તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવા કમિશનર સામે પડકાર:1 ઇંચ વરસાદમાં રાજકોટ જળબંબાકાર થવા પાછળના 10 તારણો, વર્ષે 60થી 70 કરોડનું આંધણ, અણઘડ તંત્રના પાપે ક્યાંય જળનિકાલ જ નથી!

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
22 જૂને એક ઇંચ વરસાદમાં જ 150 ફૂટ રિંગ રોડ પર પાણી ભરાયા હતા. - Divya Bhaskar
22 જૂને એક ઇંચ વરસાદમાં જ 150 ફૂટ રિંગ રોડ પર પાણી ભરાયા હતા.
  • એક ઇંચ વરસાદમાં રસ્તા પણ પાણી થઇ જાય, નીચાણવાળા વિસ્તારમાં બે-બે દિવસ સુધી પાણી ઉતરતા નથી
  • વોર્ડ નં.9 નિલકંઠનગર સહિતના અનેક સ્થળે ઈજનેરી જ્ઞાન વગર ખડકેલા બમ્પરથી તળાવડાં ભરાય છે

રાજકોટમાં વર્ષો જૂની સમસ્યાનો હજી સુધી મહાનગરપાલિકા ઉકેલ લાવી શકી નથી. આ સમસ્યા છે એક ઇંચ વરસાદમાં જ શહેર જળબંબાકાર થઇ જાય છે. દર વર્ષે રસ્તા અને જલનિકાલ માટે 60થી 70 કરોડના કામ કરવામાં આવે છે. પરંતુ આ રૂપિયાનું આંધણ એક ઇંચ વરસાદમાં થતું જોવા મળે છે. અણઘડ તંત્રના પાપે ક્યાંય જળનિકાલ માટેની વ્યવસ્થા જ નથી. ઉલ્લેખનીય છે કે આજે રાજકોટ મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે અમિત અરોરાએ ચાર્જ સંભાળ્યો છે. ત્યારે આ સમસ્યા તેઓ માટે પડકારરૂપ સાબિત થશે.

રાજકોટ સામાન્ય વરસાદે કેમ જળબંબાકાર થાય છે?
1. રસ્તામાં ક્યાંય લેવલિંગનું ધ્યાન રખાયું નથી, આથી રસ્તા પર વરસતું પાણી સીધું વોકળામાં જવાને બદલે અટવાય છે.
2. જળનિકાલની પૂરતી વ્યવસ્થા છે જ નહીં અથવા ત્યાં કચરો ભરાયેલો રહે છે.
3. રસ્તાના કામમાં તાંત્રિક કુશળતા અને ઈજનેરી આયોજનનો અભાવ જણાયો છે. રસ્તા રિપેરિંગ પણ લેવલિંગ જળવાય તેમ થતું નથી.
4. બમ્પરો પાસે પાણી ભરાય છે. ક્યાં રોડ પર કેટલી સાઈઝના બમ્પરો, કેટલી સંખ્યામાં તે અંગે સ્પષ્ટ નિયમોનો અમલ નથી.
5. ઈજનેરી તંત્રને આ સમસ્યા માટે જવાબદાર ઠેરવાતું નથી. કોઇ રસ્તા તૂટે કે જળનિકાલના કામો છતાં પાણી ભરાય તો નોટિસ પણ અપાતી નથી.
6. પાણી ભરાતું હોય ત્યાં જળસંચયની તક હોય છે પરંતુ આ કામગીરીમાં લક્ષ્ય અપાયું નથી.
7. રસ્તાની કામગીરી વખતે મીન સી લેવલ ધ્યાને લેવાતું નથી.
8. રસ્તાના કામ ભલામણોથી થતા હોય તેમ એક જગ્યાએ થાય, બીજી જગ્યા બાકી રહે તેથી લેવલ અપસેટ થાય. વળી ડામરના એક સ્તર પર બીજા ચડાવ્યે રાખે છે તેથી રસ્તા ઉંચા નીચા થાય છે.
9. વરસાદ વખતે ક્યાં પાણી ભરાયા, ક્યાં કારણે, ઉપાય માટે શું કર્યું તેનો રિપોર્ટ માંગવાની પણ પ્રથા નથી.
10. રસ્તાના કામનું કુશળ ઈજનેરો અને અધિકારીઓ દ્વારા નિયમિત સુપરવિઝન થતું નથી.

