વિધાનસભાના સત્ર પહેલાં BJPનું 'ઓપરેશન રાજકોટ’:કોંગ્રેસ તોડકાંડનો હોબાળો કરે એ પહેલાં CPની બદલીથી ભાજપે ખેલ પાડ્યો, વિપક્ષ ફાવે નહીં એ માટે ડેમેજ કંટ્રોલ કર્યું

રાજકોટ7 મહિનો પહેલા
  • કોંગ્રેસ વિધાનસભા સત્રમાં તોડકાંડના મુદ્દાને લઇ હોબાળો કરવાના મૂડમાં હતી
  • ભાજપના જ MLAએ લેટરબોમ્બ ફોડતાં પાર્ટી ફિક્સમાં મુકાઈ ગઈ હતી

રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફરિયાદી પાસેથી 75 લાખનો ‘તોડ’ કરી લેવાયો છે અને એમાં પોલીસ કમિશનરનો પણ હાથ છે એવો આક્ષેપ કરતો લેટરબોમ્બ ફોડીને ખળભળાટ મચાવી દીધો હતો. આ મામલે ભાજપના જ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા અને મંત્રી અરવિંદ રૈયાણીએ પણ ઝંપલાવ્યું હતું. શાસક પક્ષના દિગ્ગજ નેતાઓ આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા હતા અને બરાબર વિધાનસભાનું સત્ર પણ આવી રહ્યું હોવાથી કોંગ્રેસને ‘તોડકાંડ’ના રૂપમાં હથિયાર ન મળી જાય એ માટે ભાજપે ‘ઓપરેશન રાજકોટ’ને પાર પાડી દીધું છે. આ કાંડમાં પગલાં લેવાશે એવાં એંધાણ તો પહેલાંથી જ મળી રહ્યાં હતાં, પરંતુ આટલાં આકરાં પગલાં લેવાશે એની કોઈને કલ્પના પણ નહોતી.

સત્ર મળે એ પહેલાં ભાજપે ડેમેજ કંટ્રોલ કરી લીધું
જ્યારે કોઈ પક્ષના જ મંત્રી, સાંસદ અને ધારાસભ્ય તપાસની માગણી કરી રહ્યા હોય ત્યારે સજ્જડ કાર્યવાહી કરવા માટે ભાજપ પણ ‘ફિક્સ’માં મુકાઈ ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી બાજુ, વિધાનસભા સત્રને પણ બે દિવસનો સમય બાકી રહ્યો છે, પરંતુ સત્ર મળે એ પહેલાં જ ભાજપે ડેમેજ કંટ્રોલ કરી લીધાનું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે. સરકાર દ્વારા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં બદલી કરી નાખી છે તો ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન PI વી.કે. ગઢવી કે જે હાલ વડોદરા પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં છે. ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન PSI (હાલ અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમ) એસ.વી.સાખરા અને PIના રાઈટર યોગેન્દ્રસિંહ રાણાને સસ્પેન્ડ કરી દીધા છે.

ACBએ ઝંપલાવ્યું હોવાથી ચારેયની મુશ્કેલી વધશે
હવે આ મામલે એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ પણ ઝંપલાવ્યું હોવાથી આ ચારેયની મુશ્કેલી વધશે એમાં શંકાને કોઈ સ્થાન નથી. ACB દ્વારા હવે આ ચારેય અધિકારી અને કર્મચારી પાસે કેટલી સંપત્તિ છે એની બારિકાઈથી તપાસ કરવામાં આવશે. એટલા માટે ધારણા બહારની કાર્યવાહી થાય તેવી પણ સંભાવના નકારી શકાતી નથી.

PI, PSI અને રાઇટરને સસ્પેન્ડ સિવાય સરકાર પાસે રસ્તો નહોતો
સૌથી મહત્ત્વનો સવાલ એ ઊઠ્યો છે કે PI, PSI અને રાઈટર પર શા માટે સસ્પેન્ડની તલવાર ફેરવી દેવામાં આવી છે? આ પાછળનું મુખ્ય કારણ એ ગણવામાં આવી રહ્યું છે કે કરોડો રૂપિયાની છેતરપિંડીનો બનાવ બની ગયો હોવા છતાં તેની ફરિયાદ લેવાને બદલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ‘ઓનેઓન’ અરજીના આધારે કાર્યવાહી કરવાનું ડીંડવાણું કરવામાં આવ્યું અને અરજીના આધારે જ ફરિયાદી પાસેથી ‘તોડ’ પણ કરી લેવામાં આવ્યો. આ અંગે એક નહીં, પરંતુ અનેક પુરાવા મળી જતાં સરકાર પાસે આ ત્રણેયને સસ્પેન્ડ કરવા સિવાયનો કોઈ જ રસ્તો બચતો નહોતો.

PI ગઢવી, PSI સાખરા, રાઈટર યોગેન્દ્રસિંહને જિલ્લો નહીં છોડવા આદેશ
સરકારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન PI વી.કે. ગઢવી, PSI એસ.વી. સાખરા અને રાઈટર યોગેન્દ્રસિંહ રાણાને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે, સાથોસાથ આ ત્રણેયને પોતપોતાના જિલ્લા નહીં છોડવા પણ આદેશ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્યારે વી.કે. ગઢવી વડોદરા, સાખરા અમદાવાદ અને યોગેન્દ્રસિંહ રાણા રાજકોટમાં છે ત્યારે તેમણે ત્યાં જ રહેવું પડશે.

