રાજકોટમાં બુધવારે આખો દિવસ બર્ફિલા અને ઠંડા પવનોને કારણે શીતલહેર રહી હતી. પવન 18 કિ.મી.ની ઝડપે ફૂંકાયો હતો. ઠંડી અને ઠારને કારણે લોકો ઠૂંઠવાયા હતા. હવામાન ખાતાના જણાવ્યાનુસાર હજુ કાલ સુધી આવું જ વાતાવરણ રહેશે. પવનની ગતિ તેજ રહેશે અને લઘુતમ તાપમાન 10થી 13 ડિગ્રીની વચ્ચે નોંધાશે. ઠંડા પવનો હોવાને કારણે તડકાની અસર પણ નહિવત રહી હતી. મધ્યાહને પણ તડકો કૂણો લાગતો હતો. જમીન અને દરિયાઈ હવાના દબાણના તફાવતને કારણે ઠંડા પવનો ફૂંકાયા હોવાનું હવામાન વિભાગ જણાવે છે.
વધુમાં તેના જણાવ્યાનુસાર સવારે હવામાં ભેજનું પ્રમાણ 70 ટકા હોવાને કારણે થોડીવાર માટે ઝાકળ જોવા મળી હતી. હાલ અત્યારે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. તેજ ગતિવાળા પવનો માત્ર સવારે અને દિવસમાં જ જોવા મળશે. જ્યારે રાત્રિના સમયે પવનની ઝડપ ઓછી નોંધાશે. ઠંડા પવનો ફૂંકાતા આબાલ-વૃદ્ધ સૌ કોઈ ગરમ વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. જોકે શિયાળાની સિઝનમાં પહેલીવાર ઠંડો પવન ફૂંકાયો હતો.
વધુમાં હવામાન ખાતાના જણાવ્યાનુસાર આ ઠંડા પવનો સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ફૂંકાયા હતા. ભારે પવનને કારણે અનેક લોકોએ બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવાનું પણ ટાળ્યું હતું. તેમજ શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. તેમજ સવારે 8 પછી સૂર્યનારાયણના દર્શન થયા હતા. ઠંડી વધવાને કારણે શરદી-ઉઘરસ, તાવ અને નાના બાળકોમાં ઝાડા-ઊલટીના કેસ જોવા મળી રહ્યા છે.
ત્રણ દિવસ સુધી આવું જ વાતાવરણ રહેશે તો શાકભાજીની આવકમાં ઘટાડો થશે
ખેડૂતોના જણાવ્યાનુસાર ડિસેમ્બર પૂરો થયો છતાં પણ સિઝનમાં જે ઠંડી પડતી હોય છે તે ના પડી. જેને કારણે શાકભાજીના ઉત્પાદનમાં વધારો આવ્યો અને આવક વધી, પરંતુ બુધવારે જે વાતવારણ હતું. તેવું જ વાતાવરણ સતત ત્રણ દિવસ સુધી જળવાઈ રહેશે તો શાકભાજીની આવકમાં ઘટાડો થશે. હાલમાં ગુવાર, ભીંડો, કારેલા જેવા શાકભાજી મોંઘા છે. જ્યારે અન્ય શાકભાજી સસ્તા છે. આવકમાં ઘટાડો થતા ભાવમાં રૂ.2થી 5 સુધીનો વધારો આવશે.
સૌરાષ્ટ્રમાં સૌથી નીચું તાપમાન સુરેન્દ્રનગરમાં | ||
શહેર | લઘુતમ | મહત્તમ |
ભાવનગર | 15.8 | 23.4 |
દ્વારકા | 16.8 | 25 |
ઓખા | 19.4 | 24.2 |
પોરબંદર | 16 | 26.1 |
રાજકોટ | 12.5 | 24.7 |
ઠંડીને કારણે બીજા રાજ્યમાંથી આવતા વાહનો બે ત્રણ કલાક મોડા પડી રહ્યા છે
છેલ્લા એક સપ્તાહથી ઠંડી જોવા મળી રહી છે. રાજકોટમાંથી ગુજરાત સહિત બીજા રાજ્યમાં માલ જાય છે અને બીજા રાજ્યમાંથી અહીં માલ મગાવવામાં આવે છે. વધુ પડતી ઠંડી- ઝાકળ હોવાને કારણે માલ પરિવહન કરતી ટ્રક અને વાહનો બે-ત્રણ કલાક મોડા પડે છે જેની અસર ટ્રાન્સપોર્ટેશન પર પડે છે અને ડ્રાઈવર-ક્લીનરને રસ્તામાં રોકાવું પડતું હોવાથી ભથ્થા-ભોજન સહિતનો ખર્ચ પણ વધી જાય છે તેમ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ હસુભાઈ ભગદેવે જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.