વેક્સિન લેવા મામલે અંધશ્રદ્ધા:રાજકોટનાં ગામડાંમાં લોકો માને છે કે... માનતા માનવાથી કોરોના નહીં થાય, વેક્સિન લઈશું તો ભગવાન કોપાયમાન થશે અને સ્ત્રીઓને ગર્ભ નહિ રહે!

રાજકોટ2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગામડાંમાં રસી અંગે જાગૃતિ કેળવવા ગયેલી મનોવિજ્ઞાનની ટીમને થયા કડવા અનુભવ. - Divya Bhaskar
ગામડાંમાં રસી અંગે જાગૃતિ કેળવવા ગયેલી મનોવિજ્ઞાનની ટીમને થયા કડવા અનુભવ.

શહેરોમાં વેક્સિનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, પરંતુ ગામડાંના લોકોમાં અનેક પ્રકારની અંધશ્રદ્ધા હોવાને કારણે તેઓ વેક્સિન લઇ રહ્યા નથી. ગામડાંના લોકો કહે છે કે વેક્સિન નહિ પણ માનતા માનવાથી કોરોનાથી બચી શકાય છે, વેક્સિન લઇશું તો ભગવાન કોપાયમાન થશે અને સ્ત્રીઓને ગર્ભ નહિ રહે તેવી ખોટી માન્યતાઓ પ્રવર્તી રહી છે.

મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. જોગસણ જણાવે છે કે ગામડાંના લોકો એવું વિચારે છે કે શહેરમાં સારી વેક્સિન આપે છે, ગામડાંમાં અલગ પ્રકારની વેક્સિન અપાય છે. લોકોના મનમાંથી અંધશ્રદ્ધા દૂર કરવા પ્રયાસ કરી રહ્યા છીએ. જિલ્લા કલેક્ટરે ગામડાંમાં વેક્સિન અંગે જાગૃતિ કેળવવા અને લોકોનું કાઉન્સેલિંગ કરી રસી લેવા માટે તૈયાર કરવાની જવાબદારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની ટીમને સોંપી છે. છેલ્લા ત્રણ દિવસથી સાઇકોલોજીના નિષ્ણાત પ્રોફેસરો અને વિદ્યાર્થીઓની ટીમ જુદાં જુદાં ગામડાંમાં ફરી રહી છે.

ભૂવા કહે છે રસી મુકાવાની માતાજીએ ના પાડી છે

 • ગામડાંમાં ભય છે કે વેક્સિન લેવાથી મરી જઇશું.
 • રસીમાં ભેદભાવ છે. શહેરમાં અલગ-ગામડાંમાં જુદી અપાતી હોવાનો ભ્રમ છે.
 • અમારા વીમા ઊતરાવી આપો 10 લાખના તો વેક્સિન લઈએ.
 • વેક્સિન નહિ પણ માનતા માનવાથી કોરોનાથી બચી શકાય.
 • વેક્સિન લઇશું તો ભગવાન કોપાયમાન થશે.
 • વેક્સિન લેવાથી સ્ત્રીઓને ગર્ભ નહિ રહે.
 • ગામમાં કોરોના ન પ્રવેશે માટે માતાજીનો તાવો કર્યો છે, માતાજીને ખોટું લાગે જો રસી લઈએ તો.
 • માતાજી છે, એટલે કોરોના લોકોનું કંઈ નહીં બગાડે.
 • ભૂવાઓ કહે, માતાજીએ રસી મુકાવાની ના પાડી છે.
 • રોજા હોવાથી રસી ન લઈ શકાય.
 • વેક્સિન લીધી તોય સગા મરી ગયા તો વેક્સિનનો અર્થ શું?
 • લેખિતમાં આપો કે વેક્સિનથી કંઈ નહિ થાય તો જ લઈએ.