રાજકોટ મ્યુનિ.ની 4 બેઠક પર પેટાચૂંટણીના એંધાણ:ભાનુબેન બાબરિયા, દર્શિતા શાહ MLA તરીકે ચૂંટાયા, કોંગ્રેસમાંથી ચૂંટાઇ આપમાં ગયેલા બે કોર્પોરેટર ડિસ ક્વોલિફાઇ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ પશ્વિમ બેઠક પરથી દર્શિતા શાહ અને રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી ભાનુબેન બાબરિયા ભાજપમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા છે. - Divya Bhaskar
રાજકોટ પશ્વિમ બેઠક પરથી દર્શિતા શાહ અને રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી ભાનુબેન બાબરિયા ભાજપમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા છે.

ભાજપે બે મહિલા કોર્પોરેટર દર્શિતાબેન શાહ અને ભાનુબેન બાબરીયાને ધારાસભાની ટિકિટ આપતા બન્ને કોર્પોરેટર ધારાસભ્ય પદે પણ ચૂંટાઇ આવ્યા છે. ભાનુબેન બાબરીયાને કેબિનેટ મંત્રી પદ પણ મળ્યું છે. ભૂતકાળમાં ધારાસભ્ય કોર્પોરેટર પદે પણ ચાલુ રહ્યાના દાખલા છે. પરંતુ રાજ્યના પ્રધાન કોર્પોરેટર તરીકે રહ્યા હોય તેવું જવલ્લે પણ બન્યું નથી. તેઓ પૂરતો સમય આપી શકે કે કેમ તે સવાલ વચ્ચે અન્ય કાર્યકરને પણ તક મળી શકે તેવો મત છે. જ્યારે વોર્ડ નં.15ના વશરામ સાગઠિયા અને કોમલ ભારાઇ કોંગ્રેસ છોડી આપમાં જોડાયા હતા. બન્ને કોંગ્રેસમાંથી ચૂંટાઇને આપમાં જોડાયા બાદ આપમાં જોડાયા હતા. આથી બન્નેને ડિસક્વોલિફાઇ જાહેર કરાયા હતા. જો ભાનુબેન અને દર્શિતાબેન કોર્પોરેટરનું પદ છોડી દે તો એકસાથે ચાર બેઠક પર પેટા ચૂંટણી આવી શકે છે.

એક જ પદનો પગાર અને સુવિધા મળી શકે
ભાજપના બન્ને મહિલા કોર્પોરેટર રાજકોટ કોર્પોરેશનમાંથી પોતાનું પદ છોડી દે તો એકસાથે ચાર બેઠક પર પેટા ચૂંટણી થઈ શકે છે. દર્શિતા શાહ તો હાલ ડેપ્યુટી મેયર તરીકે પણ હોદ્દો ધરાવે છે. નવનિયુક્ત ધારાસભ્યો એક જ પદનો પગાર અને સુવિધા મળી શકે છે.

દર્શિતા શાહ હાલ ડે.મેયર તરીકે યથાવત
ભાનુબેન બાબરીયા કોર્પોરેટર પદેથી રાજીનામું આપે તો તેમની સાથે બન્ને ધારાસભ્યની બેઠક ખાલી કરાવવા પણ પક્ષ વિચારી શકે છે. દર્શિતાબેન હાલ ડે.મેયર પદે યથાવત છે. આ પ્રકારના નિર્ણય પ્રદેશનું માર્ગદર્શન મેળવીને કરાશે તેવું નેતાઓ કહે છે. કારણ કે અન્ય શહેરોમાંથી પણ કોર્પોરેટરો ધારાસભાની ચૂંટણી લડ્યા હતા. આ મુદ્દે પક્ષમાંથી જે આદેશ આવે એ માન્ય રહશે.

ભાનુબેન બાબરિયાને કેબિનેટ મંત્રીમાં સ્થાન મળ્યું.
ભાનુબેન બાબરિયાને કેબિનેટ મંત્રીમાં સ્થાન મળ્યું.

કોઈ પણ બેઠક છ મહિના સુધી ખાલી રાખી શકાય
વોર્ડ નં.15માં તો છ મહિનામાં પેટા ચૂંટણી જાહેર કરવી અનિવાર્ય છે. કોંગ્રેસમાંથી ચૂંટાયા બાદ આપમાં ગયેલા વશરામભાઇ સાગઠિયા અને કોમલબેન ભારાઇ સામે કોંગ્રેસે જ શહેરી વિકાસ વિભાગમાં કરેલી ફરિયાદ પરથી બન્ને કોર્પોરેટરને પદ પરથી ગેરલાયક જાહેર કરાયા હતા. મનપાએ પણ આ અંગે ચૂંટણી પંચને રિપોર્ટ કરી દીધો હતો. કોઈ પણ બેઠક વધુમાં વધુ છ મહિના ખાલી રાખી શકાય છે. તે સમયમાં પેટા ચૂંટણી કરી દેવાની હોય છે. આથી જો ધારણા મુજબ બધુ થાય તો ચારેય બેઠકની પેટા ચૂંટણી એકસાથે આવી શકે છે. હવે પ્રદેશ ભાજપ મંત્રીમંડળની પ્રક્રિયામાંથી ફ્રી પડે, આ માટે દરેક લાગુ પડતા શહેરો અને જિલ્લામાં એક સરખી સૂચના મોકલે તેવું સમજવામાં આવે છે.

