તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓપરેશન ‘ના’પાસ:ભાસ્કર: એક દંપતીને અંકલેશ્વર જવું છે, પાસ કાઢી આપશો?, દલાલ: ક્યાંય ધક્કો નહીં ખાવો પડે, 3500માં નીકળી જશે

રાજકોટ9 મહિનો પહેલાલેખક: મહેન્દ્રસિંહ જાડેજા/ ઈમરાન હોથી/ પ્રકાશ રાવરાણી
દલાલ દિપેન કોટેચા અને તેની સાથે વોટ્સએપ ચેટના સ્ક્ર્નિશોટ.
  • કપરા સમયમાં રાજકોટમાંથી અન્ય જિલ્લાઓમાં જવા માટે મજબૂરો પાસેથી પૈસા લઈને પાસ કાઢી આપવાના કૌભાંડનો દિવ્ય ભાસ્કરે કલેક્ટર તંત્રને સાથે રાખીને કર્યો પર્દાફાશ
  • કલેક્ટરે તાબડતોબ કાર્યવાહી કરવાનો આદેશ આપતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે 4 કલાકમાં દલાલને ઘરેથી જ ઉઠાવી લીધો, ગુનો નોંધાયો

‘ક્યાંય જવાની જરૂર નથી, ડોક્યુમેન્ટ આપી દો, જ્યાનો પાસ જોઈતો હશે મળી જશે અને તમને કોઇ રોકશે પણ નહીં. અત્યારે મારી પાસે ઘણા બધા લોકો પાસ કઢાવવા માટે આવે છે, થોડો સમય લાગશે.’ આ વાત તમને પ્રથમ દૃષ્ટિએ કોઇ સેવાભાવી વ્યક્તિની અથવા તો ઓફિસમાં કોઇ સારો હોદ્દો ધરાવતા અધિકારીની લાગશે પરંતુ અહીં તદન ઊલટું છે. આ શબ્દો બોલી રહ્યો છે એક દલાલ કે જે થોડા પૈસા માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. જી હા, રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતો અને ગમે તે જિલ્લામાં જવા આવવા માટે 3500 રૂપિયામાં પાસ કાઢી આપવાનો દાવો કરનારા દિપેન કોટેચાનો સતત આઠ દિવસ સુધી પીછો કરીને દિવ્ય ભાસ્કર અને કલેક્ટર તંત્રે સમગ્ર પ્રકરણનો પર્દાફાશ કર્યો છે. ભાસ્કરનો હેતુ હાલની સ્થિતિમાં એકબીજા જિલ્લામાં થતી અવર જવર રોકવાનો નહીં પરંતુ એવા તત્ત્વો કે જે ખોટી રીતે મજબૂર લોકોનો લાભ લઈને પૈસા લૂંટી રહ્યા છે તેને ડામવાનો છે. વાંચો, આઠ દિવસ થયેલી એક એક વાતચીત અને સમગ્ર પ્રકરણ પરથી કઇ રીતે પડદો ઉઠ્યો.
કલેક્ટરે ઓપરેશન શરૂ કર્યું
લોકડાઉન 3.0 બાદ લેભાગુ તત્ત્વો પાસને પણ ધંધો બનાવી ચારે બાજુ ફૂટી નીકળ્યા છે તે વાત ધ્યાને આવ્યા બાદ દિવ્ય ભાસ્કર અને કલેક્ટર રેમ્યા મોહને આવા તત્ત્વોને ખુલ્લા પાડવા ઓપરેશન ‘ના’પાસ શરૂ કર્યું હતું. પાસના નામે તોતિંગ રકમ વસૂલતા દલાલ દિપેન કોટેચાના ઓડિયો વીડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એકત્રિત કરીને બુધવારે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને ભાસ્કરની ટીમે એક્શન પ્લાન તૈયાર કર્યો અને રાત્રીના ભગવતીપરામાં પ્રાંત અધિકારી, ભાસ્કરની ટીમ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી અને દલાલ દિપેનને ઉઠાવી લઈ પૂછપરછનો દોર શરૂ થયો હતો. આ મામલામાં કલેક્ટર તંત્રે ફરિયાદી બની દલાલ દિપેન સામે ગુનો નોંધાવ્યો હતો. આ મામલામાં કોની કોની સંડોવણી છે તે અંગે મોડી સાંજથી કલેક્ટર રેમ્યા મોહને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. 

