તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્સક્લૂઝિવ:વાલીઓ ચેતો, કોરોના બાદ ત્રીજા અઠવાડિયે બાળકને સતત તાવ, આંખ લાલ દેખાય તો MIS-C હોય શકે, કિડની, લિવર, હૃદય પર સોજા આવે

રાજકોટ2 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • વાલીઓ વધુપડતો સમય કાઢી નાખતા હોવાથી MIS-C રોગ ઘાતક બને છે
  • કોઈપણ પ્રકારનાં લક્ષણો જણાય તો બાળરોગના નિષ્ણાત ડોક્ટરને બતાવવું જરૂરી

કોરોનાની બીજી લહેરમાં કોરોનાગ્રસ્ત બાળકો પર MIS-C (મલ્ટીઓર્ગન ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ) રોગ ઘાતક સાબિત થઇ રહ્યો છે. આ રોગથી બાળકના જીવ પર જોખમ આવી શકે છે. આ રોગ કેટલો ઘાતક છે એ અંગે રાજકોટના બાળરોગ નિષ્ણાત ડો.જય ધીરવાણી અને યજ્ઞેશ પોપટે DivyaBhaskar સાથેની વાતચીતમાં વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે MIS-C થવા પાછળ વધુપડતી ઈમ્યુનિટી જવાબદાર છે. કોરોનામાંથી બહાર આવ્યા બાદ ત્રીજા અઠવાડિયે બાળકને સતત તાવ રહે, આંખ લાલ થઈ જાય તો વાલીઓએ ચેતી જવું, કારણ કે બાળકને MIS-C હોય શકે છે. આ રોગ બાળકની કિડની, લિવર અને હૃદય પર સોજા લાવી દે છે, માતા-પિતા એમાં વધુપડતો સમય કાઢી નાખતાં હોવાથી MIS-C ઘાતક બને છે.

કેટલાક કિસ્સામાં બાળકને કોરોના આવી ગયો એની ખબર રહેતી નથી
બાળરોગ નિષ્ણાત ડો.જય ધીરવાણી અને ડો.યજ્ઞેશ પોપટે વધુમાં જણાવ્યું હતું કે ‘મલ્ટીઓર્ગન ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ’ (MIS-C)નો ખતરો કોરોનાગ્રસ્ત બાળકો પર વધુ રહે છે. રાજકોટ તેમજ જિલ્લામાં બે મહિના દરમિયાન બાળકો મોટી સંખ્યામાં કોરોનાગ્રસ્ત થયાં હોવાને કારણે આ રોગના કેસમાં વધારો જોવા મળ્યો હતો, પરંતુ અત્યારે એમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. કોરોના હજુ ધીમો પડ્યો છે, પરંતુ જેમ જેમ દિવસો જાય તેમ તેમ 3થી 6 અઠવાડિયાં પછી આ રોગ બહાર આવી શકે છે, જેમાં વધુપડતી રોગપ્રતિકારક શક્તિ પણ આ રોગ માટે જવાબદાર છે. કેટલાક કિસ્સામાં બાળકને કોરોના આવી ગયો હોય છતાં કોઇને એની ખબર ન પડી હોય એવું બનતું હોય છે.

બાળકની આંખ લાલ દેખાય તો માતા-પિતાએ ચેતી જવું.
બાળકની આંખ લાલ દેખાય તો માતા-પિતાએ ચેતી જવું.

1. પ્રશ્નઃ આ રોગ માટે સૌથી વધુ જવાબદાર શું?
જવાબઃ આ પ્રશ્નમાં બંને તબીબોએ કહ્યું હતું કે આ રોગ માટે બાળકમાં રહેલી વધુપડતી ઈમ્યુનિટી જવાબદાર હોય છે. કોરોનાને ઠીક કરવા માટે બાળકોની ઈમ્યુનિટી વધારવામાં આવે છે, પરંતુ એ એટલી હદે વધી જાય છે કે પછી એને કાબૂમાં લેવી જરૂરી બની જાય છે.

2. પ્રશ્નઃ આ રોગનાં મુખ્ય લક્ષણો ક્યાં?
જવાબઃ આ રોગનાં મુખ્ય લક્ષણો તાવ, શરીર પર સોજા, આંખ લાલ થઈ જવી.

