રાજકોટ ક્રાઈમ ન્યૂઝ:રેલનગરમાં મહિલાએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી, ઠેબચડા ગામે વીજ કરંટ લાગતા ભજનીકનું મોત

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક ભજનીકની ફાઈલ તસવીર. - Divya Bhaskar
મૃતક ભજનીકની ફાઈલ તસવીર.
  • ભક્તિનગર પોલીસે દેશી પિસ્તોલ સાથે શખસની ધરપકડ કરી

રાજકોટના રેલનગરમાં રહેતી મહિલાએ ઝેરી દવા પી આપઘાત કર્યો છે. જ્યારે રાજકોટ નજીક ઠેબચડા ગામે વીજ શોક લાગતા ભજનીક કાંતિભાઈ મગનદાસ દુધરેજીયા (ઉં.વ.47)નું મોત નીપજ્યું છે. મૃતક તેમના સાળાના પત્નીનું અવસાન થયું હોવાથી પરિવાર સાથે કોઠારિયા સોલ્વન્ટ ખાતે રહેતા તેમના સાળાને ત્યાં હતા. છેલ્લા બે-ત્રણ દિવસથી ઠેબચડા પોતાના ઘરે ગયા નહોતા. બાદમાં ગઈકાલે તેઓ કપડા બદલવા ઘરે ગયા હતા અને તેમના ઘરના સભ્યો કોઠારીયા સોલ્વન્ટમાં હતા. ઘરે એકલા રહેલા કાંતિભાઈને રૂમમાં સ્વીચ બોર્ડમાંથી વીજ કરંટ લાગતા તેઓ બેભાન થઈ ગયા હતા. પાછળથી તેમના ઘરના સભ્યો ફોન કરતા હતા. પરંતુ કાંતિભાઈ ફોન ઉપાડતા ન હોવાથી કંઈક અજુગતુ બન્યાની શંકા જતા પરિવારના સભ્યોએ ગામના અન્ય એક વ્યક્તિને ફોન કરી ઘરે તપાસ કરવા જણાવ્યું હતું.

મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો
આથી ગામના લોકો ઘરે જોવા જતા કાંતિભાઈ બેભાન હાલતમાં રૂમમાં પડ્યા હોવાની તુરંત તેમને પરિવારને જાણ કરી રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડ્યા હતા. અહીં ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવના પગલે પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા હતા. મૃતકને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવતા શોક છવાયો હતો. આજીડેમ પોલીસે હોસ્પિટલે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

રેલનગરમાં મહિલાનો આપઘાત
રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા ચંપાબેન દેવનાણી (ઉં.વ.51) ગત તારીખ 8 જુલાઈના રોજ એસટી બસસ્ટેન્ડ નજીક ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં તેમણે આજે સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઇ હતી. બનાવની જાણ સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને કરતા પોલીસે હોસ્પિટલ આવી નિવેદન નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

બીજા માળેથી પટકાતા રાજસ્થાની મજૂરનું મોત
રાજકોટ શહેરના રૈયા ચોક નજીક નાગરિક બેંકની બાજુની શેરીમાં જે.પી. બાંધકામની સાઇટ પર રાજસ્‍થાની મજૂર બીજા માળેથી લિફ્ટના ખાચામાંથી પડી જતાં ગંભીર ઇજા થતા મોત નીપજ્‍યું હતું. મજૂર ધર્મારામ બગદુરામ પવાર (ઉં.વ.42) નામનો મૂળ રાજસ્‍થાનનો યુવાન રાતે બીજા માળે સુતો હતો. ત્‍યારે લઘુશંકા કરવા ઉઠતાં લીફ્ટનો ખાંચો ન દેખાતાં અકસ્‍માતે નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં મોત નીપજ્‍યું હતું. બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના ASI હમીરભાઇ અને અનુજભાઇએ ઘટનાસ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર બે ભાઇમાં નાનો હતો. સંતાનમાં એક પુત્રી છે. સવારે પરિવારજનો જાગતાં ધર્મારામ જોવા ન મળતાં લિફ્ટના ખાંચામાંથી જોતાં તે નીચે મૃત હાલતમાં હોવાની ખબર પડતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

ઇસ્કોન મંદિર પાસેથી ચોરાઉ એક્ટિવા સાથે બે શખસની ધરપકડ.
ઇસ્કોન મંદિર પાસેથી ચોરાઉ એક્ટિવા સાથે બે શખસની ધરપકડ.

