બંગાળી કારીગરોનો વિશ્વાસઘાત વધ્યો:રાજકોટમાં બે સોની વેપારીનું રૂ.33.58 લાખનું સોનુ લઈ બંગાળી કારીગર રફ્ફુચક્કર

રાજકોટ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપીઓની ફાઈલ તસવીર - Divya Bhaskar
આરોપીઓની ફાઈલ તસવીર

રાજકોટ શહેરની સોની બજારમાં થોડા સમય પહેલા રાત્રિના સમયે નાઇટ શિફ્ટમાં કામ કરતા સમયે વેપારીને નીંદર આવી જતા 27 લાખનું સોનુ લઈ એક બંગાળી કારીગર ફરાર થઈ ગયો હોવાની ઘટના બની હતી જે અંગે હજુ સુધી આરોપીની ધરપકડ થવા પામી નથી ત્યારે વધુ એક કારીગર બે સોની વેપારીના 33.58 લાખના દાગીના લઇ ફરાર થઇ જતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

વેપારીએ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
રાજકોટ શહેરના મોરબી રોડ પર રાજ સ્કૂલની પાછળ શિવધારા સોસાયટી શેરી નં.6માં રહેતા હિતેષભાઈ મનસુખભાઈ મેંદપરા નામના વેપારીએ હાથીખાના મેઈન રોડ સિલ્વર માર્કેટ દુકાન નં.201માં સોનાના તેમજ ચાંદીના દાગીના બનાવી આપતા રામનાથપરાના મૂળ બંગાળના એજાજુલહક શેખ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.

ત્રણ વર્ષ પહેલા આરોપી સાથે મુલાકાત થઈ હતી
હિતેષભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ હાથીખાના મેઈન રોડ પર એનેક્ષી સિલ્વર માર્કેટમાં આસી ગોલ્ડ નામની દુકાન ધરાવી સોના તેમજ ચાંદીના દાગીના બનાવીને આપીએ છીએ. અમને ત્રણ વર્ષ પહેલા આરોપી એજાજુલહક સાથે મુલાકાત થઈ હતી. ત્યારબાદ પરિચયમાં આવ્યા બાદ તેઓને સોનાના અને ચાંદીના ઘરેણા બનાવવા સોનુ અને ચાંદી આપતા હતા.

અન્ય વેપારીનું રૂ.16 લાખનું સોની લઈને પણ ફરાર
ગત 15 જુલાઈના રોજ અન્ય પેઢી પાસેથી સોનુ અને ચાંદી લઈ આરોપીને ઘરેણા બનાવવા આપ્યા હતા. જે ઘરેણા બનાવીને તા.14 ઓક્ટોબરના રોજ સવારે આપવાના હતા. આ ઘરેણા લેવા માટે આરોપીની દુકાને ગયેલા ત્યારે તેની દુકાન બંધ હતી. તેમજ તેમનો મોબાઈલ પણ સ્વીચ ઓફ આવતો હતો. આ ઉપરાંત જાણવા મળ્યું કે, આરોપી એજાજુલહક અન્ય વેપારીઓના દાગીના બનાવવા આપેલા સોનાના તેમજ ચાંદી લઈ તેમના વતન નાસી ગયો છે. જેથી મારી પાસેથી કુલ રૂ.17.57 લાખનુ સોનુ અને ચાંદી તેમજ અમારા જ કોમ્પ્લેક્સમાં કુબેર જવેલર્સ ધરાવતા પૂર્વરાજભાઈ રાજુભાઈ નકુમનું સોનુ રૂ.16 લાખનું 309.0020 ગ્રામનું મળી કુલ રૂ.33.58 લાખનું સોનુ લઈ આરોપી નાસી જતા એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...