‘આરોગ્ય’ નહીં, ‘અયોગ્ય’ વિભાગ:રાજકોટમાં દર્દીઓ બેડ અને ઓક્સિજન માટે અહીંથી તહીં ભટકે છે, 'ને ત્યાં રેમડેસિવિરનો સપ્લાય પણ ઘટાડી દેવાયો

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દૈનિક 4000 ઈન્જેક્શનની જરૂરિયાત સામે પહેલા 2000 અને હવે 1500 જ અપાય છે

રાજકોટમાં કોરોનાના કેસ વધતા રેમડેસિવિર ઈન્જેક્શનની માંગ વધી છે પણ આ માંગ મુજબ જથ્થો વધારવાને બદલે તેમાં આરોગ્ય વિભાગે ઘટાડો લાવી દીધો છે. રાજકોટને પહેલા 2000 ઈન્જેક્શન પ્રતિ દિવસ અપાતા હતા તેના બદલે હવે 1000થી 1500ની વચ્ચે માંડ અપાય છે. બીજી તરફ ઈન્જેક્શનની માંગ દૈનિક 4000 ડોઝ છે જેથી ભયંકર અછત રહે છે. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના જણાવ્યા અનુસાર રેમડેસિવિરનો જથ્થો તો એટલો જ આવી રહ્યો છે પણ તેની માંગમાં વધારો થતા અછત ઊભી થઈ છે. હાલ દૈનિક 4000થી વધુ ઈન્જેક્શનની માંગ આવી રહી છે તેની સામે 1500 ડોઝ આવી રહ્યા છે.

દર્દીઓના સગાને મેનેજ કરવાનું કહે છે
આ માંગ હજુ વધી રહી છે. રાજકોટમાં પહેલા જથ્થો 2000 ડોઝનો હતો તો હવે કેમ ઘટાડીને 1500 કરી દેવાયો તે મામલે કલેક્ટરે જણાવ્યું હતું કે, હાલ જે રાજ્યને જથ્થો આવી રહ્યો છે તે મુજબ વિતરણ કરાઈ રહ્યું છે. આ બધી વાત વચ્ચે હકીકત એ જ સામે આવે છે કે રેમડેસિવિરની હજુ પણ અછત જ છે અને ઘણી વખત તબીબો દર્દીઓના સ્વજનોને ‘જથ્થો નથી આપતા, તમારી રીતે મેનેજ કરી લ્યો’ તેવું કહી દેતા કુંડલિયા કોલેજમાં રેમડેસિવિર માટે કતારો લાગે છે.

જથ્થો ખૂટતા ખાનગી હોસ્પિટલના દર્દીઓ રહી જાય છે
હાલ જે જથ્થો અપાય છે તેમાંથી સિવિલ અને સમરસ હોસ્પિટલ બાદ કરતા 500થી 700 ઇન્જેક્શન જ વધે છે જે ખાનગી હોસ્પિટલને પણ પૂરતો થતો નથી અને તેથી જ હોમ આઈસોલેશનનો વારો જ આવતો નથી. કારણ કે, આ કિસ્સામાં પણ તેમને ગંભીર દર્દીઓની શ્રેણીમાં ખાનગી હોસ્પિટલ બાદમાં ગણાય છે.

જાણો કઈ રીતે રેમડેસિવિર ઈન્જેક્શન મળે છે
સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે:
સિવિલમાં દાખલ દર્દીઓને સૌથી પહેલા પ્રાથમિકતા અપાય છે કારણ કે, ત્યાં સૌથી વધુ દર્દી દાખલ છે. જથ્થો સીધો સિવિલના સ્ટોરમાં જ પહોંચે છે અને ત્યાંથી ફાળવણી નક્કી થાય છે. દાખલ દર્દીઓ કે સ્વજનોએ આ મામલે કશું કરવાનું રહેતું નથી.

હોમ આઈસોલેશનના દર્દીઓ માટે: જે પણ તબીબ પાસે હોમ આઈસોલેશનમાં સારવાર લેતા હોય તે તબીબ રિપોર્ટ અને પ્રિસ્ક્રિપ્શન હેલ્પલાઈન પર નોંધાવે ત્યારે ત્યાંથી મંજૂરી આવે છે. બાદમાં તે મંજૂરી લઈને કુંડલિયા કોલેજ સ્થિત ઈન્જેક્શન વિતરણ કેન્દ્ર પર તબીબ પોતાના કર્મચારી અથવા તો દર્દીના સગાંને ઈન્જેક્શન લેવા માટે પ્રતિનિધિ તરીકે નિમતા તેઓ ઈન્જેક્શન ત્યાંથી લઈ શકે છે.

ખાનગી હોસ્પિટલના દર્દીઓ માટે: ખાનગી હોસ્પિટલ દર્દીઓનું લિસ્ટ અને તેમના રિપોર્ટ હેલ્પલાઈન પર મોકલે અને એક્સપર્ટ કમિટી મંજૂર કરે તેટલો જથ્થો સીધો હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં પહોંચે છે સ્વજનોને ધક્કો ખાવાનો રહેતો નથી.

સમગ્ર રાજ્યમાં દૈનિક 16000 રેમડેસિવિર ઈન્જેક્શનનો જ જથ્થો આપવામાં આવે છે
રાજ્યમાં રેમડેસિવિર માટે દૈનિક 16000 ડોઝનો જ જથ્થો નક્કી કરાયો છે. આ જથ્થામાંથી જ દરેક મહાનગરપાલિકા અને જિલ્લાઓમાં વિતરણ કરવામાં આવે છે. રાજકોટમાં જે જથ્થો આવે છે તે સિવિલ હોસ્પિટલમાં આવે છે બાદમાં સિવિલ હોસ્પિટલ, ગ્રામ્ય વિસ્તારની સરકારી હોસ્પિટલ તેમજ પ્રાઈવેટ અને હોમ આઈસોલેશન એમ ત્રણ તબક્કામાં જથ્થાની વહેંચણી કરાય છે.

અન્ય સમાચારો પણ છે...