22 જુને એક વરસાદમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાયા હતા.
22 જુને એક વરસાદમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાયા હતા.

ઈજનેરી તંત્રનું આ તે કેવું લેવલ?
શહેરના રસ્તા પર ક્યાંય લેવલિંગ જ નથી, પાણી વોકળાને બદલે અનેક અન્ડરબ્રિજમાં ભરાય જાય અને બંધ કરવાની ફરજ પડે છે. શહેરના યાજ્ઞિક રોડ, યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ સહિતના મુખ્ય માર્ગો પણ સામાન્ય વરસાદમાં જળબંબાકાર થઇ જાય છે. રામકૃષ્ણ આશ્રમ પાસે, ટાગોર રોડ, રૈયા ચોક, ટેલિફોન એક્સચેન્જ, સાધુ વાસવાણી રોડ સહિતના વિસ્તારોમાં વર્ષોથી પાણી ભરાય છે. કરોડો ખર્ચાય છતાં સમસ્યા જૈસે થે!

રસ્તાના કામમાં ઘોર બેદરકારી દાખવવામાં આવે છે
સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા રાજકોટમાં 2700 કરોડના કામ બજેટમાં દર્શાવવામાં આવ્યા છે. આ ઉપરાંત એઈમ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, રૂ.200 કરોડના ઓવરબ્રિજ, નવી કોર્ટ બિલ્ડીંગ, સાયન્સ મ્યુઝિયમ, અર્બન ફોરેસ્ટ જેવા વિકાસ કામોની વર્ષોથી વાતો જે શહેર માટે થતી રહી છે તે રાજકોટમાં લોકોની નિવારી શકાય તેવી એક પીડાને હજુ મહાપાલિકા દૂર કરી શકી નથી. કારણ કે આ માટે તંત્રમાં ઈચ્છાશક્તિ જ નથી. મૂળભૂત સેવા એવી રસ્તાના કામમાં દાખવાતી ઘોર બેદરકારી, કામઢાને બદલે કહ્યાગરા અફસરોની ફૌજના લીધે રસ્તાના કામ અને જળનિકાલ (સ્ટોર્મ વોટર ડ્રેનેજ)ના નામે વર્ષે રૂ.60-70 કરોડનું આંધણ થાય છે. છતાં શહેરના રસ્તા અણઘડ, અબુધ, આવડત વગરના કોઈએ બનાવ્યા હોય તેવા જ બન્યા છે. જેના કારણે આ સમસ્યાનો સિલસિલો વર્ષોથી યથાવત રહે છે.

એક ઇંચ વરસાદમાં શહેર પાણી પાણી થઇ જાય છે.
એક ઇંચ વરસાદમાં શહેર પાણી પાણી થઇ જાય છે.

આ સમસ્યાનું દર વર્ષે જ નહીં પણ દર વરસાદે પુનરાવર્તન થતું રહે છે
ચોમાસામાં ચૂંટણી હોતી નથી અને લોકો ભોગવેલી હાલાકીને ભૂલી જતા હોય છે. આજે ફરી એક વાર રાજકોટમાં માત્ર એકથી બે ઈંચ વરસાદ જ આવ્યો અને છેવાડાના વિસ્તારો કે મફતિયાપરાની વાત તો દૂરની રહી પરંતુ શહેરના હાર્દ સમાન કે જ્યાં જમીનના ભાવ પ્રતિ ચો.મી. રૂ.1થી 2 લાખ હોય છે તેવા માર્ગો પર નદી અને વોકળા વહેતા હોય તેવા દ્રશ્યો નજરે પડે છે. આવું દર ચોમાસામાં જોવા મળે છે. પરંતુ લોકોની તિજોરીમાંથી દસ-બાર લાખ રૂપિયાની કાર મેળવનારા સત્તાધિશો, અફસરો આવી વાસ્તવિકતા જોવા કારનો ઉપયોગ પણ કરતા નથી અને તેથી સમસ્યાનું દર વર્ષે જ નહીં પણ દર વરસાદે પુનરાવર્તન થતું રહે છે.

