ફેસબૂક ફ્રેન્ડે બદનામ કરી:ભચાઉના શખસે લગ્ન કરવાનું કહી સમાજના વોટ્સએપ ગ્રુપમાં ફોટા મૂક્યા, કંટાળીને રાજકોટની વિધવાએ ઝેર પીધું

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિધવા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ. - Divya Bhaskar
વિધવા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ.

રાજકોટ શહેરના રેલનગરમાં રહેતી વિધવાએ સાંજે ઘરે ઝેરી ટીકડા અને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખસેડવામાં આવી હતી. તેણે આક્ષેપ કર્યો હતો કે, તેનો ભચાઉનો ફેસબૂક ફ્રેન્‍ડ લગ્ન કરી લેવાનું કહી હેરાન કરી બન્નેના સાથે હોય તેવા ફોટા સમાજના વોટ્સએપ ગ્રુપમાં મૂકી ખોટુ આક્ષેપોવાળું લખાણ લખી હેરાન કરતો હતો. આથી કંટાળીને પોતે આ પગલુ ભર્યું હતું. પોલીસે વિધવાના આક્ષેપોને આધારે તપાસ હાથ ધરી છે.

વિધવાને ત્રણ સંતાન છે
વિધવાએ ગઇકાલે સાંજે ઘરે ફિનાઇલ અને ઘઉંમા નાખવાના ટીકડા ખાઇ લેતા તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરી હતી. આથી પોલીસે હોસ્પિટલ પહોંચી નિવેદન લેતા વિધવાએ જણાવ્‍યું હતું કે, મારા પતિ હયાત નથી, મારે ત્રણ સંતાન છે. આજથી અઢી-ત્રણ વર્ષ પહેલા મારી ઓળખાણ ફેસબૂક મારફત ભચાઉના આશિષ સોની સાથે થઈ હતી. એ પછી અમે એકબીજાને મળ્‍યા હતાં અને મિત્રતા થતા સાથે હરવા-ફરવા પણ જતા હતા.

આશિષના પણ છૂટાછેડા થઇ ચૂક્યા છે
ભચાઉના વોટર પાર્કમાં ગયા ત્‍યારે આશિષે બંનેના ફોટા પણ પાડ્યા હતાં. તેણે છૂટાછેડા લીધા છે અને તેને એક સંતાન છે. હવે તે મને લગ્ન કરી લેવાનું કહેતો હોઇ પણ મારે લગ્ન કરવા ન હોઇ તે સમાજના વોટ્સએપ ગ્રુપમાં અમારા બન્નેના ફોટા મૂકે છે અને મને બદનામ કરતું લખાણ સાથે લખે છે. આ કારણે મને માઠું લાગી જતાં મેં આ પગલુ ભર્યુ છે. આશિષે વ્‍હોટ્‍સએપ ગ્રુપમાં પોતે મારા ખોળામાં માથુ રાખીને સુતો હોય તેવો ફોટો પોસ્‍ટ કર્યો હતો. સાથે લખાણ લખ્‍યું હતું કે આ મહિલા માણસોને ફસાવી પૈસા પડાવે છે. લગ્ન કરવાની લાલચ આપી પછી કાઢી મુકે છે તો ચેતવા વિનંતી, ખોટા ધંધા કરે છે, પૈસા પડાવી કાઢી મૂકે છે. આવું લખાણ ફોટા સાથે આશિષે મૂક્‍યાનું વિધવાએ જણાવ્‍યું હતું.