એજ્યુકેશન:B.Edની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા લેવાઇ નથી, ત્યાં ચોથા સેમના વાર્ષિક પાઠનો પરિપત્ર કર્યો

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરીક્ષાની તૈયારી કરવી કેે વાર્ષિક પાઠની તે અંગે વિદ્યાર્થીઓમાં મૂંઝવણ
  • સંભવત 23મી ડિસેમ્બરે B.Ed સેમેસ્ટર-3ની પરીક્ષા લેવાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બી.એડ.ના ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થીઓના વાર્ષિક પાઠનું આયોજન કરવા માટે તાજેતરમાં જ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે પરંતુ મહત્ત્વની બાબત એ છે કે, બી.એડ.ના સેમેસ્ટર-3ની પરીક્ષા હજુ સુધી લેવાઈ નથી ત્યાં ચોથા સેમેસ્ટરના વાર્ષિક પાઠના આયોજન કરવાની સૂચના આપવામાં આવતા વિદ્યાર્થીઓ પણ મૂંઝાયા છે કે તેઓ બી.એડ. સેમેસ્ટર-3ની પરીક્ષાની તૈયારીમાં ધ્યાન આપે કે ચોથા સેમેસ્ટરના વાર્ષિક પાઠની તૈયારીઓ કરે. યુનિવર્સિટી દ્વારા સંભવત આગામી તારીખ 23મી ડિસેમ્બરે બી.એડ. સેમેસ્ટર-3ની પરીક્ષાનું આયોજન કરાયું છે ત્યારે વિદ્યાર્થીઓ આ બંને બાબતને લઈને મૂંઝવણમાં મુકાયા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તારીખ 17 નવેમ્બરના રોજ પરિપત્ર જાહેર કર્યો છે જેમાં જણાવ્યું છે કે, શૈક્ષણિક વર્ષ 2022-23ના દ્વિતીય સત્રના બી.એડ. સેમેસ્ટર-4ના વાર્ષિક પાઠનું આયોજન તારીખ 1થી 15 ડિસેમ્બર દરમિયાન કોલેજ કક્ષાએથી કરવાનું રહેશે. યુનિવર્સિટી દ્વારા સીટ નંબર ફાળવવામાં આવે ત્યારબાદ પરીક્ષાર્થીઓના સીટનંબર ગુણપત્રકમાં દર્શાવીને ગુણપત્રક બંધ કવરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જમા કરાવવાનું રહેશે.

જોકે યુનિવર્સિટીએ બી.એડ. સેમેસ્ટર-3ની પરીક્ષા જ 23 ડિસેમ્બરે આયોજિત કરી છે એટલે કે સેમેસ્ટર-3ની પરીક્ષા પહેલા ત્રીજા સેમેસ્ટરના વિદ્યાર્થીઓએ 1થી 15 ડિસેમ્બર દરમિયાન વાર્ષિક પાઠની તૈયારીઓ કરવી પડશે. આવી પરિસ્થિતિમાં ત્રીજા સેમેસ્ટરના વિદ્યાર્થી ચોથા સેમેસ્ટરનો અભ્યાસક્રમ ભણ્યા જ નથી તે પહેલાં ચોથા સેમેસ્ટરના વાર્ષિક પાઠની તૈયારી કેવી રીતે કરી શકશે તે પણ પ્રશ્ન છે.

આ ઉપરાંત વાર્ષિક પાઠની જે તારીખો દરમિયાન આયોજન કરાયું છે ત્યારબાદ તુરંત જ સેમેસ્ટર-3ની પરીક્ષા લેવાનાર છે ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરે કે વાર્ષિક પાઠની તેને લઈને મૂંઝાયા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વિધાનસભાની ચૂંટણીને પગલે જુદા જુદા કોર્સની લેવાનારી પરીક્ષાઓના ટાઇમટેબલમાં પણ ફેરફાર કર્યો છે. કેટલીક પરીક્ષાઓ 1 ડિસેમ્બરે એટલે કે, મતદાનના દિવસે જ ગોઠવી હતી. બીએડ સેમ-3ની પરીક્ષા અગાઉ 21મી ડિસેમ્બરે લેવાનાર હતી. ત્યારબાદ હવે સંભવત: 23મી ડિસેમ્બરે બીએડના ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા લેવાનાર છે ત્યારે પરીક્ષા પહેલા ચોથા સેમેસ્ટરના વાર્ષિક પાઠનું આયોજન કરાતાં વિદ્યાર્થીઓ પણ મુંઝવણમાં મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...