દિપેને રૂપિયા લઈને સુરતનો પાસ કઢાવી આપ્યો હતો.
દિપેને રૂપિયા લઈને સુરતનો પાસ કઢાવી આપ્યો હતો.

આ ગુનો તો છે, મોટું પાપ પણ છે: કલેક્ટર 
અત્યારે આવા માહોલમાં લોકોની મજબૂરીને અવસર માની આર્થિક લાભ મેળવવો તે કાયદાની દૃષ્ટિએ ગુનો તો છે જ પણ માનવતાની દૃષ્ટિએ એક મોટું પાપ છે. આવા લોકો સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે તે માટે વહીવટી તંત્ર કટિબદ્ધ છે. દલાલ ઉપરાંત આ કૃત્યમાં અન્ય જે કોઇ વ્યક્તિની સંડોવણી હશે તેની સામે તપાસ અને કાર્યવાહી થશે. આવી કોઇ ગેરરીતિ ધ્યાનમાં આવે તો નાગરિક પણ તંત્રનું ધ્યાન દોરી શકે છે. > રેમ્યા મોહન, જિલ્લા કલેક્ટર

ભાસ્કરની ટીમ ભગવતીપરામાં પહોંચી, દલાલ દિપેન કારમાં બેસે છે અને જે સંવાદ થયા તે અક્ષરશ:
તા.5 સમય સાંજે 6 વાગ્યે : 

