેક્શન આપી દઇએ
​​​​​​​ગોકુલધામ મેઇન રોડ પર આવેલા આંબેડકરનગર આરોગ્ય કેન્દ્રમાં પહોંચ્યા ત્યારે અમને સુખદ અનુભવ થયો હતો, બાળકને શ્વાન કરડ્યાની વાત કરતાં જ ત્યાં કેસબારીમાં હાજર મહિલા કર્મચારીએ કહ્યું હતું કે, બાળક ક્યાં છે? અમે કહ્યું ઘરે છે, તેને લેતા આવીએ, બહારથી સિરિન્જ લાવવાની રહેશે, તો તેમણે કહ્યું હતું કે, ના, ઝડપથી બાળકને લેતા આવો એને ઇન્જેક્શન આપી દઇએ.

અન્ય સમાચારો પણ છે...