શિક્ષણ બોર્ડે ધોરણ 12 સાયન્સ બાદ હવે ધોરણ 10ના બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની જાહેરાત કરી છે, પરંતુ સાથે સાથે શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓ અને શાળાઓને સૂચના આપી છે કે, ધોરણ 10ના ફોર્મ ભરતી વખતે બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત વિષય પસંદ કરતી વખતે કાળજી રાખવામાં આવે.
માર્ચ-2023ની એસએસસીની પરીક્ષાની હોલ ટિકિટ ઇસ્યૂ થયા બાદ વિકલ્પ પસંદગીમાં સુધારો કરી આપવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પરીક્ષાના એક સપ્તાહ પહેલા વિદ્યાર્થીઓના હાથમાં હોલ ટિકિટ આવી ત્યારે તેમને જાણ થઇ કે પોતાને બેઝિક ગણિત રાખવું હતું પરંતુ ઓનલાઈન ફોર્મ ભરવામાં ભૂલ થઇ હોવાને લીધે સ્ટાન્ડર્ડ ગણિત પસંદ થઇ ગયું છે.
આવા રાજ્યના અંદાજિત 400 વિદ્યાર્થીએ હોલ ટિકિટ આવી ગયા બાદ શિક્ષણ બોર્ડમાં વિષય બદલવા રજૂઆત કરી હતી અને બોર્ડે આવા વિદ્યાર્થીઓને છેલ્લી ઘડીએ સ્ટાન્ડર્ડ ગણિતને બદલે બેઝિક ગણિત વિષયની પરીક્ષા આપવા મંજૂરી આપી હતી. પરંતુ આ વર્ષે શિક્ષણ બોર્ડે શાળાઓ અને વિદ્યાર્થીઓને સ્પષ્ટ સૂચના આપી ફોર્મ ભરવામાં કાળજી રાખવા જણાવ્યું છે અને હોલ ટિકિટ ઇસ્યૂ થયા બાદ વિષય બદલી નહીં આપવા પણ જણાવ્યું છે. ધો. 10ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ઓનલાઇન ભરવાનું શરૂ કરાયું છે. જે 13 ડિસેમ્બર સુધી ભરાશે.
2021માં બોર્ડે ગણિતના બે વિકલ્પ આપ્યા છતાં 2 લાખ વિદ્યાર્થી નાપાસ!
ગણિત વિષયમાં ફેલ થતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવા માટે શિક્ષણ બોર્ડે વર્ષ 2021-22ના વર્ષથી ગણિતમાં વિદ્યાર્થીઓને બે વિકલ્પ આપ્યા. એક બેઝિક ગણિત અને બીજું સ્ટાન્ડર્ડ ગણિત. બોર્ડે સરળ અને અઘરું ગણિતના વિકલ્પ આપતાં જ ધો. 10ના મોટાભાગના વિદ્યાર્થીઓએ બેઝિક ગણિત જ રાખ્યું પરંતુ છતાં ધો. 10ના પરિણામમાં 30% એટલે કે 2,01,548 વિદ્યાર્થી બેઝિક ગણિતમાં પણ ફેલ થયા. શિક્ષણ બોર્ડે ફોર્મ્યુલા બદલી છતાં આ સંખ્યામાં માત્ર નજીવો ઘટાડો થયો હતો.
બેઝિક ગણિત પસંદ કરનાર A અથવા AB ગ્રૂપમાં પ્રવેશ નહીં લઇ શકે
જે વિદ્યાર્થી ધો. 10માં ગણિત બેઝિક રાખશે તે ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં બી ગ્રૂપમાં પ્રવેશ મેળવી શકશે, પરંતુ A અથવા AB ગ્રૂપમાં પ્રવેશ મેળવી શકશે નહીં. બેઝિક ગણિત સાથે પાસ થનાર 11 સાયન્સમાં A અથવા AB ગ્રૂપમાં પ્રવેશ મેળવવા ઈચ્છે તો જુલાઈ માસની પૂરક પરીક્ષા દરમિયાન સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા પાસ કરવી પડશે. આ જોગવાઇનું માર્ગદર્શન વિદ્યાર્થી અને વાલીને આપવા બોર્ડે જણાવ્યું છે.
ગયા વર્ષે સ્ટાન્ડર્ડમાં ફેલ આ વર્ષે બેઝિક ગણિતની પરીક્ષા આપી શકશે
શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવાયું છે કે, જે ઉમેદવાર માર્ચ-2022 કે તેના અગાઉના વર્ષોમાં સ્ટાન્ડર્ડ ગણિત વિષયમાં અનુત્તીર્ણ થયેલ હોય અને ચાલુ વર્ષે સ્ટાન્ડર્ડ ગણિત વિષયના બદલે બેઝિક ગણિત વિષયની રિપીટર ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારો ઓનલાઇન આવેદનપત્ર ભરવાની પ્રક્રિયા દરમિયાન ગણિત વિષયની પસંદગી બદલી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.