કૌભાંડનો પર્દાફાશ:RTOના સહી-સિક્કા સાથેની નકલી રસીદથી ચાલકો પાસેથી પૈસા ખંખેરતી બેલડી ઝડપાઇ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • બંને ગઠિયાએ બનાવેલી નકલી રસીદ પરથી પોલીસ વાહન છોડી દેતી હતી

રાજકોટ આરટીઓમાં એજન્ટ તરીકે કામ કરતો સંતકબીર રોડ પરની ન્યૂ શક્તિ સોસાયટીમાં રહેતો અશોક ડાહ્યા ટાંક (ઉ.વ.46) આરટીઓની બોગસ રસીદ આપીને વાહનચાલકો પાસેથી પૈસા ખંખેરતો હોવાની માહિતી મળતાં રાજકોટ જિલ્લા એસઓજીના પીએસઆઇ ભાનુભાઇ મિયાત્રા સહિતના સ્ટાફે તપાસ શરૂ કરી હતી, શાપર પોલીસ સ્ટેશનમાં ડિટેન થયેલા બે વાહન નકલી રસીદના આધારે છોડી દેવાયાનું સ્પષ્ટ થતાં પોલીસે અશોક ટાંકને ઝડપી લઇ પૂછપરછ કરતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

આરટીઓ એજન્ટ અશોક ટાંકે પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે, પોતે આરટીઓ એજન્ટ તરીકે કામ કરે છે, એકાદ વર્ષ પહેલા આજી ડેમ પાસેની માનસરોવર સોસાયટીમાં રહેતો રાજદીપસિંહ મહિપતસિંહ રાણા (ઉ.વ.39) તેની પાસે લાઇસન્સ કઢાવવા આવ્યો હતો ત્યારે તેનો રાજદીપસિંહ સાથે પરિચય થયો હતો, સાતેક મહિના પૂર્વે રાજદીપસિંહ ફરીથી મળ્યો હતો અને પોતે કમ્પ્યૂટરનો જાણકાર છે અને આરટીઓની બોગસ રસીદ બનાવી શકે છે, તેવી વાત કરી હતી અને આરટીઓમાં દંડ ભરવા આવતા લોકોનો સંપર્ક કરી તેની પાસેથી દંડની રકમ મેળવી બોગસ રસીદ આપી પૈસા કમાવવાનો કીમિયો બતાવ્યો હતો અને વાહનચાલક પાસેથી જે રકમ આવે તે બંને સરખા ભાગે વહેંચી લેશે તેવું નક્કી થયું હતું.

અશોક ટાંક આરટીઓમાં પડ્યો પાથર્યો રહેતો હતો, પોલીસે ટ્રાફિકના ઉલ્લંઘન બદલ જે વાહનચાલકનું વાહન કબજે કરી તેને આરટીઓ દંડ ફટકાર્યો હોય તે વાહનચાલક દંડ ભરવા કચેરીએ આવે એટલે અશોક તેનો સંપર્ક કરી દંડની રકમ તે વાહનચાલક પાસેથી લઇ લેતો હતો અને સાંજે દંડ ભરાયાની આરટીઓની રસીદ લઇ જજો તેમ કહેતો હતો, ત્યારબાદ તે વાહનચાલકના નામની નકલી રસીદ રાજદીપસિંહ રાણા બનાવી આપતો હતો, રાજદીપે આરટીઓ કચેરીનો નકલી રાઉન્ડ સિક્કો પણ બનાવ્યો હતો તે સિક્કો પણ નકલી રસીદ પર મારી દેતો હતો અને આરટીઓના ક્લાર્ક તરીકે તે રસીદ પર અશોક ટાંક સહી કરી આપતો હતો.

નકલી રસીદ લઇને વાહનચાલક પોલીસ સ્ટેશને જતાં ત્યારે પોલીસ પણ એ રસીદ નકલી હોવાનું ઓળખી શકતી નહોતી અને રસીદના આધારે ડિટેન કરાયેલું વાહન છોડી દેવાતું હતું. છ મહિનામાં બંને શખ્સે 150થી વધુ લોકોને આ રીતે છેતરીને સરકારી તિજોરીને પણ નુકસાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...