ચોરાઉ બે એક્ટીવા સાથે બે શખસની ધરપકડ
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વાહન ચોરીનો વધુ એક ગુનો ઉકેલવામાં આવ્યો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન કાલાવાડ રોડ ઇસ્કોન મંદિર પાસેથી જયદીપ ધીરૂભાઇ રૂપાપરા અને ભાવેશ ખોડાભાઇ સભાડને ચોરાઉ એક્ટિવા સાથે પકડી પાડ્યા છે. પોલીસ તપાસમાં આરોપીઓએ આ એક્ટિવા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વર્ષ 2017માં ચોરી કર્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે બીજા એક બનાવમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે યાજ્ઞિક રોડ પર આવેલ HDFC બેન્ક પાસેથી ચોરાઉ એક્ટિવા સાથે સતીસ ખખ્ખર નામના શખસની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

2017માં એક્ટિવાની ચોરી કરનાર શખસની ધરપકડ
2017માં એક્ટિવાની ચોરી કરનાર શખસની ધરપકડ

દેશી બનાવટની પિસ્તોલ સાથે એક શખસ ઝડપાયો
રાજકોટ શહેરમાં વધુ એક આરોપીની ગેરકાયદેસર હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ ભક્તિનગર પોલીસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે શહેરના 80 ફૂટ રોડ ઉપર જ્ઞાનદીપ સ્કૂલ સામે એક વ્યક્તિ દેશી બનાવટની પિસ્તોલ લઇ ઉભો છે. જેના આધારે સ્થળ પર પહોંચી સન્ની ચૌહાણ નામના યુવકને અટકાવી તપાસ કરતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને બે નંગ જીવતા કાર્ટીસ મળી આવતા કુલ 10,200 ના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપી પિસ્તોલ કોની પાસેથી ક્યાં કારણથી લઇ આવ્યો છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે પણ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસે ગેરકાયદે હથિયાર સાથે એક આરોપીની ધરપકડ કરી હતી.

દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપાયેલો શખસ.
દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપાયેલો શખસ.

પરસાણાનગરમાં ઘરમાંથી મોબાઈલની ચોરી
રાજકોટ શહેરના પરસાણાનગર અમરનાથ પાર્ક એ-24 માં રહેતા સિંચાઇ વિભાગના નિવૃત કર્મચાી રમેશભાઇ દેવશીભાઇ મકવાણા (ઉ.વ.63) એ પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યુ છે કે, ગત તા. 9 જુલાઈના રોજ બપોરે પોતે ઘરના હોલમાં સુતા હતા અને પોતાનો મોબાઇલ ફોન પોતાની બાજુમાં ચાર્જીંગમાં રાખ્‍યો હતો ઘરનો મેઇન દરવાજો ખુલ્લો હતો. અને પોતાને પેશાબ લાગતા બાથરૂમમાં ગયા હતા બાદ બાથરૂમમાંથી બહાર આવ્‍યા ત્‍યારે ફળીયામાં એક અજાણ્‍યો શખ્‍સ આવતા તેને રોકી ‘કોને પુછી ઘરમાં અંદર આવ્‍યો' તેમ પુછતા તેણે કહેલ કે હું આશ્રમમાંથી આવુ છુ અને હું ફાળો લેવા માટે આવ્‍યો છુ.' તેમ કહી તુરંત જ જતો રહ્યો હતો. બાદ પોતે હોલમાં ગયેલ ત્‍યારે પોતે ચાર્જીંગમાં રાખેલો રૂ.8ની કિંમતનો મોબાઇલ ફોન જોવા ન મળતા પોતે બીજા ફોનમાંથી ફોન કરતા તે ફોન બંધ આવતો હતો. પોતાનો મોબાઇલ ઘરમાં ઘસી આવેલો અજાણ્‍યો શખ્‍સ ચોરી ગયો હોવાની ખબર પડતા ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગ. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.