કુંવરજી બાવળિયા પણ કેબિનેટ મંત્રી બન્યા.
કુંવરજી બાવળિયા પણ કેબિનેટ મંત્રી બન્યા.

રાજકોટ જિલ્લાની 8માંથી 2 ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ
રાજકોટ જિલ્લાના 8 પૈકી 2 ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જસદણ બેઠકના ધારાસભ્ય કુંવરજી બાવળિયા અને રાજકોટ ગ્રામ્યના મહિલા ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને કેબિનેટ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભાનુબેન બાબરિયાએ ગઇકાલે ગુજરાતમાં એકમાત્ર મહિલા કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. રાજકોટની હાઈપ્રોફાઈલ બેઠક રાજકોટ પશ્ચિમ બેઠક પર દર્શિતા શાહ ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા છે.

1.05 લાખની લીડ છતાં મંત્રીમંડળમાં સ્થાન નહીં
રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક કે જેને શુકનવંતી માનવામાં આવે છે અને અહીંથી ચૂંટાઇને ધારાસભ્ય બને તે મંત્રી મંડળમાં સ્થાન પ્રાપ્ત કરે છે. આ માન્યતા આ વર્ષે ખોટી સાબિત થઇ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની પહેલી ચૂંટણી અહીંથી લડી મુખ્યમંત્રી બન્યા હતા. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ જ બેઠક પરથી 2012ની પેટા ચૂંટણી અને 2017ની સામાન્ય ચૂંટણીમાં ચૂંટાઇને મુખ્યમંત્રી બન્યા હતા. આ સાથે ગુજરાતના પૂર્વ નાણામંત્રી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ પણ આ બેઠક પરથી ચૂંટાઇને મંત્રીમંડળમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ વર્ષે દર્શિતાબેન શાહે અત્યારસુધીની સૌથી વધુ 1.05 લાખની લીડ મેળવી છતાં તેમને મંત્રીમંડળમાં સ્થાન પ્રાપ્ત થયું નથી અને બેઠક પરની માન્યતાને રોક લગાવી દેવામાં આવી છે.

કોંગ્રેસમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાઇ વશરામ સાગઠિયા અને કોમલ ભારાઇ આપમાં જોડાતા ડિસ ક્વોલિફાઇ થયા છે.
કોંગ્રેસમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાઇ વશરામ સાગઠિયા અને કોમલ ભારાઇ આપમાં જોડાતા ડિસ ક્વોલિફાઇ થયા છે.

સાગઠિયા-ભારાઇ સામે વિરોધ પક્ષના નેતાએ અરજી કરી હતી
વશરામ સાગઠિયા અને કોમલ ભારાઇ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તરીકે કામગીરી કરી રહ્યા હતા. જો કે, મનપાના વિપક્ષ નેતા ભાનુબેન સોરાણી આ અંગે અરજી કરતા થોડા સમય પહેલા બન્નેને શહેરી વિકાસ સચિવ દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. ગેરલાયક ઠરાવવાની જોગવાઈ કરતો અધિનિયમ 1986 અને તે હેઠળ બનાવવામાં આવેલ નિયમો 1987ના નિયમ (8)ની જોગવાઈ હેઠળ વશરામ સાગઠિયા અને કોમલ ભારાઈએ રાજકોટ કોર્પોરેશનમાં કોંગ્રેસ પાર્ટીના પ્રતિક ઉપર ચૂંટ્યા હતા. બન્ને કોંગ્રેસ પક્ષ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આથી તેઓએ પોતાનો મૂળ પક્ષ સ્વૈચ્છાએ છોડી દીધો હતો. આથી બન્નેને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.

વશરામ સાગઠિયા.
વશરામ સાગઠિયા.

સાગઠિયાએ જોગવાઈને હાઈકોર્ટમાં પડકારવાનું કહ્યું હતું
આ અંગે વશરામ સાગઠિયાએ તે સમયે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકામાં 4 કોંગ્રેસના કોર્પોરેટર ચૂંટાયા પછી બે કોર્પોરેટર પર પક્ષાંતર ધારો લાગુ કરવાની વાત જે કરે છે ભાજપ અને કોંગ્રેસના લોકો. એને મારે કહેવું છે કે, એક તૃતિયાંશ બહુમતિ હોય તો પક્ષાંતર ધારો લાગુ પડતો નથી. પરંતુ તમારી અને ભાજપ બન્નેની પક્ષની મિલિભગતથી ક્યાંક કોઈ અધિકારી પાસે ખોટું કર્યું હોય અને હુકમ કર્યો હોય તો એનો મને વાંધો નથી. આની ઉપર પણ બંધારણીય અધિકાર આપ્યા છે, મારા બંધારણની જોગવાઈ મુજબ તેને હું હાઈકોર્ટમાં પડકારીશ. ખુલ્લી ચેલેન્જ કરું છું કે એ એમનો નિર્ણય ખોટો છે.

MLA બન્યા બાદ પ્રથમ વખત કોર્પોરેશનમાં આવતા સ્વાગત
રાજકોટ પશ્ચિમ બેઠકના ભાજપના ધારાસભ્ય દર્શિતા શાહ રાજકોટ કોર્પોરેશનમાં ડેપ્યુટી મેયર અને વોર્ડ નં.2ના કોર્પોરેટર છે. ધારાસભ્ય બન્યા બાદ પ્રથમ વખત કોર્પોરેશન પહોંચ્યા ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...