રાજકોટમાં ભાસ્કર રૂબરૂ કાર્યક્રમ:લોકોએ કહ્યું - લમ્પી બાદ કેટલી ગાયો સાજી થઇ?, તંત્ર કહ્યું- આ અંગે હજુ કોઇ સચોટ સરવે જ નથી કર્યો!

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • મોતના આંકડા તો છુપાવ્યા સાથે-સાથે કેટલા પશુ સાજા થયા તેની સત્તાવાર માહિતી ન હોવાનો ધડાકો

લમ્પી સ્કિન ડિસીઝ એટલે કે, એલ.એસ.ડી. નામના વાઇરસને પગલે રાજ્યમાં ઠેર ઠેર પશુઓના મૃત્યુ થઇ રહ્યા હોવાના અહેવાલો વચ્ચે સૌરાષ્ટ્રમાં તંત્ર દ્વારા સત્તાવાર રીતે લમ્પીને કારણે બુધવાર સુધીમાં 1609 પશુનાં મોત સામે 8,80,725 પશુમાં રસીકરણ કરાયું હોવાની વિગતો જાહેર કરવામાં આવી છે ત્યારે ભાસ્કરે પશુપાલન વિભાગના ઉચ્ચ અધિકારીને એવો સવાલ કર્યો હતો કે, લમ્પી થયા બાદ અત્યાર સુધીમાં કેટલી ગાયો સાજી થઇ ? ત્યારે અત્યંત ચોંકાવનારો એવો જવાબ મળ્યો હતો કે, તંત્ર દ્વારા હજુ સુધી આ પ્રકારનો કોઇ સચોટ સરવે જ નથી થયો, સાઇન્ટિફિકલી લમ્પીથી માત્ર એકથી દોઢ ટકો જ પશુમાં મરવાની શક્યતા હોય છે, બાકી 98 ટકા પશુ સાજા થઇ જતા હોય છે, તમે રિપોર્ટમાંથી અસરગ્રસ્ત પશુની સંખ્યામાંથી મૃતક પશુની સંખ્યા બાદ કરી નાખો, એટલે જે આંકડો આવે તે પશુ સાજા થઇ ગયા ગણવાના.

પશુપાલન તંત્ર અસરકારક પગલાં ભરવામાં સંપૂર્ણ નિષ્ફળ
ઉલ્લેખનીય છે કે, હાલાર પંથકમાં 2જી મેએ લમ્પીનો પ્રથમ કેસ નોંધાયો તેને 94 દિવસનો સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ વાત ત્યાંની ત્યાં જ છે, પશુપાલન તંત્ર અસરકારક પગલાં ભરવામાં સંપૂર્ણ નિષ્ફળ નિવડ્યું હોવાની છાપ ઉપસી રહી છે. માલધારી સમાજ દૈનિક મોટી સંખ્યામાં લમ્પીને કારણે પશુઓ મૃત્યુ પામી રહ્યા હોવાના આક્ષેપો કરી રહ્યો છે, અગ્રણી સમાજસેવકો તેમજ માલધારીઓ દ્વારા રાજકોટ શહેરમાં જ લમ્પીથી કેટલા પશુ મોતને ભેટ્યા તે અંગે તમામ માહિતી એકત્રિત કરવાનું કાર્ય હાથ ધરાયું છે, ત્યારે રાજકોટ જિલ્લાનું પશુપાલન તંત્ર 597થી વધુ ગામડાઓ ધરાવતા રાજકોટ જિલ્લામાં દૈનિક લમ્પીથી માત્ર એક કે બે જ પશુ મોતને ભેટી રહ્યા હોવાના રિપોર્ટ જાહેર કરી રહ્યું છે.

ઠેર ઠેર મોટી સંખ્યામાં ગાયોના મૃત્યુની વિગતો જાહેર થઇ
​​​​​​​
બીજી તરફ સોશિયલ મીડિયાની વાઇરલ વિગતો તેમજ ગામેગામથી આવી રહેલા અહેવાલો મુજબ ઠેર ઠેર મોટી સંખ્યામાં ગાયોના મૃત્યુની વિગતો જાહેર થઇ રહી છે, જે બાબત હાલ ખૂબ જ ચોંકાવનારી સાબિત થઇ રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે તંત્ર સામે રાજકોટ જિલ્લામાં લમ્પીનો પહેલો કેસ આવ્યાને ત્રણ મહિના થયા હોવા છતાં સમયસર ન જાગવાનો, રસીકરણ અને સારવાર પદ્ધતિમાં ગોકળ ગતિએ કામ કરવાનો તેમજ આંકડા છુપાવાઇ રહ્યાનો આક્ષેપ તો થઇ જ રહ્યો છે ત્યારે ખાટલે મોટી ખોડ એ પણ બહાર આવી છે કે, તંત્ર પાસે સત્તાવાર રીતે લમ્પી થયા બાદ કેટલી સંખ્યામાં ગાયો સાજી થઇ ગઇ તેનો પણ સત્તાવાર આંકડો નથી.

માલિકો હોય તેવી કેટલી ગાયો સાજી થઇ ગઇ તેના સરવેનો રિપોર્ટ હજુ મારી પાસે આવ્યો નથી
જે ગાયોના માલિક હોય તેવી કેટલી ગાયો લમ્પી બાદ સાજી થઇ તેની વિગત મળી શકે. પરંતુ લમ્પીના રોગનો ગાળો સાતથી આઠ દિવસનો હોઇ, એટલે હાલમાં આવો કોઇ સ્પષ્ટ સરવેનો રિપોર્ટ મારી પાસે આવ્યો નથી. છતાં જિલ્લા સ્તરે સારવાર-વેક્સિનેશન સાથે કેટલા પશુઓ રિકવર થયા તે અંગેની કામગીરી શરૂ હોઇ શકે છે. મારી પાસે કોઇ વિગત આવી નથી, બે-ચાર દિવસમાં મારી પાસે માહિતી આવી જશે. > બી.એલ.ગોહિલ, સંયુક્ત પશુપાલન નિયામક, સૌરાષ્ટ્ર-કચ્છ

જેટલા પશુને લમ્પીનો રોગ લાગે તેમાંથી એક-દોઢ ટકાના મોતની શક્યતા, બાકીના રિકવર થઇ જાય
વૈજ્ઞાનિક દૃષ્ટિએ લમ્પીના રોગમાં એકથી દોઢ ટકો જ પશુની મૃત્યુ પામવાની શક્યતા હોય છે. બાકીને રિકવર થઇ જતા હોય છે. લમ્પી થયા બાદ કેટલી ગાયો સાજી થઇ ગઇ તે જાણવું હોઇ તો, રિપોર્ટમાં જે અસરગ્રસ્ત પશુઓની સંખ્યા છે તેમાંથી મૃત્યુની સંખ્યા બાદ કરી નાખો, એટલે જે સંખ્યા આવે તે પશુઓ સાજા થયા છે. આમ તો આ લાંબી બીમારી છે, એટલે આ બાબતે કોઇ અલગથી સ્પષ્ટ સરવે કરવામાં આવ્યો નથી’ > ડો.કે.યુ.ખાનપરા, જિલ્લા પશુપાલન અધિકારી, રાજકોટ

અન્ય સમાચારો પણ છે...