ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. તમામ પક્ષો રેલીઓ અને સભા ગજાવી રહ્યા છે. ભારતીય જનાતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષો રાજ્યમાં તાબડતોડ તૈયારીઓ કરી રેલીઓ યોજી રહ્યા છે. ત્યારે 10 મેના રોજ કોંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દાહોદમાં આદિવાસી અધિકાર સત્યાગ્રહનો પ્રારંભ કરાવશે. જ્યારે તા.11મેના રોજ રાજકોટમાં અરવિંદ કેજરીવાલ જાહેર સભા ગજવશે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ રાજકોટના આટકોટ ગામે આવી રહ્યા છે. તેઓ અહીં કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું સવારના 10.30 વાગ્યે લોકાર્પણ કરશે. પાટીદાર ટ્રસ્ટ તરફથી 200 બેડની હોસ્પિટલ શરૂ કરાશે.
મોદીને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું
28 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી રાજકોટમાં પાટીદાર ગ્લોબલ હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. રાજકોટ નજીક આટકોટના કાર્યક્રમમાં હાજર રહેશે. કારણ કે, આ કાર્યક્રમની વિગતો વડાપ્રધાન કાર્યાલયે કલેક્ટર કચેરી પાસેથી માગવામાં આવી હતી. 40 કરોડના ખર્ચે નિર્માણ થયેલી પાટીદાર ગ્લોબલ હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
કોંગ્રેસે આદિવાસી અધિકાર સત્યાગ્રહનું આયોજન કર્યું
આ બાજુ, રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીના આગમનને પગલે કોંગ્રેસે આદિવાસી અધિકાર સત્યાગ્રહનું આયોજન કર્યું છે. દાહોદ ખાતે 10 મેએ આદિવાસી અધિકાર સત્યાગ્રહ સભાનું સંબોધન કરી રાહુલ ગાંધી કાર્યકરોમાં જોમ-જુસ્સો ભરશે. સાથે સાથે ચૂંટણીનું બ્યુગલ ફૂંકશે. દાહોદના નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના મેદાનમાં આદિવાસી સત્યાગ્રહ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
કેજરીવાલે સૌરાષ્ટ્ર તરફ નજર માંડી
ગુજરાત કોંગ્રેસે દાવો કર્યો છે કે, દાહોદ, પંચમહાલ, મહીસાગર સહિત અન્ય જિલ્લામાંથી દોઢ લાખથી વધુ કાર્યકરો આદિવાસી સત્યાગ્રહ સભામાં આવે તેવી શક્યતા છે. આપ પણ ચૂંટણીને પગલે સક્રિય થયું છે કેજરીવાલે સૌરાષ્ટ્ર તરફ નજર માંડી છે. આ જ સપ્તાહમાં કેજરીવાલે ભારતીય ટ્રાઇબલ પાર્ટી અમેરિકા સાથે જોડાણ કરી આદિવાસી વિસ્તાર ભરૂચમાં સભાને સંબોધિત કરી હતી હવે ફરી એકવાર કેજરીવાલ રાજકોટ આવ્યા છે.
કેજરીવાલ શાસ્ત્રીમેદાન ખાતે જાહેર સભા ગજવશે
11મેએ રાજકોટમાં અરવિંદ કેજરીવાલ શાસ્ત્રીમેદાન ખાતે જાહેર સભા ગજવશે. કેજરીવાલ પણ સૌરાષ્ટ્રમાં ચૂંટણીનો પ્રચારનું રણશિંગુ ફૂંકવા માંગે છે.મહત્વનું છે કે, કેજરીવાલની હાજરીમાં કોંગ્રેસ- ભાજપના કેટલાક નેતાઓ આપમાં જોડાય તેવી રાજકીય હલચલ જોવા મળી રહી છે. આમ વિધાનસભાની ચૂંટણીઓ નિર્ધારિત સમય થવા જઈ રહી છે તેમ છતાં પણ ગુજરાતમાં ધીરે ધીરે ચૂંટણીનો માહોલ ઊભો થઈ રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.