અત્યારસુધી રાજકોટના CP વડોદરા, સુરત અને ગાંધીનગર જ બદલી થતા
રાજકોટના પોલીસ કમિશનર તરીકે કાર્યરત રહેનારા અત્યારસુધીના તમામ અધિકારીને ‘ઈનામરૂપી’ બદલી જ મળતી હતી અને ખાસ કરીને અહીં કામગીરી કરનાર અધિકારી વડોદરા, સુરત અથવા ગાંધીનગરમાં સારુંએવું પોસ્ટિંગ મેળવતા હતા, પરંતુ તત્કાલીન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં મૂકવામાં આવ્યા છે, જેને સજા સિવાય બીજું કશું ગણી શકાય તેમ નથી.

રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની જૂનાગઢમાં બદલી કરાઈ.
રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની જૂનાગઢમાં બદલી કરાઈ.

અમદાવાદ જ બદલી થશે એવું અગ્રવાલે માની લીધું હતું
પોલીસ કમિશનર તરીકે રાજકોટમાં સાડાત્રણ વર્ષ સુધી કાર્યરત રહેનાર મનોજ અગ્રવાલની બદલી તોળાઈ રહી હતી અને તેઓ સંભવિત અમદાવાદ અથવા ગાંધીનગર જશે એવી અટકળો વહેતી થઈ હતી. આ માટે તેમણે અમદાવાદમાં બંગલાનું રિનોવેશન પણ શરૂ કરી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે હવે તેઓ જૂનાગઢ બદલી થયા છે ત્યારે તેમણે ત્યાં જ રહેવાનું હોવાથી રિનોવેશન ઠેરનું ઠેર રહી જવા પામશે.

અગ્રવાલનાં બે વર્ષ ટનાટન રહ્યાં અને દોઢ વર્ષમાં થયા અનેક વિવાદ
17 જુલાઈ-2018ના રોજ રાજકોટના પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતનું સ્થાન મેળવનાર ગૃહ વિભાગના અગ્રસચિવ મનોજ અગ્રવાલે સાડાત્રણ વર્ષ સુધી પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી હતી. તેમણે ચાર્જ સંભાળ્યાનાં બે વર્ષ ‘ટનાટન’ મતલબ કે શ્રેષ્ઠ રહ્યાં હતાં, પરંતુ પાછલા દોઢ વર્ષમાં અનેક વિવાદો થયા હતા, જેને લઈને પોલીસની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા હતા. બરાબર તેવા સમયે જ 75 લાખ જેવો મસમોટો તોડકાંડ પ્રકાશમાં આવતાં અંતે તેમણે સજારૂપી બદલી સાથે જૂનાગઢ જવું પડ્યું છે.

મંત્રી અરવિંદ રૈયાણી (ડાબી બાજુ) અને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા (જમણી બાજુ)એ ગોવિંદ પટેલને સમર્થન આપ્યું હતું.
મંત્રી અરવિંદ રૈયાણી (ડાબી બાજુ) અને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા (જમણી બાજુ)એ ગોવિંદ પટેલને સમર્થન આપ્યું હતું.

સૌરાષ્ટ્ર-કચ્છે 2017ની ચૂંટણીમાં ભાજપે 16 બેઠક ગુમાવી હતી
સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ 12 જિલ્લાનો સમાવેશ થાય છે. 12 જિલ્લામાં કુલ 53 બેઠક છે, જેમાં 2012માં વિધાનસભાની ચૂંટણીમાં 53માંથી ભાજપને 39, કોંગ્રેસને 13 અને NCPનો 1 બેઠક પર વિજય થયો હતો. જ્યારે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 53માંથી ભાજપે 23 અને કોંગ્રેસનો 30 બેઠક પર વિજય થયો હતો. આથી 2012ની તુલનાએ 2017માં ભાજપને સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટો ફટકો પડ્યો હતો અને 16 બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો. આ બેઠક 2022ની ચૂંટણીમાં સરભર કરવા ભાજપ એડીચોટનું જોર લગાવી રહ્યું છે.

રાજકોટ ભાજપમાં બે રૂપાણી જૂથ અને ગોવિંદ પટેલ જૂથ સક્રિય.
રાજકોટ ભાજપમાં બે રૂપાણી જૂથ અને ગોવિંદ પટેલ જૂથ સક્રિય.

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપમાં અને કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપ અને કોંગ્રેસમાં બંને પક્ષમાં આંતરિક જૂથવાદ ચાલી રહ્યો છે. રાજકોટમાં જ ભાજપનાં બે જૂથ સક્રિય થયાં છે, જેમાં એક પૂર્મ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અને બીજું લેટરબોમ્બ ફોડનાર ધારાસભ્ય ગોવિંદ પટેલનું. વિજય રૂપાણી સાથે નીતિન ભારદ્વાજ, સિનિયર નેતા વજુભાઈ વાળા છે તો ગોવિંદ પટેલ સાથે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા અને મંત્રી અરવિંદ રૈયાણી છે. બીજી તરફ ગ્રામ્યમાં જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા વચ્ચે આંતરિક જૂથવાદ ચાલી રહ્યાનું જાણવા મળે છે. કોંગ્રેસની વાત કરીએ તો એક સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા તરીકે ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સક્રિય હતા, પરંતુ આંતરિક જૂથવાદને કારણે તેઓ હાલ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા જ છે પણ સક્રિય નથી.

અન્ય સમાચારો પણ છે...