• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Beau Certi. Notices To 82 Private Hospitals For Non existence, On The Other Hand Manpa Helpless Against 3 Government Hospitals Without Fire NOC

લોલમલોલ:બીયુ સર્ટિ. ન હોવાથી 82 ખાનગી હોસ્પિટલને નોટિસ, બીજી બાજુ ફાયર એનઓસી વગરની 3 સરકારી હોસ્પિટલ સામે મનપા લાચાર

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જ્યાં સૌથી વધુ દર્દી દાખલ થાય છે ત્યાં હજુ પણ લોલમલોલ

રાજકોટ શહેરમાં બીયુ સર્ટિફિકેટ ન હોય તેવી 82 ખાનગી હોસ્પિટલને મનપાએ નોટિસ ફટકારી છે. આ તપાસ હજુ ચાલી રહી છે તેથી અન્ય હોસ્પિટલને નોટિસની શક્યતા છે. બીજી તરફ ફાયર એનઓસીના સર્ટિફિકેશનમાં તમામ હોસ્પિટલમાંથી 3 જ બાકી રહી છે અને આ ત્રણેય સરકારી હોસ્પિટલ છે. આ બિલ્ડિંગમાં કામ અડધા જ થયા છે અને આ જ કારણે પ્રોવિઝનલ સર્ટિફિકેટ પણ મળ્યું નથી. સિવિલ હોસ્પિટલમાં ઘણી બધી ઈમારતો આવેલી છે અને આ તમામ માટે અલગથી ફાયર એનઓસી જરૂરી બને છે.

આ તમામ પૈકી હાલ જ્યાં કોવિડ હોસ્પિટલ કાર્યરત છે તે બિલ્ડિંગ નવું બન્યું હોવાથી ફાયર એનઓસી છે જ્યારે બાકી બધામાં એનઓસી લેવાઈ રહ્યા છે. વોર્ડ નં. 7, 10, 11 અને માનસિક રોગોના વિભાગમાં પૂરતી સિસ્ટમ લાગી જતા ત્યાં એનઓસી મળી ગયું છે પણ જ્યાં સૌથી વધુ લોકો આવે છે તેવા ટ્રોમા સેન્ટર, ઓપીડી બિલ્ડિંગ, ઈમર્જન્સી, આંખની હોસ્પિટલ, કિડની યુનિટ, બાળકોની હોસ્પિટલ આ બધી જ જગ્યાએ કામ ચાલુ છે. જ્યારે ટ્રોમા સેન્ટરમાં તો હજુ કામ કરવા માટે ટેન્ડર જ થયા છે.

આ જ રીતે ગુંદાવાડી સ્થિત પદ્મકુંવરબા હોસ્પિટલ તેમજ રેલવે હોસ્પિટલમાં પણ કામ ચાલી રહ્યું છે ત્યાં પણ તમામ બિલ્ડિંગને ફાયર એનઓસી મળ્યું નથી. છેલ્લા એક વર્ષથી ફાયર એનઓસી મુદ્દે પસ્તાળ પડી રહી છે અને ખાનગી હોસ્પિટલને અવારનવાર નોટિસ તેમજ અલ્ટિમેટમ આપીને સીલ મારવા સુધીની ચીમકીઓ અપાઈ હતી પણ જ્યાં સૌથી વધુ દર્દીઓ એક સાથે દાખલ થાય છે તેવી સરકારી હોસ્પિટલ કે જેને તુરંત જ તમામ પ્રકારના સાધનો મળી શકે તેમ છે, તેઓએ કામમાં ઢીલાશ રાખી છે ક્યારેક ગ્રાન્ટ તો ક્યારેક મંજૂરીઓના બહાના ધરીને કામ કરાયા નથી.

બી.યુ. પરમિશન માટે નોટિસ પણ સૂચિતના બાંધકામ પડકાર
રાજકોટ શહેરમાં ફાયર એનઓસી માટે હોસ્પિટલમાં ચેકિંગ, નોટિસ સહિતની કામગીરી પૂરી થઈ ગઈ છે તેવામાં બી.યુ. સર્ટિફિકેટ એટલે કે બિલ્ડિંગ યૂઝ સર્ટિફિકેટ કે જે ટી.પી. શાખા આપે છે તેની તપાસ કરવાનો આદેશ અપાયો છે. બિલ્ડિંગના બી.યુ. સર્ટિફિકેટ પણ ફાયર એનઓસીનીની જેમ ફરજિયાત છે તેથી રાજકોટ મહાનગરપાલિકાની ટી.પી. શાખા અલગ અલગ ટીમ બનાવીને સરવે કરી રહી છે જે પૈકી પ્રાથમિક તબક્કે 80થી વધુ હોસ્પિટલને નોટિસ ફટકારાઈ છે આ કામગીરી હજુ પણ ચાલશે.

જોકે આ દરમિયાન સૂચિત સોસાયટીઓમાં વર્ષો પહેલા બનેલી અને હાલ કાર્યરત હોય તેવી હોસ્પિટલમાં નિયમને લઈને ગૂંચ ઊભી થઈ છે. સૂચિત સોસાયટીઓમાં બી.યુ. સર્ટિફિકેટ જેવા કોઇ પ્રમાણપત્રો અપાતા નથી કારણ કે, ત્યાં બાંધકામ કરવાની મંજૂરી છેલ્લા 15 વર્ષથી અપાઈ નથી. આ મામલે નાયબ મ્યુનિસિપલ કમિશનર આશિષ કુમારે જણાવ્યું હતું કે, હજુ તો સરવે ચાલી રહ્યો છે અને સરવે પૂરો થયા બાદ ફાઈનલ આંક સામે આવશે ત્યારબાદ સૂચિતમાં બાંધકામ અંગે જે તે હોસ્પિટલે ઈમ્પેક્ટ ફી ભરીને રેગ્યુલરાઈઝ કરાઈ છે કે નહિ તેની અલગથી છણાવટ થશે ત્યારબાદ જરૂર મુજબની કાર્યવાહી હાથ ધરાશે.

એક માસમાં સર્ટિફિકેટ મળી જશે
સિવિલ હોસ્પિટલના પરિસરમાં ઘણી બિલ્ડિંગ છે. તે પૈકી પીએમએસએસવાય બિલ્ડિંગ, વોર્ડ નં. 7, 10, 11, માનસિક રોગોના વિભાગમાં 2022 સુધીનું એનઓસી મળી ગયું છે. આ સિવાયના બિલ્ડિંગમાં પણ કામ ચાલી રહ્યા છે અને ટ્રોમા સેન્ટરમાં ટેન્ડર કરાયું છે. આ બધી કાર્યવાહી દરમિયાન થોડા જ સમયમાં પ્રોવિઝનલ સર્ટિફિકેશન આવી જશે અને એકાદ મહિનામાં જ તમામ બિલ્ડિંગને એનઓસી મળી જાય તેવો પ્રયાસ રહેશે. > ડો. આર. એસ. ત્રિવેદી, તબીબી અધિક્ષક સિવિલ હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...