સુરતથી જામજોધપુર જવા નીકળેલી ન્યૂ ક્રિષ્ના ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસ ગઈકાલે સવારે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચી હતી. ત્યારે સોફાબેડ સીટ ઉપર લોહીથી લથપથ એક યુવાનની લાશ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ હતી. મૃતકનુ નામ પ્રવિણ રૂપાભાઈ વાઘેલા (ઉં.વ. 34) અને તે જામનગર જિલ્લાના ભોજાબેડી ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે. તે સુરતમાં રહી 20 વર્ષથી હીરા ઘસવાનું કામ કરતો હતો. પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે હત્યાની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસને ભેદ ઉકેલવો પડકારરૂપ બન્યો
રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ ચોક નજીક મુસાફરોની ટિકિટ ચેક કરવા બસ ઉભી રહી હતી. ત્યારે ત્રીજી સીટમાં લોહીના ડાઘ નજરે પડતા અંદર જોતા જ યુવાનની લાશ મળતા પોલીસને જાણ કરાતા ત્રીસેક મુસાફરો સાથેની બસને બી ડિવિઝન પોલીસ મથકે લઈ જવાઈ હતી. ત્યાંથી મળી આવેલી છરી સહિતની વસ્તુ કબ્જે કરાઈ છે. રાત્રિના 12થી સવારે આ હત્યાની જાણ થઈ ત્યાં સુધીના પૂરા સમયના સીસીટીવી કેમેરાના ડીવીઆર પોલીસે કબ્જે કર્યા હતા અને તેમાં આ સમયગાળા દરમિયાન યુવાનને તેની સીટ પાસે જઈને રાત્રિ દરમિયાન કોઈ મળ્યું નહીં હોવાનું પણ સ્પષ્ટ થતા પોલીસ માટે આ બનાવનો ભેદ ઉકેલવો ભારે પડકારરૂપ બન્યો છે.
યુવાનની સીટ નજીક જ સીસીટીવી
ઉલ્લેખનીય છે કે, સીસીટીવી કેમેરા યુવાનની જે સીટ હતી તેની નજીકમાં જ ગોઠવેલા છે. જેમાં તેની આસપાસની હલચલ સ્પષ્ટ રીતે નજરે પડે છે. તેમાં પણ હજુ શંકાસ્પદ મુવમેન્ટ નજરે નહીં પડતા ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મૃતક પ્રવિણના મોબાઈલ ફોનની કોલ ડિટેઈલ પણ તપાસવામાં આવી રહી છે. પ્રવીણ નબીપુર પાસે બસ ઉભી ત્યારે ચા-નાસ્તા માટે પંદરેક મિનિટ માટે નીચે ઉતર્યો હતો અને આ વખતે તે સીસીટીવીમાં કેદ થયો હતો. તેણે કોઈ સાથે ખાસ વાતચીત કરી નહોતી. બાદમાં તે પોતાની કેબીનમાં ગયો હતો અને સવારે તેનો લોહીમાં લથપથ મૃતદેહ મળ્યો હતો.
પ્રેમ પ્રકરણને લઈ આપઘાત કર્યાની દૃઢ શંકા
આ શંકાસ્પદ બનાવ અંગે પોલીસે પ્રવીણના ભાઈ જીવણભાઈ રૂપાભાઈ વાઘેલાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે બી ડિવિઝન પોલીસ મથકમાં કલમ 302 હેઠળ ખૂનનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે મૃતક પ્રવીણના મોબાઈલની પ્રાથમિક તપાસ કરતા તેમાં છેલ્લે તેણે પોતાના ભાઈ સાથે આશરે 18 મિનિટ વાત કરી હતી. જેમાં તે એક યુવતીને પ્રેમ કરતો હોવાનું જણાવ્યું હતું. પરંતુ યુવતીના બીજે લગ્ન થઈ ગયાનું જણાવીને પોતાની નિરાશા વ્યક્ત કરી હતી. પોલીસે મોબાઈલની કોલ ડિટેઈલ મેળવી તપાસ શરૂ કરી છે. સાથે જ બનાવ સ્થળેથી મળી આવેલી છરી પરના ફિંગર પ્રિન્ટ લઈ FSLમાં મોકલાયા છે. યુવકે પ્રેમ પ્રકરણને લઈ આપઘાત કર્યાની દૃઢ શંકા હોવાનું પોલીસમાંથી જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.