• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Before The Injection Corona Used In Mucorrhosis, Barely 5 Were Sold Daily In Rajkot, Now Even 5 Thousand Are Not Enough Daily.

ભાસ્કર ઓરિજિનલ:રાજકોટમાં મ્યુકરમાઇકોસિસમાં વપરાતા ઈન્જેક્શન કોરોના પહેલાં રોજના માંડ 5 વેચાતા, હવે દૈનિક 5 હજાર પણ પૂરા પડતા નથી

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • રાજકોટને પૂરતા પ્રમાણમાં ઇન્જેક્શન નહીં મળતા દર્દીના સ્વજનોએ દિલ્હી, મુંબઈ, સુરતથી ઈન્જેક્શન મગાવવા હેરાન થવું પડે છે
  • મોટા મેડિકલ સ્ટોરમાં રોજના 100 દર્દીઓના સગા ઈન્જેક્શન લેવા માટે આવી રહ્યા છે પણ ખાલી હાથે જાય છે
  • એન્ટિફંગલ ઇન્જેક્શન - દર્દીને સારવાાર દરમિયાન 60 થી 120 ડોઝ લાગી શકે, 7 લાખથી 12 લાખ સુધીનો ખર્ચ થાય છે

રાજકોટમાં કોરોના બાદ હવે મ્યુકરમાઈકોસિસના કેસમાં વધારો થયો છે. હાલ અત્યારે માત્ર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જ 350થી વધુ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં પણ તેટલા દર્દીઓ દાખલ હોવાનો અંદાજ છે. સિવિલમાં ઓપરેશન માટે વેઈટિંગ વધવાથી ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ કારણે મ્યુકરમાઈકોસિસ માટે વપરાતા એન્ટિફંગલ ઈન્જેક્શનની ભારે માંગ વધતા અછત ઊભી થઈ છે.

કોરોના પહેલા રાજકોટમાં રોજના માત્ર 5 એમ્ફોટેરિસિન ઈન્જેક્શન વેચાતા હતા તેના બદલે અત્યારે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે રોજના 5 હજાર ઈન્જેક્શન આવે તો પણ પૂરા થતા નથી. સ્થાનિક દર્દીઓને રાજકોટમાંથી ઈન્જેક્શન મળતા નથી એટલે તેઓને મુંબઈ, અમદાવાદ, વડોદરાથી મગાવવા માટે પરેશાન થવું પડી રહ્યું છે ત્યાં પણ અનેક પ્રયાસો બાદ પૂરતા પ્રમાણમાં ઈન્જેક્શન મળતા નથી. મેડિકલ સ્ટોર સંચાલક કપિલ ભીમાણી કહે છે કે, રાજકોટમાં એક મેડિકલમાં રોજ 100 દર્દીના સગા ઈન્જેક્શન લેવા માટે જાય છે પરંતુ તેને ખાલી હાથે જવું પડે છે. માત્ર રાજકોટ શહેર જ નહીં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ હેરાન થઇ રહ્યા છે.

60થી 120 ઇન્જેક્શનની જરૂર પડે છે
એન્ટિફંગલ તરીકે મ્યુકરમાઈકોસિસ સામે લડવા એમ્ફોટેરિસિન બી અને લાઇપોસોમાલ ઇન્જેક્શનનો વપરાશ વધુ છે જેની કિંમત 6500 થી લઈને 7 હજાર સુધીની છે. જ્યારે અમુક ઈન્જેક્શન 1500માં પણ મળે છે. દર્દીને તેની સ્થિતિ મુજબનો ડોઝ અપાય છે અને પૂરી સારવારમાં 60 થી લઈને 120 ઈન્જેક્શનની જરૂરિયાત પડે છે જેથી દર્દીને કોર્સ પૂરો કરવામાં રૂપિયા 7 લાખથી લઇને 12 લાખ સુધીનો ખર્ચ થાય છે.

કિસ્સો - દર્દીને દિલ્હી અને મુંબઈથી ઈન્જેક્શન મગાવવા પડ્યા
રાજકોટમાં રહેતા જયંતીભાઇ પાનસુરિયા નામના દર્દીને ઈન્જેક્શનની જરૂરિયાત પડી. રાજકોટમાં દરેક મેડિકલ સ્ટોરમાં ધક્કા ખાધા આમ છતાં તેને ક્યાંયથી ઈન્જેક્શનના મળ્યું. હેરાનગતિ બાદ દિલ્હીથી 40, મુંબઇથી 60 ઇન્જેક્શન મળ્યા. 15 દિવસની હેરાનગતિ બાદ તેને ઈન્જેક્શન મળ્યો હતો.

દર્દીઓના સગાઓને રઝળપાટ કરવી પડે છે
દર્દીઓના સગા ઈન્જેક્શન મેળવવા માટે આખો દિવસ રઝળપાટ કરે છે. અડધી રાત્રે પણ ઈન્જેક્શન મળશે કે નહિ તેના ફોન આવે છે. છેલ્લે 11 મેના રોજ જથ્થો આવ્યો હતો. ત્યારબાદ કોઇ નવો સ્ટોક મળ્યો નથી. વિતરણ વ્યવસ્થામાં તંત્ર નબળું પુરવાર થયું છે. - છગન કથીરિયા, કારોબારી મેમ્બર, રાજકોટ ડ્રગિસ્ટ કેમિસ્ટ એસોસિએશન

​​​​​​​400 ઇન્જેક્શન મળ્યા હતા પછી જથ્થો મળ્યો જ નથી
મ્યુકરમાઈકોસિસની સારવારમાં ઉપયોગી ઈન્જેક્શન ફાળવવામાં રાજકોટને અન્યાય થઈ રહ્યો છે.આજથી ત્રણ દિવસ ચારસો ઈન્જેક્શન આવ્યા હતા. ત્યારપછી કોઈ જથ્થો મળ્યો જ નથી. રેમડેસિવિર કરતા પણ મ્યુકરમાઈકોસિસના ઈન્જેક્શનની અછત છે. - અનિમેષ દેસાઈ, સેક્રેટરી સૌરાષ્ટ્ર-કચ્છ કેમિસ્ટ એસોસિએશન

અન્ય સમાચારો પણ છે...