જળસંકટને દૂર કરતા મેઘરાજા:ભાદર 2નો 1, આજી 2ના 8 અને ન્યારી 2 ડેમના 6 દરવાજા ખોલાયા, રાજાશાહી વખતનો લાલપરી ડેમ ઓવરફ્લો

રાજકોટ3 મહિનો પહેલાલેખક: મયંક વ્યાસ
આજી-2 ડેમના 8 દરવાજા ખોલાયા. - Divya Bhaskar
આજી-2 ડેમના 8 દરવાજા ખોલાયા.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજકોટ જિલ્લામાં આજે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે મેઘરાજાએ જળસંકટ દૂર કરી દીધું છે. ધોરાજી પાસે આવેલા ભાદર 2 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે, પડધરી પાસે આવેલા આજી 2 ડેમના 8 દરવાજા બે ફૂટ સુધી તો ન્યારી 2 ડેમના 6 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. રાજાશાહી વખતનો રાજકોટનો લાલપરી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ હેઠળ આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

ભાદર 2 ડેમ હેઠળ 37 ગામને એલર્ટ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભાદર 2 ડેમમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક ચાલુ છે. ડેમ ગમે ત્યારે છલકાવાની શક્યતા હોવાથી ડેમનો એક 1 દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. ડેમના નિચાણવાળા વિસ્તારમાં ધોરાજી તાલુકાના ભોળા, ભોળ ગામડા, છાડવાવદર, સુપેડી ગામ તથા ઉપલેટા તાલુકાના ડુમીયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભિમોરા ગાધા, ગંદોળ, હાડફોડી, ઈસરા, કૂંઢેચ, લાઠ, મેલી મજેઠી, નિલાખા અને ઉપલેટા ગામના લોકોએ નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા મામલતદાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, રાજકોટ દ્વારા જણાવાયું છે.

ન્યારી 2 ડેમના 6 દરવાજા 3 ફૂટ ખોલાયા.
ન્યારી 2 ડેમના 6 દરવાજા 3 ફૂટ ખોલાયા.

આજી 2 ડેમ હેઠળના ગામડાના લોકોને સાવચેત રહેલા સૂચના
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના આજી 2 ડેમમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક ચાલુ છે. ડેમના 8 દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગામોના લોકોએ નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.

ભાદર 2 ડેમનો એક દરવાજો ખોલાયો.
ભાદર 2 ડેમનો એક દરવાજો ખોલાયો.

ન્યારી 2 ડેમના 6 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા
પડધરી તાલુકાના ન્યારી 2 ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક અવિરત ચાલુ છે. પડધરી તાલુકાના રંગપર ગામ પાસે આવેલો ન્યારી 2 ડેમ નિર્ધારિત સપાટીએ ભરાઇ ગયો છે. હાલ ડેમમાં કુલ 14 દરવાજા આવેલા છે, જેમાંથી 6 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે, 12384 ક્યુસેક પાણીની આવક સામે 12384 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી ડેમની હેઠળ આવેલા પડધરી તાલુકાના રંગપર, તરઘડી, મોટા રામપર, પડધરી, વણપરી ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા અને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા સુચિત કરવામાં આવ્યું છે. આ ડેમની ટોટલ કેપેસિટી 436 MCFTની છે. પડધરી તાલુકાના રંગપર, મેટોડા, સરપદડ, પાટી રામપર, બોડી ઘોડી, વણપરી ગામની કુલ 1696 હેક્ટર ખેત વિસ્તારને સિંચાઈનું પાણી પૂરું પાડી રહ્યો છે.

ગોંડલનો સેતુબંધ ડેમ ઓવરફ્લો.
ગોંડલનો સેતુબંધ ડેમ ઓવરફ્લો.

ગોંડલનો સેતુબંધ ડેમ ઓવરફ્લો
જસદણ તાલુકાના જીવાપર કર્ણુકી જળ સંપત્તિ યોજના ડેમમાં ચાર ફૂટ પાણીની આવક નોંધાઇ છે. 3881 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આ ડેમમાં પાણીની આવક નોંધાઇ છે. ઉપરવાસમાં અંદાજે ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. ગોંડલ સેતુબંધ ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સેતુબંધ ડેમ ઓવરફ્લો થયો છે. ગોંડલ સુરેશ્વર મંદિર ચોકડીથી મોવિયા રોડ ચોકડી સુધી વચ્ચે આવતા વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતો સેતુબંધ ડેમ ઓવરફલો થયો છે. સેતુબંધ ડેમ ઓવરફલો થતાગોંડલવાસીઓમાં હર્ષની લાગણી પ્રસરી ગઈ છે.