3. પ્રશ્નઃ કેટલી ઉંમરનાં બાળકોમાં આ રોગ થાય છે
જવાબઃ 14થી 17 વર્ષની ઉંમરનાં બાળકને MIS-C વધુ થતો જોવા મળ્યો છે.

4. પ્રશ્નઃ કોરોના બાદ કેટલા સમયમાં આ રોગ થવાની સંભાવના?
જવાબઃ MIS-C કોરોના મટ્યાનાં ત્રણથી છ સપ્તાહમાં દેખાનું શરૂ કરે છે, જો આ સમયગાળામાં બાળકને સતત તાવ રહે, આંખો લાલ થઈ જાય અથવા બાળક સુસ્ત રહે તો વાલીઓએ તરત જ ચિંતિત બનીને નિષ્ણાત ડોક્ટરોનો સંપર્ક સાધવો જોઈએ, કારણ કે આ લક્ષણો MIS-Cનાં મુખ્ય લક્ષણો છે.

5. પ્રશ્નઃ MIS-C બાળકમાં કેવી રીતે જોખમી બને છે?
જવાબઃ અત્યારે વાલીઓ આ લક્ષણો દેખાય એટલે ડોક્ટર પાસે તો જાય છે, પરંતુ એક ડોક્ટરની સલાહના આધારે આગળ વધી રહ્યા નથી અને અલગ અલગ ડોક્ટરની સલાહ લઈને સમય પસાર કરી નાખે છે, પરંતુ ત્યાં સુધીમાં આ રોગ બાળકની કિડની, હૃદય અને લિવર ઉપર સોજા લાવી ચૂક્યો હોય છે, જેને કારણે બાળકની તબિયત વધુ બગડે છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવું પડે છે.

6. પ્રશ્નઃ MIS-Cમાં બાળકની કેટલા દિવસ સારવાર ચાલે છે?
જવાબઃ જો સમયસર સારવાર મળી જાય તો આ રોગ ઝડપથી ઠીક થઈ જાય છે અને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ પાંચ દિવસની સઘન સારવાર બાદ બાળક સ્વસ્થ થઈ જાય છે.

બાળકોને આ રોગમાં આઇસીયુની વધારે જરૂર પડે છે.
બાળકોને આ રોગમાં આઇસીયુની વધારે જરૂર પડે છે.

બાળકોમાં MIS-C રોગનાં લક્ષણો

  • તાવ આવવો
  • બાળક સતત રડ્યા કરે
  • બાળક અકળાય
  • બાળક દૂધ ના પીવે
  • ઝાડા-ઊલટી થઈ જાય

બાળકોને આઇ.સી.યુ.ની વધુ જરૂર પડે છે
આ રોગને કારણે બાળકોમાં હૃદય પર એની અસર જોવા મળે છે, જેને કારણે બાળકોને આઇ.સી.યુ.ની વધુ જરૂર પડે છે. સરકારી હોસ્પિટલ બાદ હવે ખાનગી હોસ્પિટલમાં પણ બાળકોને દાખલ કરાયાં છે. ત્યારે ગુજરાતમાં આવા અનેક કેસ નોંધાયા હોવાનો તબીબોનો દાવો છે.

બાળકોમાં આ રોગનાં લક્ષણો જણાય તો ડોક્ટરોનો તરત સંપર્ક કરવો.
બાળકોમાં આ રોગનાં લક્ષણો જણાય તો ડોક્ટરોનો તરત સંપર્ક કરવો.

10 ગ્રામનું ઇન્જેક્શન રૂ.12 હજારનું આવે છે
તબીબોના જણાવ્યા અનુસાર, MIS-Cમાં આપવામાં આવતાં ઇન્જેક્શન ખર્ચાળ છે. 10 ગ્રામનું એક ઇન્જેક્શન રૂ. 12 હજારનું આવે છે. એક બાળકને 1 કિલો વજન ઉપર બે ગ્રામ આપવું પડતું હોય છે. આ ઇન્જેક્શનનું નામ ivig છે. ivig સરળતાથી મળી તો રહે છે, પરંતુ સામાન્ય લોકો માટે એ મોંઘું છે.

અન્ય સમાચારો પણ છે...