તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો ચુકાદો:મનપામાં થયેલી તોડફોડ કેસમાં ભારદ્વાજ, ભંડેરી સહિત 10 નિર્દોષ છૂટ્યા

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

શહેરના રવિરત્નપાર્કના ડિમોલીશનના મુદ્દે 15 વર્ષ પૂર્વે ભાજપના અગ્રણીઓ સહિતના ટોળાએ મહાનગર પાલિકા કચેરીએ ધસી જઇ તોડફોડ કર્યાની ફરિયાદ નોંધાઇ હતી, આ કેસ ચાલી જતાં ભાજપના આગેવાનો ભારદ્વાજ, ભંડેરી અને મિરાણી સહિત 10ને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. 15 વર્ષ પહેલા રાજકોટ મહાનગરપાલિકાના ચીફ વિજિલન્સ ઓફિસર જી.કે. જાડેજાએ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પૂર્વ કોર્પોરેટર ધનસુખ ભંડેરી, નિતિન ભારદ્વાજ, કમલેશ મિરાણી, માવજી ડોડિયા, વિહિપના શાંતુભાઇ, અમિત ભોરણિયા, આર.સી.પટેલ, લાભુ વસ્તા, સારા જોગરાણા, પ્રવીણ લોધેશ્વરવાળાએ 200થી વધુનું ટોળું મનપામાં લાવી તોડફોડ કર્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં એવું દર્શાવાયું હતું કે, રવિરત્ન પાર્કમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવા મનપાની ટીમ ગઇ હોય તેના અંગે મ્યુનિસિપલ કમિશનરની ઓફિસે આવી જાહેરનામાંનો ભંગ કરી મનપાની પ્રોપર્ટીની તોડફોડ કરી રૂ.2 હજારનું નુકસાન કર્યું હતું. આ અંગેની તપાસ પીએસઆઇ સરવૈયાએ કરીને તપાસના અંતે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ ચાલતો હતો તે દરમિયાન બે આરોપીના અવસાન થતા 10 આરોપી સામે કેસ ચાલ્યો હતો, જેમાં ફરિયાદી, પંચો, કોર્પોરેશનના કર્મચારી, પોલીસ અધિકારી સહિત 15 સાહેદોને તપાસવામાં આવ્યા હતા.

આરોપીઓના વકીલ દ્વારા જુદી જુદી કોર્ટના ચુકાદાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને દલીલો કરવામાં આવી હતી. તમામ પુરાવાને ધ્યાને લઇને કોર્ટે ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ, કમલેશ મિરાણી સહિતના દસેય આરોપીને નિર્દોષ છોડી મૂક્યા હતા. આરોપીઓ તરફે એડવોકેટ દિલીપ પટેલ સહિતની ટીમ રોકાઇ હતી. લાંબા સમય બાદ ભાજપના આગેવાનો નિર્દોષ છૂટતા તેમણે રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...