રાજકોટનો લાલપરી ડેમ ઓવરફ્લો.
રાજકોટનો લાલપરી ડેમ ઓવરફ્લો.

રાજકોટમાં બે દિવસ રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીના અનુસંધાને રાજકોટ જિલ્લો હાલ રેડ એલર્ટ ઝોનમાં આવી ચૂક્યો છે. રેડ એલર્ટ ઝોનમાં ભારેથી અતિ ભારે વરસાદ પાડવાની સંભાવના દર્શાવવામાં આવી છે. હાલ અતિભારે વરસાદ પડી રહ્યો હોઇ ડિઝાસ્ટર વિભાગ દ્વારા સાવચેતી રાખવા માટે જણાવાયું છે. ખાસ કરીને ડેમોમાં નવા નીરની આવક સાથે ઓવરફ્લોની સ્થિતિમાં ડેમના દરવાજા ખોલવામાં આવી રહ્યા હોઇ ડેમ વિસ્તારમાં નીચાણવાસમાં લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવા તેમજ કોઝવે પરથી પરિવહન ન કરવા તંત્ર દ્વારા ખાસ અપીલ કરવમાં આવી છે.

ન્યારી-2 ડેમના દરવાજા ખુલતા જ પાણીનો પ્રચંડ ધોધ વહ્યો.
ન્યારી-2 ડેમના દરવાજા ખુલતા જ પાણીનો પ્રચંડ ધોધ વહ્યો.

આજી-1 ડેમમાં 5 ફૂટ નવા નીરની આવક
મેયર ઓફિસ માંથી મળતી માહિતી મુજબ આજે બપોરે બે વાગ્યા સુધીમાં આજી-1 ડેમમાં પાંચ ફૂટ જેટલા નવા પાણીની આવક થતા ડેમમાં જીવંત જળજથ્થો 541 MCFT થઇ ગયો છે. ડેમમાં 124 MCFT સૌની યોજનાનું પાણી પણ ઠલવાયું છે. સૌનીના કુલ પાણીની આવક 124 અને વરસાદના પાણીની 198 MCFT થઇ છે. 29 ફૂટના ડેમનું લેવલ બપોરે 22.51 ફુટ છે. આ પાણી 4 ઓક્ટોબર સુધી ઉપાડી શકાશે. ડેમમાં હજુ આવક થવાની આશા છે.

રાજકોટ જિલ્લાનાં 18 ડેમમાં નવા નીરની આવક
રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના પગલે વિવિધ જળાશયોમાં નવા નીર છલકાવાં લાગ્યાં છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા નીરની આવક થઈ છે, જે મુજબ, ભાદર ડેમ 0.10 ફૂટ, આજી 1માં 3.61 ફૂટ, આજી 3માં 3.71 ફૂટ, ડોંડી ડેમમાં 2.30 ફૂટ, ગોંડલી ડેમમાં 6.40 ફૂટ, વાછપરી ડેમમાં 5.51 ફૂટ, વેરી ડેમમાં 2.59 ફૂટ, ન્યારી 1 ડેમમાં 0.98 ફૂટ, ન્યારી 2 ડેમમાં 1.48 ફૂટ, મોતીસર ડેમમાં 1.64 , ફાડદંગબેટી ડેમમાં 3.31 ફૂટ, ખોડાપીપર ડેમમાં 0.66 ફૂટ, લાલપરી ડેમમાં 4.92 ફૂટ, છાપરવાડી 1 ડેમમાં 0.33 ફૂટ, છાપરવાડી 2 ડેમમાં 1.31 ફૂટ, ઈશ્વરીયા ડેમમાં 4.59 ફૂટ, કરમાળ ડેમમાં 0.98 ફૂટ, કર્ણુકી ડેમમાં 3.61 ફૂટ નવા પાણીની આવક થઈ છે.