છેતરપિંડી:વેપારીનું 7 લાખનું સોનું લઈ કારીગર વતન ભાગે તે પહેલા પોલીસ પહોંચી

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોની બજારમાં વધુ એક વેપારી છેતરપિંડીનો ભોગ બનતા બચ્યાં

રાજકોટના વધુ એક સોની વેપારીનું બંગાળી કારીગર સોનું લઇ ભાગી ગયાનો બનાવ પોલીસમાં નોંધાયો છે. ફરિયાદને પગલે પોલીસે તપાસ શરૂ કરી સોનું લઇને ભાગેલા બંગાળી કારીગરને રૂ.2.63 લાખની કિંમતના સોનાના ઢાળિયા, રોકડા રૂ.57,700 મળી કુલ રૂ.3.21 લાખના મુદ્દામાલ સાથે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી પકડી પાડ્યો છે.

રૈયા રોડ, શ્રીજીનગર-3માં રહેતા અને સોનીબજારમાં શુભલક્ષ્મી કોમ્પ્લેક્સમાં ઓમ સોનાથ જ્વેલર્સના નામથી સોની કામ કરતા રજનીભાઇ વ્રજલાલ લોઢિયાએ મૂળ પ.બંગાળના અને જૂની ગધીવાડમાં ભાડે રહેતા નીતાઇ બિસ્વનાથ ક્રિસ્ટો બેરા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, સોની કામ માટે મૂળ બંગાળના નીતાઇ બેરા અને તારાશંકર વિજયચિત્ર મંડળ નામના બે કારીગર છેલ્લા દોઢ વર્ષથી પોતાને ત્યાં ઘરેણાં બનાવવાનું કામ કરે છે. દરમિયાન ગત જુલાઇ મહિનામાં નીતાઇ બેરાને કટકે કટકે 265.010 ગ્રામ સોનું ઘરેણાં બનાવવા માટે આપ્યું હતું.

તે પૈકી નીતાઇએ 118.300 ગ્રામ સોનાના પેન્ડલ સેટ બનાવી પરત આપ્યા હતા. બાકીના 146.710 ગ્રામ સોનાના ઘરેણાં પોતે ઓગસ્ટ મહિનાના અંતમાં તૈયાર કરી આપવાની વાત કરી હતી. ત્યારે પાર્ટીને આપેલી તારીખ નજીક આવતા તા.28ની રાતે નીતાઇને ફોન કરી ઘરેણાં અંગે પૂછ્યું હતું. જેથી તેને પોતે નાસ્તો કરવા નીકળ્યો છે.

થોડીવારમાં દુકાને પહોંચે છેની વાત કરી હતી. ત્યાર બાદ ફોન કરતા તે આવું છુ઼ં, આવું છુંની વાત કરી હતી. બાદમાં નીતાઇનો ફોન સ્વિચ ઓફ થઇ ગયો હતો. જેથી તુરંત તેના ઘરે ગયા હતા, પરંતુ તે ત્યાં પણ મળ્યો ન હતો. અંતે રૂ.7 લાખની કિંમતનું 146.710 ગ્રામ સોનું ઓળવી છેતરપિંડી કરનાર નીતાઇ બેરા સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તાજેતરમાં જ એક સોની વેપારીનું 28 લાથી વધુનું સોનું લઈને બંગાળી કારીગર ફરાર થઈ ગયો હતો. ત્યાં વધુ એક બનાવ બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...