જળસંકટ ટળ્યું:ધોરાજી પાસે ભાદર-2 ડેમ છલોછલ, 37 ગામને એલર્ટ કરવામાં આવ્યા, ગોંડલ પંથકમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ

રાજકોટ5 મહિનો પહેલા
ધોરાજી પાસે આવેલો ભાદર-2 ડેમ પૂર્ણ સપાટીએ ભરાયો.

રાજકોટ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘમહેર યથાવત છે. ત્યારે ધોરાજી પાસે આવેલો ભાદર 2 ડેમ છલોછલ થઈ ગયો છે. જુલાઈ માસના રૂરલ લેવલ મુજબ ડેમ 100 ટકા ભરાઇ ગયો તેવું સિંચાઈ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ડેમમાં વધુ પાણીની આવક થશે તો ડેમના દરવાજા ખોલવામાં આવશે તેવું પણ ડેમ સાઈટ તરફથી જણાવવામાં આવ્યું છે. આથી ડેમ હેઠળ આવતા 37 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ લોકોએ નદીના પટમાં ન જવું તેમજ નદી કાંઠાના ગામના લોકોને સર્તક રહેવા માટે ડેમ વિભાગ તરફથી સૂચના આપવામાં આવી છે. રાજકોટ શહેર બાદ ગોંડલ પંથકમાં પણ બપોર પછી ધોધમાર વરસાદ શરૂ થયો છે. બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસતા રસ્તાઓ અને ખેતરો પાણી પાણી થઈ ગયા છે.

બપોર બાદ ગોંડલમાં ધોધમાર વરસાદ.
બપોર બાદ ગોંડલમાં ધોધમાર વરસાદ.

પાંચ તાલુકાના 37 ગામને એલર્ટ કરાયા
ભાદર-2 ડેમ છલોછલ થતા ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા અને પોરબંદરના 37 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં ધોરાજીના ભોળા, ભોલગામડા, છાડવાવદર અને સુપેડી ગામનો સમાવેશ થાય છે. ઉપલેટાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, ગંદોડ, હાડફોડી, ઇસરા, કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નિલાખા, તલગણા અને ઉપલેટા ગામનો સમાવેશ થાય છે. માણાવદરના વેકરી, ચીખલોદરા, બિલડી અને વાડાસડા ગામનો સમાવેશ થાય છે. કુતિયાણાના રોધડા, ચૌટા, થેપડા, માંડવા, કટવાણા, કુતિયાણા, પસવાડી, સેગરસ, ભોગસર અને છત્રાવા ગામનો સમાવેશ થાય છે. તેમજ પોરબંદરના ગરેજ, ચીકાસ, નવીબંદર અને મિત્રાળા ગામનો સમાવેશ થાય છે.

ગોંડલમાં રસ્તાઓ પર પાણી ભરાયા.
ગોંડલમાં રસ્તાઓ પર પાણી ભરાયા.

ગોંડલ પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ
રાજકોટ શહેર બાદ ગ્રામ્ય વિસ્તોરામાં પણ બપોર પછી ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે, બપોર બાદ ગોંડલમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગોંડલ તાલુકાના મોવિયા, જામવાડી, દેરડી, વાસાવડ, ચોરડી, ભોજપરા, ભુણાવા, રીબડા, શાપર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગોંડલ પંથકમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય પંથકમાં સારા વરસાદને લઈને ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.