કોઈ એક વ્યક્તિ 3500 રૂપિયા લઈને અન્ય જિલ્લામાં જવા માટેનો પાસ કાઢી આપવાની વાત ભાસ્કર સુધી પહોંચી અને ભાસ્કરે સમગ્ર ઓપરેશન શરૂ કર્યું. એક વ્યક્તિની વાત રજૂ કરી તરત જ દલાલે કેટલા ડોક્યુમેન્ટ જોશે તેનો મેસેજ કર્યો. ભાસ્કરે ઊંડાણપૂર્વક તપાસ માટે ફેરવી ફેરવીને પૂછ્યું તો એક વાત સામે આવી કે હમણા જ સુરત જવા માટે એક પતિ-પત્નીને 3500 રૂપિયા લઈને પાસ કાઢી આપ્યો છે.
તા.6 સમય સવારે 10 કલાકે : 
ભાસ્કરે ફરી વખત દલાલનો સંપર્ક કરવાની કોશિશ કરી પરંતુ તેના ફોન રિસીવ થયા નહીં દરમિયાન જે વ્યક્તિ પાસેથી ભાસ્કરને વિગત મળી હતી તેને સુરતનો પાસ મોકલવામાં આવ્યો અને તે પાસ ભાસ્કર સુધી પહોંચ્યો. 
તા. 7 સમય સવારે 11 કલાકે : 
ભાસ્કરે દલાલ દિપેન કોટેચા હોવાનું શોધી કાઢ્યું અને તેના મોબાઈલ નંબર પણ મેળવી લીધા. ફોન પર વાત ન કરતા દલાલે મેસેજથી સંવાદ શરૂ કર્યો. 
ભાસ્કર : મારે પાસ કઢાવવો છે. તમે ફોન નથી ઉપાડતા  
દલાલ : હાલ મારી પાસે 20 પાસનો ઓર્ડર છે અત્યારે ડોક્યુમેન્ટ કલેક્શન માટે નીકળ્યો છું તમે ચિંતા ન કરો કામ થઈ જશે. (ત્યારબાદ દલાલ સંપર્ક કાપી નાખે છે) 
તા. 8ના સવારે 8થી ભાસ્કરની ટીમ દલાલને મળવા માટે કહે છે એક વખત સંપર્ક થતાં જ દલાલ કહે છે વિરાણી ચોકના બગીચા પાસે બપોરે 1 વાગ્યે મળીશુ પરંતુ ત્યાં બે કલાક સુધી રાહ જોઈ દલાલ આવતો નથી. ભાસ્કર સતત તેનો સંપર્ક અને મળવાની કોશિશ કરે છે તે જવાબ આપે છે કે હમણા બહુ સ્ટ્રીક્ટ છે, થોડી શાંતિ રાખો કામ કરાવી દઈશ. ત્યારબાદ ભાસ્કરે ફરીથી રૂબરૂ મળવાની વાત કરી અને કહ્યું કે તમે ન આવી શકતા હોય તો અમને કહો અમે આવી જઈએ. 
ભાસ્કર : તમારી સાથે વાત થઈ હતી એ મુજબ અમારે અંકેલશ્વર જવાનો પાસ જોઈએ છે : 
દલાલ : બે દિવસથી એ ભાઈ  સાથે વાત કરું છું તે ફોન ઉપાડતા નથી, તમે મને વોટ્સએપમાં ડોક્યુમેન્ટ સેન્ડ કરી દો 
ભાસ્કર :  કેટલા પૈસા થાય છે, તમે કહો તો અત્યારે જ ચૂકવી દઈએ. 
દલાલ : અંકલેશ્વર જવું છે ને? કેટલા વ્યક્તિને જવાનું?
ભાસ્કર :  દંપતી છે,
દલાલ : 3500 રૂપિયા થશે 
ભાસ્કર :  આ પહેલા તમે કર્યું હતું કે ક્યાંનું હતું?
દલાલ : એની એપ્લિકેશન નાખી અને 3 જણાની પાસ થઈ હતી. અહીંથી ચોટીલા વટી જાઓ એટલે તકલીફ નથી. પાસ વગર જ નીકળાય જ નહીં એ વ્યક્તિ ઓફિસમાં સારા સંપર્ક ધરાવે છે.  
દલાલ :  આવવા-જવાનો પાસ જોઈએ છે? 
ભાસ્કર :  હા, તમે ઓલા ભાઈને ફોન કરી ઝડપ કરો ને
(દલાલ ગૌરાંગ નામથી સેવ કરેલા મોબાઈલ નંબર પર ફોન કરે છે અને એ વ્યક્તિ કલેક્ટર ઓફિસમાં હોવાનું દલાલનો દાવો હતો) 
દલાલ : હેલ્લો, અંકલેશ્વર જવાનો પાસ કઢાવવાનો છે, થઈ જશે? અગાઉ જેનો પાસ કાઢ્યો તે ભાઈ ઘરે આવ્યા છે, જવાના એ પણ સાથે છે (ફોન કાપીને ભાસ્કર સાથે સંવાદ ફરી શરૂ કરે છે) 
દલાલ : તમે બધા ડોક્યુમેન્ટ વોટ્સએપ કરી દો, કાલ બપોર સુધીમાં તમને જે હશે તે સ્પષ્ટ કરી દઈશ
ભાસ્કર : પૈસા અત્યારે ચૂકવી દઈએ?
દલાલ : ના, કાલે એને આપજો અથવા ગૂગલ પે કરી દેજો
ભાસ્કર : ક્યાંય જવું પડશે?
દલાલ : ના, ક્યાંય જવાની જરૂર નથી વોટ્સએપ પર કામ થઈ જશે. કલેક્ટરનો સિક્કો મારેલો પાસ આવશે જે કારના કાચ પર મારી દેજો કોઇ નહીં રોકે 
ભાસ્કર : કેટલા થશે બેય જણાના?
દલાલ : અગાઉ સુરતના 3500 થયા હતા, સવારે ગૌરાંગ સાથે વાત થઈ જાય પછી ડોક્યુમેન્ટ મોકલી દેજો, પૈસા ગૂગલ પે કરી દેજો, રોકડા હાથમાં દેવાની જરૂર નથી. 
દલાલ : સવારે 12 વાગ્યે ફોન કરીશ
ભાસ્કર : તમે ફોન ઉપાડતા નથી 
દલાલ : 20 લોકો પાસ માટે સતત ફોન કરે છે, અત્યારે સ્ટ્રીક્ટ ચાલે છે જેવું એ ભાઈ મને કહેશે એટલે એવું જ બધાના એકસાથે પાસ નીકળી જશે.

પાસની અરજી કરવાના 100-100 રૂપિયા લેતો શખ્સ પકડાયો
સંજય મકવાણા નામના વ્યક્તિએ ઓનલાઈન અરજી કરવાને પોતાનો ધંધો બનાવી લીધો હતો. તે અરજદાર પાસેથી 100-100 રૂપિયા લઈને તેમની અરજી કરી આપતો હતો. કલેક્ટર કચેરીના પાસના ફોટા સાથે તેણે પેમ્ફલેટ બનાવી વોટ્સએપમાં વહેતું મૂક્યું હતું. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સુધી આ માહિતી પહોંચતા તેમણે સંજય મકવાણાને ડમી ગ્રાહક બનીને ફોન કરી પૂછપરછ કરી હતી તેમાં તેણે બધી વાત કરી હતી. પ્રાંત અધિકારીએ પોલીસ ફરિયાદ કરતા ધરપકડ કરાઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો