ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી 5 મેચની T-20 સિરીઝની ચોથી મેચ આવતીકાલે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે રમાવાની છે, જેને લઇ બન્ને ટીમનું ગઈકાલે સાંજે રાજકોટમાં આગમન થયું હતું. આવતીકાલની મેચ ટર્નિંગ ગેમ હોવાના કારણે બન્ને ટીમ દ્વારા જીત માટે એડીચોટીનું જોર લગાવવામાં આવશે. આજે શહેરમાં અસહ્ય બફારા વચ્ચે મેચ પહેલાં બન્ને ટીમો નેટ પ્રેક્ટિસ પણ કરવાની હતી. બપોરે 1 વાગ્યે આફ્રિકાની ટીમે નેટ પ્રેક્ટિસ કરી હતી, જ્યારે સાંજે 4 વાગ્યે ભારતની ટીમ નેટ પ્રેક્ટિસ કરવા પહોંચી હતી.
હાલ ભારતની ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા, ઇશાન કિશન અને યૂઝવેન્દ્ર ચહલ પ્રેક્ટિસમાં હાજર ન રહ્યા હતા જયારે શ્રેયસ ઐયર, રિષભ પંત અને દિનેશ કાર્તિકે લોન્ગ શોટની મેદાન પર પ્રેક્ટિસ કરી હતી.
ભારતીય ટીમના ખેલાડીઓએ ટી પોસ્ટ પર ચાની ચુસ્કી લીધી
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ રાજકોટમાં ચાની ચુસ્કી લીધી હતી. શહેરના કાલાવડ રોડ પર ટી પોસ્ટ ખાતે ખેલાડીઓએ ચાની ચુસ્કી લીધી હતી. ટીમના કેપ્ટન રિષભ પંત, અક્ષર પટેલ, આવેશ ખાન, જયદેવ ઉનડકટ અને ઇશાન કિશને ચાની ચુસ્કી લગાવી હતી. રંગીલા રાજકોટની રાત્રિ રોનકની ખેલાડીઓએ મજા માણી હતી.
બપોરે 1 વાગ્યે દક્ષિણ આફ્રિકાની ટીમે નેટ પ્રેક્ટિસ કરી
ભારત અને દક્ષિણ આફ્રિકા ટીમ વચ્ચે યોજાનારી ચોથી T-20 મેચને લઇ ગઇકાલે બન્ને ટીમનું રાજકોટમાં આગમન થતાં રાજકોટ ક્રિકેટ મય બની ગયું છે. આજે દક્ષિણ આફ્રિકાની ટીમ રાજકોટની ફોર્ચ્યુન હોટલ ખાતેથી નીકળી બપોરના 1 વાગ્યે જામનગર રોડ પર આવેલા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે પહોંચી હતી અને ત્યાં નેટ પ્રેક્ટિસ કરી હતી. આ નેટ પ્રેક્ટિસ દરમિયાન દક્ષિણ આફ્રિકાની ટીમના કેપ્ટન ટેમ્બા બાઉમા, વિકેટકીપર ડિકોક, હેન્રિચ ક્લાસન સહિતના ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા નજરે પડ્યા હતા. જોકે આજે રબાડા અને મિલર પ્રેક્ટિસ કરવા માટે પહોંચ્યા નહોતા.
આગામી વર્લ્ડકપ માટે આ સિરીઝ મહત્ત્વની છે: બોલર એન્રિચ નોરજે
દક્ષિણ આફ્રિકાના બોલર એન્રિચ નોરજે દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે ભારત સામેની આ સિરીઝ અમારા માટે મહત્ત્વપૂર્ણ છે. આગામી વર્લ્ડકપ માટે પણ આ સિરીઝ ખૂબ મહત્ત્વ ધરાવે છે, માટે અમે આ સિરીઝ જીતવા માટે પૂરો પ્રયત્ન કરીશું. હાલ અમારી ટીમના દરેક ખેલાડી સારા ફોર્મમાં છે. આવતીકાલે સવારે પિચ અને વાતવરણ જોઇને ટી મીટિંગમાં ચર્ચાઓ કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયા સામેની મેચ પણ હું રમ્યો હતો, ત્યાંની પરિસ્થિતિ અને પિચ અહીં કરતાં અલગ છે. ડ્રાય પિચમાં પર્ફોર્મ કેવી રીતે કરવું એ માટે કોચનું માર્ગદર્શન મેળવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આવતીકાની મેચમાં તેઓ હવે 4-1થી સિરીઝ જીતવા માટે મેદાને ઊતરશે એવું પણ તેમને આખરી જવાબમાં જણાવ્યું હતું.
ત્રણ દિવસ મધ્યમ વરસાદની આગાહી
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી બપોર બાદ સતત વરસાદ પડી રહ્યો હોવાથી ક્રિકેટરોની નેટ પ્રેક્ટિસ ઉપરાંત T-20 મેચ પર પણ વરસાદનું જોખમ ઝળૂંબી રહ્યું છે. હવામાન ખાતાએ પણ આગામી ત્રણ દિવસ મધ્યમ વરસાદની આગાહી કરી છે, તેથી હવે જો વરસાદનું વિઘ્ન નડે નહીં તો દર્શકોને ચોગ્ગા-છગ્ગાનો વરસાદ જોવા મળી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.