રાજકોટ ક્રાઇમ ન્યુઝ:હલેન્ડા ગામમાં પિતાએ સગા પુત્ર અને સાળા વિરુદ્ધ કાર ચોરી ગયાની ફરિયાદ નોંધાવી

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • ભક્તિનગર પોલીસે રીઢા ચોરની ધરપકડ કરી, તસ્કરી દરમિયાન કોઈ ઉઠી જાય તો તેને એરગન અને છરી બતાવી ડરાવતો
  • પ્રોહિબિશનના ગુનામાં ચાર મહિનાથી નાસ્તા ફરતો આરોપી ગ્રીનલેન્ડ ચોકડીથી ઝડપાયો

રાજકોટના આજીડેમ નજીક હલેન્ડા ગામમાં રહેતા અને ઈલેક્ટ્રીક નું કામ કરનાર સલીમભાઈ અબ્બાસભાઈ મુલતાની(ઉ.વ.47) નામના આધેડે આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાના સગા પુત્ર અનવર સલીમભાઈ મુલતાની તથા પોતાના સાળા ફારૂક ઉર્ફે મુન્નો કાસમભાઈ મુલતાનીના નામ આપ્યા છે.

પેટ્રોલ પંપે તપાસ કરતા કાર નજરે પડી
ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમને મોટા પુત્રની સાથે ઝઘડા ચાલતા હોય જેથી તેઓ જેતપુર છોડી અહીં રહેવા આવ્યા હતા. એક વર્ષ પૂર્વે તેમના પત્ની સમીરાબેન અને નાના પુત્ર ઝાકીરનું કોરોનાથી મૃત્યુ થયું હતું. તેઓ પાસે કાર હોય જે કાર તેઓ અહીં હલેન્ડા ગામ દ્વારકાધીશ પેટ્રોલ પંપ પાસે રાખતા હતા. દરમિયાન અહીં ગામમાં રહેતા સુરેશભાઈ રબારીએ તેમને વાત કરી હતી કે બે દિવસથી તમારી કાર પેટ્રોલ પંપે નજરે પડતી નથી બાદમાં તેઓએ અહીં પેટ્રોલ પંપે તપાસ કરતા કાર નજરે પડી ન હતી.

આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ
CCTV ફૂટેજ ચકાસતા મોડીરાત્રીના તેનો પુત્ર અને સાળો અહીંથી કાર લઇ જતા નજરે પડ્યા હતા. ત્યારબાદ આધેડે પોતાના પુત્રને ફોન કરી આ બાબતે પૂછતાં તેણે કહ્યું હતું કે કાર હું જ લઈ ગયો છું જે થાય તે કરી લો આ પછી પણ આધેડે વારંવાર ફોન કરી કાર પરત આપવાનું કહ્યું હતું પરંતુ પુત્રએ કાર પરત ન આવતાં બાદમાં તેમણે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપી સલીમ ઉર્ફે કાલી ઇદરિસી
આરોપી સલીમ ઉર્ફે કાલી ઇદરિસી

રૂ.28 હજારના મુદામાલની ચોરી કરી
રાજકોટમાં કારખાનામાં કામ કરતા મજૂરોના એરગનથી ડરાવી દાગીના અને મોબાઈલની તસ્કરી કરતા ચોરની ભક્તિનગર પોલીસે ધરપકડ કરી તેની પાસેથી કુલ 7 હજારનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે જંગલેશ્વરમાંથી ચોક્કસ બાતમીને આધારે સલીમ ઉર્ફે કાલી ઇદરિસીની ધરપકડ કરી હતી. પોલીસની પુછપરછમાં સલીમે ગઈકાલે રાત્રે અક્ષર કારખાનામાં પ્રવેશ કરી ઓરડીમાંથી મોબાઈલ ફોન,એક જોડી સોનાની કડી અને રોકડ રકમ સહિત કુલ 28 હજારના મુદામાલની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી તેની પાસેથી એરગન, છરી તેમજ રોકડ રકમ સહીત કુલ 7 હજારનો મુદામાલ કબ્જે કર્યો છે. તેમજ સોનાના દાગીના રિકવર કરવા તપાસ હાથ ધરી છે.

શું હતી મોડેસ ઓપરેન્ડી
પોલીસના જણાવ્યા મુજબ આરોપી સલીમ ઉર્ફે કાલી હમેશા પોતાની સાથે એક છરી અને એરગન રાખતો હતો. મોટાભાગે કારખાના વિસ્તારમાં ચોરી કરવા પસંદ કરતો હતો અને ઓરડીમાં દરવાજો ખુલો રાખી અથવા માત્ર અટકાવી ને સુતા હોય તો ત્યાં મજૂરો પાસે રહેલ મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા ચોરી જતો હતો. આ દરમિયાન કોઈ સુતેલ વ્યક્તિ જાગે તો તેને એરગન અને છરી બતાવી ડરાવતો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી સલીમ ઉર્ફે કાલી અગાઉ પણ ભક્તિનગર પોલીસના હાથે બે વખત અલગ અલગ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.

