અત્યાચાર:લગ્ન પૂર્વે પરિણીતાને અભ્યાસની છૂટ આપી હતી, હવે પરીક્ષા ન દેવા દઇ સાસરિયાઓએ માર માર્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજકોટની પરિણીતા ફાર્માસિસ્ટ થવા 12 સાયન્સ કરતી’તી, ભાવનગર સ્થિત પતિ સહિતના સામે ફરિયાદ

ઘરેલુ હિંસાના વધી રહેલા બનાવો વચ્ચે વધુ એક બનાવમાં ઉચ્ચ અભ્યાસ કરનાર પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓએ ત્રાસ આપી મારતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. રાજકોટના મિલપરા-3માં માવતરે છેલ્લા ચાર મહિનાથી રહેતી ધરતી નામની પરિણીતાએ ભાવનગરના વાઘાવાડી રોડ પર રહેતા પતિ રાહુલ, સસરા ગિરીશભાઇ અમુલખરાય ગાંધી, સાસુ કુંદનબેન, નણંદ અમીબેન હિમેશકુમાર શાહ સામે ફરિયાદ નોંધાવી છે.

એમ.કોમ.સુધીનો અભ્યાસ કરનાર ધરતીએ નોંધાવેલી ફરિયાદમાં તેના લગ્ન 25-11-2020ના રોજ રાહુલ સાથે થયા હતા. લગ્નના ચાર મહિના બાદ જ યેનકેન પ્રકારે સાસરિયાઓએ શારીરિક માનસિક ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું. પતિ પણ ઝઘડો કરી પોતાના પર હાથ ઉપાડી લેતા હતા. પોતાને ફાર્માસિસ્ટ થવું હોય તેના માટે સાયન્સનો અભ્યાસ જરૂરી હોવાથી મેં એક્સટર્નલમાં ધો.12 સાયન્સનો અભ્યાસ લગ્ન પૂર્વે જ ચાલુ કર્યો હતો.

જેથી અભ્યાસ પૂરો કરવા માટે લગ્ન સમયે જ પતિ અને સાસરિયાઓએ અભ્યાસ કરવાની છૂટ આપી હતી. દરમિયાન કોરોનાને કારણે પરીક્ષા લેવાઇ ન હતી. ત્યારે લગ્ન બાદ પરીક્ષાની તારીખ આવતા મેં પતિને પરીક્ષા દેવા જવાની વાત કરી હતી.

જેથી પતિ રાહુલે પોતાને પરીક્ષા દેવા ન જવા દઇ ઉપરથી ઝઘડો કરી માર માર્યો હતો. ત્યાર બાદ પતિ સહિતના સાસરિયાઓ પોતાને પિયરમાં વાત કરવા પણ ન દેતા હતા. જ્યારે વાત કરું ત્યારે મોબાઇલનું સ્પીકર ચાલુ રખાવી વાત કરવા દેતા હતા.

સાસુ-સસરા, નણંદ માનસિક ટોર્ચરની સાથે કરિયાવર મુદ્દે પણ મેણાં મારતા હતા અને સાસુ-સસરા પતિને ચડામણી કરી પોતાને માર ખવડાવતા હતા. સાસરિયાઓનો ત્રાસ વધી જતા મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. ત્યાર બાદ ભાઇ ભાવનગર આવી પોતાને રાજકોટ લઇ ગયા હતા.

તુ કેસ કેમ કરે છે હુ જોઇ લઇશ કહી નણંદ દબાવતા હોવાનો આક્ષેપ
ચાર-ચાર મહિના થવા છતાં પતિ કે સાસરિયાઓએ ફોન કે કોઇ દરકાર નહિ કરતા અંતે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. નણંદ અમીબેને વકીલાતનો અભ્યાસ કર્યો હોય તું કેમ કેસ કરે છે હું જોઇ લઇશ તેમ કહી દબાવતા હોવાનો પણ ધરતીએ પોલીસ સમક્ષ આક્ષેપ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...