દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે રાજકોટના એક દિવસીય પ્રવાસે છે. ત્યારે આ મુદ્દે આપ નેતા ઈસુદાન ગઢવીએ ભાજપ પર આક્ષેપ કરતા મીડિયાને જણાવ્યું હતું કે, ભાજપની સરકારે 27 વર્ષમાં 6 હજાર સ્કૂલો બંધ કરી છે, પેટ્રોલના ભાવ આસમાને પહોંચાડ્યા છે.
મોંઘવારી કે બેરોજગારી ઘટી નથી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર સતા પર છે પણ તેનાથી મોંઘવારી કે બેરોજગારી ઘટી નથી. તેથી હવે એક મોકો આમ આદમી પાર્ટીને પણ મળવો જોઈએ.એટલે જ અમે ભાજપમાં ગૂંગળામણ અનુભવતા અને કોંગ્રેસથી કંટાળેલા નેતાઓને આજે 'આપ'માં જોડાવવા આમંત્રણ આપ્યું છે. આમ પણ આજે રાજકોટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સભા સાંબોધશે. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી આપના અગ્રણી અને કાર્યકરો ઉપસ્થિત રહેશે.
શાસ્ત્રી મેદાન ખાતે સભા સંબોધશે
તેમના કાર્યક્રમની વાત કરતા વધુમાં જણાવ્યું હતું કે, આજે અરવિંદ કેજરીવાલ દિલ્હીથી રાજકોટ એરપોર્ટ પર 02:30 કલાકે પહોંચશે અને આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટથી હોટેલ ઇમ્પીરીયલ ખાતે અરવિંદ કેજરીવાલ પહોંચશે. જેમાં પહેલા હોટલ ઇમ્પીરિયલ ખાતે સામાજિક અને રાજકીય આગેવાનો સાથે મહત્વની બેઠક યોજશે.અને સાંજે 5:00 વાગ્યે પત્રકાર પરિષદ સંબોધશે. 06:00 થી 6:30 વાગ્યે શહેરના શાસ્ત્રી મેદાન ખાતે સભા સંબોધશે. સભા પૂર્ણ થયા બાદ હોટેલ ઇમ્પીરીયલ ખાતે ફરી આવશે. રાત્રી રોકાણ રાજકોટમાં કર્યા બાદ 12 તારીખે સવારે રાજકોટ એરપોર્ટથી ફરી દિલ્હી જવા રવાના થશે.
આજની સભા પર ગુજરાતના નેતાઓની નજર રહેશે
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાષ્ટ્રીય નેતાઓ પણ રાજકોટ ભણી દોટ મુકવા લાગ્યા છે. ગઈકાલે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ દાહોદમાં સભા ગજવ્યા બાદ આજે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ રાજકોટ આવી રહ્યા છે. કેજરીવાલ પહેલી વખત રાજકોટ આવી રહ્યા હોવાથી તેમને આવકારવા માટે કાર્યકરો તડામાર તૈયારી પણ કરી રહ્યા છે.આજે અરવિંદ કેજરીવાલની સભા ઉપર આખા ગુજરાતના રાજકીય નેતાઓની નજર રહેશે કેમ કે તેમની સભાને શક્તિ પ્રદર્શનની દૃષ્ટિએ પણ જોવામાં આવી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.