SP કચેરી ખાતે આત્મવિલોપનનો પ્રયાસ
SP કચેરી ખાતે આત્મવિલોપનનો પ્રયાસ

SP કચેરીએ રાવકી ગામના યુવક દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ
રાજકોટ શહેરની SP કચેરી ખાતે લોધિકાનાં રાવકી ગામનાં યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પોતાના ગામમાં પોલીસ દ્વારા ફરિયાદ લેતા ન હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો હતો. જોકે પોલીસ દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરનારાઓની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

ભરડીયામાં કામ કરતો યુવક પથ્થર પડતા ઘવાયો, સારવારમાં દમ તોડ્યો
રાજકોટ ભાવનગર રોડ પર કિશાન ગૌશાળા પાસે ભરડીયામાં કામ કરતા પરપ્રાંતિય યુવાન પર ઉપરથી પથ્થર પડતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેણે દમ તોડી દીધો હતો. ગઇકાલે બપોરે રાજુભાઈ હરીરામભાઈ રાવત નામનો મુળ એમપીનો વતની કિશાન ગૌશાળા પાસે આવેલા ભરડીયામાં કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક જ ઉપરથી પથ્થર પડતા તેને પેટ સહિતના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. રાજુભાઈ રાવતને તાત્કાલીક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો પરંતુ ત્યાં તેનું ગણતરીના કલાકોમાં જ મૃત્યુ નિપજ્યુ હતું. પરપ્રાંતિય યુવાન અને તેના પત્ની અઠવાડિયા પૂર્વે અઠવાડિયા પૂર્વે જ ભરડીયામાં નોકરીએ રહ્યો હતો. મૃતક રાજુભાઇને સંતાનમાં પાંચ પુત્રીઓ અને એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે આજી ડેમ પોલીસ મથકના એએસઆઈ વી.બી. સુખાનંદી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

વીંછીયામાં પોલીસનું નામ સાંભળીને પતાપ્રેમીઓમાં નાસભાગ, યુવાન કૂવામાં ખાબક્યો
વીંછીયાના અમરાપુરમાં રહેતા મહેશ બચુભાઈ કુમારખાણીયા (ઉ.વ.35) નામનો યુવાન રઘુ મોહનભાઈની વાડીએ હતો ત્યારે ભાગવા જતા કૂવામાં પડી જતા ઇજા થતાં તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મહેશ ખેતીકામ કરે છે. ગઈકાલે રઘુભાઈની વાડીએ મિત્રો સાથે જુગાર રમતો હતો ત્યારે કોઈએ બૂમ પાડી કે પોલીસ આવી પોલીસ આવી જેથી તમામ મિત્રો ભાગ્યા અને મહેશ કૂવામાં ખાબક્યો હતો. જોકે ત્યાં પોલીસ આવી નહોતી કોઈએ મજાક કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.

આરોપી વિજય સોલંકી
આરોપી વિજય સોલંકી

પ્રોહિબિશનના ગુનામાં 4 મહિનાથી નાસ્તા ફરતો આરોપી ઝડપાયો
રાજકોટ ડીસીપી ઝોન 1 ની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં ચાર મહિનાથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી છે. આરોપી વિજય સોલંકી રાજકોટના પ્રવેશ દ્વાર ગ્રીનલેન્ડ ચોક નજીક હોવાની બાતમી મળતા પોલીસે તેને પકડી પાડી આજીડેમ પોલીસને સુપ્રત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આજથી ચાર મહિના પહેલા આજીડેમ પોલીસે 4 લાખ 71 કિંમતની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો તેમજ 2.50 લાખનું વાહન મળી કુલ 7.21 લાખનો મુદામાલ ઝડપી પાડ્યો હતો જે દારૂનો જથ્થો વિજય સોલંકીનો હોવાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આરોપી વિજય સોલંકી અગાઉ પણ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના હાથે દારૂના જથ્થા સાથે વર્ષ 2021માં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.

પત્નીના ત્રાસથી કંટાળી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો
રાજકોટના માયાણી ચોક નજીક આરએમસી ક્વાર્ટરમાં રહેતા નિલદીપ નરેન્દ્ર પરમાર (ઉ.વ.27)ને તેમની પત્ની સાથે અવારનવાર ઝઘડાથી કંટાળીને પોતાના ઘરે એસીડ ગટગટાવી લેતા બેભાન થઇ ઢળી પડયો હતો. જેમને તાત્કાલીક સારવારમાં અત્રેની સિવિલમાં ખસેડાયો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર યુવક રીક્ષા ચલાવે છે અને ત્રણ વર્ષ પહેલા લગ્ન થયેલ હતા. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.