વેક્સિનેશન કરવાનો વ્યૂહ:નગરપીપળિયામાં લમ્પીથી ગાયોનાં મોત વચ્ચે 2000 પશુમાં આજથી રસીકરણ થશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોની જાગરૂકતા બાદ અંતે તંત્ર સફાળું જાગ્યું! વેક્સિનેશન કરવાનો વ્યૂહ

સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર અને મોરબી સહિતના જિલ્લાઓમાં દુધાળા પશુઓમાં લમ્પી સ્કિન ડિસીઝ (એલ.એસ.ડી.)નો ઉપદ્રવ જોવાયા બાદ ઠેર ઠેર ટપોટપ થઇ રહેલા ગાયોનાં મોતને પગલે માલધારીઓ તેમજ પશુપ્રેમીઓમાં આઘાતની લાગણી પ્રસરી રહી છે, દરમિયાન છેલ્લા એક સપ્તાહમાં લોધિકાના નગરપીપળિયા પંથકમાં અંદાજે 25થી વધુ ગાયનાં મોતના ગ્રામજનોના આક્ષેપ બાદ તંત્ર સફાળું જાગ્યું હોઇ, મંગળવારથી તંત્ર દ્વારા લમ્પીના લક્ષણોવાળા પશુઓને શોધી વેક્સિનેશન કરવાનો વ્યૂહ ઘડાયો છે.

રાજકોટ જિલ્લાના લોધિકા પંથકના પશુચિકિત્સક ડો.ફુલેતરાએ જણાવ્યું હતું કે, ‘નગરપીપળિયા પંથકમાં ગાયો સહિતના પશુઓમાં લમ્પી વાઇરસની દહેશત વચ્ચે મંગળવારથી ગાયોમાં રસીકરણની પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કરાયો છે. સોમવારે નગરપીપળિયા સહિત આસપાસના ગામડાંઓમાં લમ્પી વાઇરસને કેન્દ્ર સ્થાને રાખીને પશુઓનું જાતનિરીક્ષણ કરવામાં આવ્યું હતું, દરમિયાન હાલ બે હજારથી વધુ પશુગણમાં તપાસ કરી જરૂર જણાય તેવા પશુઓમાં ગોટપોક્સ રસીના ડોઝ આપવાનું નક્કી કરાયું છે.

આ કામગીરીને લઇને ગ્રામજનોને જાણ કરી દેવામાં આવી છે. નગરપીપળિયા પંથકના દશ ગામડાંમાં 1962 પશુ એમ્બ્યુલન્સની સેવા શરૂ કરવામાં આવી છે.’ નગરપીપળિયાના ગ્રામજનોએ જણાવ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયાએ ગામમાં ગાયોના મૃત્યુ થઇ રહ્યા છે, જે બાબતે તંત્ર અંતે જાગ્યું અને લમ્પીગ્રસ્ત પશુઓમાં જે રસીકરણનો નિર્ણય કરાયો તે બાબતે ગ્રામજનો અને માલધારીઓ દ્વારા રાહતરૂપી ગણાવાઇ રહી છે. લમ્પી વાયરસના લીધે ગાયોના થતા મોત અંગે માલધારી સમાજમાં ચિંતાની લાગણી પ્રસરી છે. જોકે, તંત્રે આ ઘટનાને ગંભીરતાથી લઇ પશુઓને વેક્સિનેશન કરવાનો નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...