ભાસ્કર ઇન્ટરવ્યુ:ભાસ્કરે પૂછ્યું, ‘શું ચોથી લહેર આવશે? અને બાળકોની રસી ક્યારે?’ તો માંડવિયાએ કહ્યું, ‘લહેરની ધારણા કરી શકાય નહીં ને રસી એક્સપર્ટ કમિટી કહેશે ત્યારે’

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
મનસુખ માંડવિયા, કેન્દ્રીય આરોગ્યમંત્રી, ભારત - ફાઇલ તસવીર - Divya Bhaskar
મનસુખ માંડવિયા, કેન્દ્રીય આરોગ્યમંત્રી, ભારત - ફાઇલ તસવીર

કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા રવિવારે રાજકોટના પ્રવાસે હતા. તેમણે રાજકોટ એઇમ્સની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. બાદમાં પત્રકાર પરિષદમાં 15 વર્ષથી નાના બાળકોને ક્યારે રસી મળશે એ સવાલના જવાબમાં આરોગ્યમંત્રીએ કહ્યું હતું કે 12થી 15 વર્ષના બાળકો માટેની 3 રસીને મંજૂરી અપાઈ ગઈ છે પણ નિષ્ણાંતોની કમિટીની ભલામણ અનુસાર બાળકોની રસી વિશે આગામી નિર્ણય લેવામાં આવશે.

વેક્સિન વિશે તેમણે કહ્યું કે, ભારતની ક્ષમતા 50 કરોડ ડોઝ પ્રતિ માસ બનાવવાની છે. રસીની નિકાસ થઈ રહી છે. ત્રીજી લહેરમાં રસીને કારણે જ લોકો સુરક્ષિત રહી શક્યા છે. એઈમ્સ વિશે તેઓએ કહ્યું હતું કે, ‘તમે એટલી ખાતરી રાખજો કે એઈમ્સની હું વ્યક્તિગત કાળજી લઈને બનાવીશ, આપણે બહુ જ સારી બનાવી છે. આ મારી પહેલી વિઝિટ છે હું તમારો જ છું સૌરાષ્ટ્રનો જ છું આપણે સારી એઈમ્સ બનાવવી છે.’ આત્મનિર્ભર અર્થવ્યવસ્થા વિષય હોવાથી પ્રશ્ન કરાયો હતો કે, છેલ્લા 3 વર્ષમાં દેશની આયાત-નિકાસની ખાદ્ય(ટ્રેડ ડેફિસિટ) કેટલી છે અને તેના માટે બજેટમાં શું પ્રાવધાન કરાયા છે? આ પ્રશ્નનો જવાબ દેવાનું તેમણે ટાળી દીધું હતું કે ‘ત્યાંનો પ્રશ્ન છે’ તેમ કહ્યું હતું.

રાજકોટમાં આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા સાથે વાતચીત
સવાલ: કોરોનાની ગાઈડલાઈન ક્યારે જશે? માસ્કમાંથી મુક્તિ ક્યારે મળશે?
જવાબ: અત્યાર સુધી એવું હતું કે વિદેશથી જે લોકો આવે તેમને ટેસ્ટ ફરજિયાત, ક્વોરન્ટાઈન ફરજિયાત આ બધું હતું પણ થોડા દિવસ પહેલા જ નવી ગાઈડલાઈન આવી જેમાં આ તમામ બાબતો કાઢી નાખી છે. માસ્ક પહેરી તે તો આપણા માટે સારું છે.

સવાલ: ચોથી લહેરની શક્યતા ખરી?
જવાબ: થર્ડ વેવ એકદમ ડાઉન થઇ છે અને તેની પાછળનું સૌથી કારણ એ છે કે આપણે 96 ટકાને પહેલો અને 77 ટકાને બીજો ડોઝ લગાવી દીધો છે. આટલી સંખ્યામાં વેક્સિનેશન કરનાર સૌથી પહેલો દેશ ભારત છે. જેનો ફાયદો એ થયો કે 99 ટકાને રક્ષણ મળી ગયું હતું. જ્યાં સુધી ચોથી લહેરની વાત છે તો તેની ચોક્કસ ધારણા કરી શકાય નહિ. ભૂતકાળમાં જોવા મળ્યું છે કે, આવા રોગ બે વર્ષમાં ધીમા પડી જાય છે, બીજી તરફ અમુક દેશોમાં હાલમાં ચોથી પાંચમી લહેર આવી છે.

સવાલ: એઈમ્સ ક્યારે કાર્યરત થશે?
જવાબ: એકાદ વર્ષમાં ફુલ ફ્લેઝ્ડમાં ચાલુ કરી શકીશું.

સવાલ: નાણામંત્રી બજેટ બહાર પાડે છે ત્યારબાદ કેમ બજેટ સમજાવવા માટે બધાને આવવું પડે છે?
જવાબ: હું તો દર વર્ષે રાજકોટ આવું છું. હું આખા દેશમાં બજેટ પછી જાઉ જ છું. તેનાથી લોકોમાં માહિતી આવે છે.

સવાલ: ત્રણ વર્ષમાં રોજગારીના અભાવે 25000થી વધુ યુવાનોએ આપઘાત કર્યા. આ મુદ્દે શું કહેશો?
જવાબ: રોજગાર નિર્માણ 3 પ્રકારના હોય છે, સરકારી, ખાનગી અને છૂટક વેપાર અને સેવા. આ ત્રણ રીતે રોજગાર મળે છે. જ્યારે તમે રોકાણ વધારો એટલે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધે ત્યારે રોજગાર વધે છે. આપણે 7.5 લાખ કરોડ રૂપિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ વાપરવાના છીએ આ જાહેર ખર્ચ ગણાય છે આ કારણે ખાનગી સેક્ટરમાં પણ રોકાણ આવશે જેથી રોજગાર વધશે. આંતરરાષ્ટ્રીય સ્તર પર સરખામણી કરો તો આપણે ઘણું બચાવી લીધું છે. અન્ય દેશોની હાલત બહુ ખરાબ થઇ છે.

‘પ્લેગ વખતે રોગ કરતા ભૂખમરાથી વધુ મર્યા’
સામાન્ય માણસો માટે મોંઘવારી સૌથી મોટો પ્રશ્ન ઉભર્યો છે ત્યારે આ વિશેના સવાલના જવાબમાં માંડવિયાએ કહ્યું હતું કે અમેરિકામાં મોંઘવારીનો દર 40 ટકા થઈ ગયો છે આપણે ત્યાં 6.31 ટકા છે. ‘આપણે ઘણું બચાવી શક્યા છીએ બીજા દેશોમાં હાલત ખરાબ હતી. દેશમાં દોઢ મહિનો લૉકડાઉન રહ્યું છતાં કોઇ અગવડતા પડી નથી. ઈતિહાસ સાક્ષી છે, પ્લેગ વખતે રોગ કરતા ભૂખમરાથી વધુ મર્યા હતા’.

અન્ય સમાચારો પણ છે...