BCIનું પેપર લીકનો પર્દાફાશ:પેપર ફોડનાર કાયદાના જાણકારો સામે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ, સૂત્રધાર સામે BCI પગલાં લેશે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન મનનકુમાર મિશ્રાએ આકરી કાર્યવાહી કરવા સૂચના આપી
  • ભાસ્કરના સ્ટિંગ ઓપરેશનનો પડઘો છેક દિલ્હી સુધી પડ્યો, જોશીની સનદ રદ કરવા સહિતની કાર્યવાહી થશે

વકીલાતની સનદ માટે લેવાતી ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશનનું પેપર ગુજરાતમાં લીક કરવાનો પર્દાફાશ દિવ્ય ભાસ્કરે સ્ટિંગ ઓપરેશનથી કર્યો છે. આ સ્ટિંગ ઓપરેશનમાં કઈ રીતે પેપર લીક કરવાનું, મોબાઈલ કઈ રીતે લઈ જવાનો છે તેમજ આન્સર કી ક્યારે અને કઈ રીતે મોકલી દેવાશે અને તેમાંથી કઈ રીતે જવાબો શોધવાના છે આ બધું જ બહાર આવ્યું હતું.

પેપર લીક કરવાના સૌથી મોટા ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમને અંજામ
આ ગંભીર કૌભાંડ આચરનાર બીજુ કોઇ નહિ પણ રાજકોટ બાર એસોસિએશનના કારોબારી સભ્ય એવા વકીલ જિગ્નેશ જોશી જ હતા અને તેમની સાથે અન્ય 2000 ઉપરાંતના કાયદાના જાણકારો, વિદ્યાર્થીઓ હતા અને બધાએ મળીને હાઈટેક કાર્ટેલ રચી પેપર લીક કરવાના સૌથી મોટા ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમને અંજામ આપ્યો હતો. ભાસ્કરની ટીમે આ તમામ ગુનાહિત બાબતો બહાર લાવતા તેના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા હતા. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા લાલઘૂમ થઈ હતી અને આકરી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ કમિટી બનાવાશે
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નેશનલ પ્રેસિડેન્ટ મનનકુમાર મિશ્રા સાથે દિવ્ય ભાસ્કરે વાત કરી હતી અને તેમણે ઘટનાની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે, વકીલે જ વિદ્યાર્થીઓને બોલાવીને તેમને પેપર ફોડવાના ગેરમાર્ગે દોર્યા છે. પેપર પરીક્ષા કેન્દ્રમાંથી કઈ રીતે લીક થયું, કોણે લીક કર્યું અને કોના પાસે આન્સર કી પહોંચી તે બહાર લાવવા માટે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ કમિટી બનાવાશે.

કાર્યવાહી માટે જિગ્નેશ જોશીને નોટિસ ફટકારી જવાબ મગાશે
આ કમિટી દરેક પરીક્ષા કેન્દ્રના સીસીટીવી મેળવશે તેમજ ભાસ્કર પાસેના પુરાવા પણ મેળવશે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, એક વકીલે જ આ પ્રવૃત્તિ કરી છે જે ખૂબ જ ગંભીર બાબત છે. જેને લઈને તપાસ કમિટી ઉપરાંત કાર્યવાહી માટે જિગ્નેશ જોશીને નોટિસ ફટકારી જવાબ મગાશે અને ડીસી(ડિસિપ્લિનરી કમિટી) બેસાડીને પ્રોસિડિંગ કરવામાં આવશે.

આ કમિટી પોતાનો રિપોર્ટ છ મહિનામાં આપી દે
એડવોકેટ એક્ટ મુજબ વકીલાતની સનદ ધરાવતી કોઇપણ વ્યક્તિ ગેરવર્તણૂકમાં પકડાય તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ડીસી મળે છે. જેમાં વકીલને નોટિસ આપી ખુલાસો પૂછાય છે અને કમિટી વકીલના વિરુદ્ધના પુરાવા સાથે સરખાવીને તપાસ કરે છે. આ કમિટી પોતાનો રિપોર્ટ છ મહિનામાં આપી દે છે અને એક વર્ષની અંદર તે અંગે નિર્ણય પણ લેવાનો હોય છે.

આ સજા વકીલાતના વ્યવસાયિકો માટે સૌથી આકરી માનવામાં આવશે
આ કમિટીના રિપોર્ટના આધારે વકીલની પ્રોફેશનલ સર્વિસ બંધ કરી શકાય છે એટલે કે સનદ પાછી ખેંચી શકાય છે. આ સજા વકીલાતના વ્યવસાયિકો માટે સૌથી આકરી માનવામાં આવશે. એક વખત સર્વિસ ટર્મિનેટ થઈ ગયા બાદ વ્યક્તિ વકીલાત કરી શકતો નથી. જિગ્નેશ જોશી સામે ડીસીની કાર્યવાહી ઉપરાંત પેપર ફોડવા મામલે નિવૃત્ત જજની કમિટી પણ તપાસ કરશે અને તેમાં સંડોવાયેલા અન્ય લોકોના નામ પણ બહાર લાવશે.

અન્ય સમાચારો પણ છે...