બમ્પર અણઘડ અને આડેધડ રીતે ઉભા કરી દેવાયા છે
શહેર ભાજપ પ્રમુખ જ્યાંથી ત્રણ વાર ચૂંટાયા, સ્થાયી સમિતિ ચેરમેન જ્યાં ચૂંટાયા, ભાજપને સૌથી વધુ મતો જ્યાં મળ્યા તે વોર્ડ નં.9માં સ્થળ નિરીક્ષણ કરતા નીલકંઠનગર મેઈન રોડ પર અણઘડ ઈજનેરોએ બમ્પરોને ઉંચા કરી દીધા છે. જેના કારણે ત્યાં પાણીના તળાવડાં ભરાતા હોવાનું ધ્યાને આવ્યું હતું. આ વિસ્તારમાં પાણીનું વહેણ રૈયા તરફ છે પણ પાણી વહેતા વોકળાઓ જ ગાયબ છે. આ જ દ્રશ્યો શહેરમાં અનેક રોડ પર જોવા મળ્યા છે. જ્યાં બમ્પર અણઘડ અને આડેધડ રીતે ઉભા કરી દેવાયા છે.

થોડા વરસાદમાં જ 150 ફૂટ રિંગ રોડની હાલત બેહાલ થઇ જાય છે.
થોડા વરસાદમાં જ 150 ફૂટ રિંગ રોડની હાલત બેહાલ થઇ જાય છે.

શહેરના 150 જેટલા પોઈન્ટ પર પાણી વર્ષોથી ભરાતું રહે છે
ગંભીર વાત એ છે કે ધમધમતા યાજ્ઞિકરોડ પર રામકૃષ્ણ આશ્રમ પાસે, પી.ડી.એમ. કોલેજ, એસ.ટી.વર્કશોપ પાસે, વોર્ડ નં.13, રૈયા ચોકડી અને આસપાસના વિસ્તારો, બી.આર.ટી.એસ. રિંગરોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ આસપાસના વિસ્તારો, ટાગોર રોડ પર હેમુ ગઢવી હોલ પાસે, યુનિ.રોડ અને ગૌરવપથ કાલાવડ રોડ સહિત શહેરના 150 જેટલા પોઈન્ટ પર પાણી વર્ષોથી ભરાતું રહે છે. આ સમસ્યા ઈજનેરો જોતા નથી અથવા આંખ આડા કાન કરે છે. મેયર, કમિશનર સહિતના સત્તાધિશો તેમને છાવરતા રહે છે.

ઓવરબ્રિજની બંને બાજુ નદીની જેમ પાણી વહે છે.
ઓવરબ્રિજની બંને બાજુ નદીની જેમ પાણી વહે છે.

ધોધમાર વરસાદમાં શહેરના તમામ અન્ડરબ્રિજ બંધ કરવા પડે છે
ધોધમાર વરસાદ વરસે એટલે દર વર્ષે પમ્પિંગની વ્યવસ્થાના દાવાઓ વચ્ચે રેલનગર અન્ડરબ્રિજ, પોપટપરા, તાજેતરમાં ઉદ્ધાટન થયું તે આમ્રપાલી અન્ડરપાસ (હજુ લક્ષ્મીનગર અન્ડરપાસ તો ખુલ્લો મુકાયો નથી) વગેરે બ્રિજ જ બંધ થઈ જાય છે. શહેરમાં શેરી-ગલી કે અંતરિયાળ વિસ્તારો તો દૂરની વાત મુખ્યમાર્ગો પર પણ લોકો પસાર ન થઈ શકે એટલા પાણી ભરાયેયા રહે છે. નદીમાં પૂર નથી આવ્યા પણ રસ્તા પર પૂર દર વરસાદે આવે તે મનપાની ઘોર બેદરકારીનો નમૂનો છે અને તે શરમજનક છે.

અન્ય સમાચારો પણ છે...