વ્યાપાર:દિવાળી પહેલા સૌરાષ્ટ્રના 5 લાખ ખેડૂત પાસે રૂ. 2500 કરોડ રોકડા આવશે, નવરાત્રી પછી ધૂમ ખરીદી નીકળશે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • બેડી યાર્ડના ચેરમેન ડી.કે.સખિયાએ દિવાળી પહેલા સૌરાષ્ટ્રના ખેડૂતોને થનારી આવક, નુકસાનનો અંદાજ કાઢ્યો
  • મગફળી અને કપાસ ખેડૂતો માટે કમાઉ દીકરા સાબિત થશે, ખેડૂતોને રવી પાકમાં પણ સારું વળતર મળશે
  • ખેડૂતો પાસે પૈસા આવશે તો આ તમામ ક્ષેત્રની આર્થિક ભીંસ દૂર થવાની સંભાવના

આગોતરા વાવેતરની મગફળી આવી રહી છે. અત્યારથી મગફળીની મબલખ આવક છે. જે નોરતા પછી તેની આવકમાં વધારો થશે. સૌરાષ્ટ્રના ખેડૂતો માટે મગફળી અને કપાસ એ કમાઉ દીકરા સાબિત થશે. એકદંરે જોવા જોઈએ તો સૌરાષ્ટ્રમાં 5 લાખ ખેડૂતો છે અને એક ખેડૂતના હાથમાં રૂ. 50 હજાર આવશે. આમ,દિવાળી પહેલા સૌરાષ્ટ્રના ખેડૂતોના હાથમાં રૂ. 2500 કરોડ રોકડા આવશે. તેમ બેડી યાર્ડના ચેરમેન ડી.કે.સખિયા જણાવે છે. ખેડૂતોના હાથમાં પૈસા આવશે તો કપડાં બજારથી લઇને સોનીબજારમાં ખરીદી નીકળશે. વેપારીઓના અનુમાન મુજબ નવરાત્રી પછી બજારમાં ધૂમ ખરીદી નીકળશે. જો કે, સૌરાષ્ટ્રમાં ચોમાસાનો વરસાદ 150 ટકા રહ્યો.તેનાથી અનાજ, કઠોળ અને તલના પાકને નુકસાન ગયું છે. ખેડૂતોને મગફળીના રૂ. 750 થી લઈને રૂ. 1000 સુધીના ભાવ મળશે.જ્યારે કપાસના ભાવ રૂ. 800 થી લઈને રૂ. 1000 સુધી મળશે. સૌરાષ્ટ્રમાં 56 યાર્ડ આવેલા છે. એકલા માત્ર બેડી યાર્ડનું રોજનું રૂ.10 કરોડનું ટર્નઅોવર છે.

રિઅલ એસ્ટેટઃ દોઢ માસમાં 500 કરોડના સોદા થયા, આખું વર્ષ સારું જશે, રોકડ ફરતી થશે
મગફળીની મબલખ આવક થઇ છે.ખેતીનું ચિત્ર ઊજળું છે એટલે આખું વર્ષ સારું જશે. જેમ જેમ ખેતપેદાશનું વેચાણ થતાની સાથે જ માર્કેટમાં ખરીદી નીકળે છે. રિઅલ એસ્ટેટમાં છેલ્લા દોઢ માસમાં 500 કરોડથી વધુ રકમના સોદા થયા છે. નવરાત્રી અને દિવાળીમાં હજુ આ રકમ ડબલ થવાની સંભાવના છે. જેથી અન્ય લોકોને રોજીરોટી મળતી થશે. > હિતેષ બગડાઈ, પૂર્વ પ્રુમખ રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન

સોનું-ચાંદીઃ ગામડાંઓમાંથી ખરીદી વધશે, તેજી આવશે
શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારના લોકો સોનાની ખરીદી વધુ કરે છે. ભાવ ઊંચકાવાથી અને કોરોનાને હિસાબે ત્રણ મહિના બજાર ડાઉન રહી, પરંતુ હવે ધીમે ધીમે ખરીદી નીકળી રહી છે. બજારમાં રોકડ ફરતી થશે એટલે આ રકમ સોનાની ખરીદીમાં ડાઇર્વટ થશે. > મેહુલ લોઢિયા, સોની વેપારી

ઈલેક્ટ્રોનિક્સઃ ગત વર્ષ કરતા માર્કેટ 10 ટકા ગ્રોથ કરશે, તહેવારો પર ખરીદી વધશે
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે માર્કેટ 10 ટકા ગ્રોથ કરશે. આ માટે નવરાત્રી, દિવાળી, લગ્ન સિઝન એ મહત્ત્વના પરિબળ સાબિત થશે. લોકડાઉન પછી ઈલેક્ટ્રોનિક માર્કેટમાં ખરીદી સતત ચાલુ જ છે અને તહેવારની સિઝનમાં આ ખરીદી વધવાની શક્યતા છે. સૌથી વધુ ડિમાન્ડ ફ્રીઝ, એલઈડી ટીવી, વોશિંગ મશીનની રહેશે. > રવજીભાઈ રામોલિયા, ટીવી એપ્લાયન્સ ટ્રેડર્સ એસોસિએશન

  • દિવાળી પછી લોકો ફરવા નથી જઈ શકવાના, હાલ હોટેલમાં જમવાના ખર્ચા બંધ થયા છે. આ બધી રકમ ખરીદીમાં ડાઇવર્ટ થશે
  • કપડાં માર્કેટમાં ખરીદી કોરોના પછી થઇ નથી. હોલસેલર માર્કેટમાં હાલ થોડા ઘણા ઓર્ડર બુક થઇ રહ્યા છે. એટલે લોકો દિવાળીમાં કપડાંની ખરીદી કરશે તેવો વેપારીઓને અંદાજ છે
  • નવરાત્રી અને દિવાળી માટે ઈલેક્ટ્રોનિક માર્કેટમાં અત્યારથી જ ઈન્કવાયરી આવી રહી છે
  • કોરોના પછી રિઅલ એસ્ટેટમાં એન.આર.અાઈ. લોકો સૌરાષ્ટ્રમાં પોતાનું રોકાણ કરે તેવી શક્યતા છે
  • ઉદ્યોગમાં એક્સપોર્ટના ઓર્ડર નીકળ્યા છે. કેટલાક એકમો 24 કલાક ચાલે છે. સમયસર ઓર્ડર પૂરા કરી શકાય, મજુરોનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે તેઓને ડબલ મહેનતાણું ચૂકવાય છે
  • વર્ક ફ્રોમ હોમનું કલ્ચર શરૂ થયું, ઘરમાં જ વધુ સ્પેસ મળે તેવો લોકો આગ્રહ રાખે છે તેથી લોકો પોતાનું બજેટ વધારી રહ્યા છે
અન્ય સમાચારો પણ છે...